ચોમાસા દરમિયાન વિવિધ જગ્યાએ ભુવા પડતા હોય છે. જો કે શહેરના ફતેવાડી વિસ્તારમાં લબ્બેક પાર્ક- 1 સોસાયટી પાસે આજે સવારે એકાએક ભુવો પડ્યો હતો. મીની ટેમ્પો ટ્રાવેલ ગાડી પાર્ક કરી હતી ત્યાં જ ભુવો પડ્યો હતો. ભૂવામાં પાછળના ભાગનું ટાયર ફસાઈ ગયું હતું. વાહન માલિકે ક્રેન બોલાવી તેની મદદથી પોતાનું વાહન બહાર કાઢ્યું હતું. ફતેવાડી વિસ્તારમાં ચોમાસા દરમિયાન જ ચારથી પાંચ જેટલા ભુવા પડ્યા હતા.
ટેમ્પોને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી
મળતી માહિતી મુજબ આજે સવારે શહેરના જુહાપુરા વિસ્તારમાં ફતેવાડીમાં આવેલી લબ્બેક પાર્ક- 1 સોસાયટીની બહાર એકાએક રોડ બેસી ગયો હતો. મીની ટેમ્પો ટ્રાવેલ પાર્ક કરવામાં આવી હતી તે જ જગ્યા પર ભુવો પડતા આસપાસના લોકો દોડી આવ્યાં હતાં. સ્થાનિક લોકોના કહેવા મુજબ ફતેવાડી વિસ્તારમાં આ પાંચમો ભુવો પડ્યો છે. ચોમાસા દરમિયાન પણ આ વિસ્તારમાં ત્રણથી ચાર વખત ભુવા પડ્યા છે. જેમાં વાહનો ગરકાવ થયા છે. આજે પણ મીની ટેમ્પો ટ્રાવેલનું પાછળનું ટાયર ભુવામાં ફસાઈ ગયું હતું. જેને ક્રેનની મદદ લઈને બહાર કાઢવામાં આવી હતી.
લોકોએ લાકડાની આડાશ મૂકી દીધી
ભુવો પડ્યો ત્યાં આસપાસની જગ્યામાં પણ ભુવા પડે તેવી પરિસ્થિતિ હોવાથી તાત્કાલિક ત્યાંથી વાહનો હટાવી દેવામાં આવ્યા હતા. લોકોએ ત્યાં લાકડાની આડાશ મૂકી દીધી હતી. જેનાથી કોઈ ત્યાં જાય નહીં અને વધુ ભુવા પડે નહિ. શહેરના વિવિધ વિસ્તારોમાં વર્ષો જૂની ગટર લાઈન હોવાના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ વર્ષે રૂ.100 કરોડના ખર્ચે 32 કિલોમીટર લાંબી જૂની ડ્રેનેજ લાઈનોને વિવિધ ત્રણ પદ્ધતિથી રિહેબ કરવાનો નિર્ણય લીધો છે.