News Updates
AHMEDABAD

ગુજરાત પડ્યું બીમાર: હોસ્પિટલોમાં લાઇનો; 20થી વધુ મોત, ડેન્ગ્યુ, મલેરિયા, વાઇરલના 10,000થી વધુ કેસ, ઘેર-ઘેર બીમારીના ખાટલા

Spread the love

ગત 26 ઓગસ્ટથી 4 દિવસ પડેલા ભારે વરસાદથી રાજ્યના અનેક વિસ્તારોમાં પૂર આવ્યું હતું.પરંતુ છેલ્લા 10-12 દિવસથી તડકો પડી રહ્યો હોવાથી મચ્છરોની ઉત્પત્તિ વધી છે. જેથી ઘરે ઘરે માંદગીના ખાટલા છે અને હોસ્પિટલોમાં લાઇનો લાગી છે.

હાલ ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા, ઝાડા-ઉલટી, તાવ, શરદી, ઉધરસ, કમળો, ટાઈફોઇડ સહિતની બીમારીઓએ માજા મૂકી છે. આ બીમારીઓને કારણે સપ્ટેમ્બરમાં જ 20થી વધુ મોત અને અંદાજિત 10 હજારથી વધુ લોકો બીમાર પડ્યા છે. વરસાદમાં ચોતરફ પાણી, પૂર, બિસ્માર રોડ, ભૂવા બાદ હવે રોગચાળો વકરતા જાણે કે તંત્ર પણ ‘બીમાર’ પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.

ગુજરાતમાં વાઇરલ ઇન્ફેક્શન, ઝાડા-ઉલટી, ડેન્ગ્યુ અને મલેરિયાના કેસોમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. એક અંદાજ મુજબ વિવિધ બીમારીઓના 10 હજારથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે. અહીં એક વાત સ્પષ્ટ કરવી જરૂરી બને છે કે આ આંકડો માત્ર શહેરની સરકારી હોસ્પિટલો પૂરતો જ સિમિત છે. જો તેમાં ખાનગી હોસ્પિટલો, ખાનગી ક્લિનિક સહિત અન્ય સરકારી દવાખાનામાં નોંધાયેલા કેસના આંકડો ઉમેરવામાં આવે તો આ આંકડો ચિંતા ઉપજાવે તેવો હોઇ શકે છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા 15 દિવસથી વરસાદનું પ્રમાણ ઘટ્યું છે. પરંતુ ભેજયુક્ત વાતાવરણને કારણે મચ્છરોની ઉપદ્રવ વધી ગયો છે. તેવામાં સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસમાં મચ્છરજન્ય રોગ, વાઇરલ ઇન્ફેક્શન અને સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો નોંધાયો છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુ, મલેરિયાના કેસમાં મોટો વધારો નોંધાયો છે. આ ઉપરાંત ચિકનગુનિયાના કેસ પણ સમગ્ર વર્ષની સરખામણીમાં ગત 15 દિવસમાં વધ્યા છે. 15 દિવસ દરમિયાન ક્યારેક તડકો તો ક્યારેક ભેજયુક્ત અને વાદળછાયું વાતાવરણ રહેતા ઠંડી અને ગરમી એમ બંને ઋતુનો અનુભવ થતા વાઇરલ ઇન્ફેક્શનના કેસ પણ વધી રહ્યા છે.

સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસમાં વાઇરલ ઇન્ફેક્શનના 4,171 કેસ નોંધાયા હતા. જેમાંથી ગત 2 સપ્તાહ દરમિયાન દર એક સપ્તાહમાં 2000થી વધુ વાઇરલ ઇન્ફેક્શનના કેસ ઓપીડી ખાતે નોંધાયા હતા. તદુપરાંત ઝાડા-ઉલટીના 42, ટાઈફોઇડના 11 અને કમળાના 24 દર્દીઓએ સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. એટલે કે હાલમાં પાણીજન્ય રોગ કરતા મચ્છરજન્ય રોગચાળો વધારે ફેલાયેલો છે. ​​​​​​ સ્વાઇન ફ્લુના 10 રિપોર્ટ પોઝિટિવ 15 દિવસમાં સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લુના લક્ષણો સાથે 78 દર્દીઓ સારવાર અર્થે આવ્યા હતા. જેમાંથી 10 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. ડેન્ગ્યુના 1,337 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી 268 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. મલેરિયાના 1,822 સેમ્પલમાંથી 62 તથા ચિકનગુનિયાના 124 સેમ્પલમાંથી 20 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

અમદાવાદમાં ઓગસ્ટમાં ડેન્ગ્યુના 247 કેસ નોંધાયા હતા ત્યારે સપ્ટેમ્બર મહિનામાં 17 તારીખ સુધીમાં જ 190 કેસ નોંધાયા છે એટલે કે ડેન્ગ્યુના કેસમાં 25 ટકાનો વધારો થયો છે. જ્યારે મલેરિયા અને ઝેરી મલેરિયાના ઓગસ્ટમાં 121 કેસ નોંધાયા હતા. જ્યારે 17 સપ્ટેમ્બર સુધીમાં 62 કેસ નોંધાયા છે. ગત મહિને વાઇરલ ઇન્ફેક્શનના 962 કેસ નોંધાયા હતા. જેની સામે 17 સપ્ટેમ્બર સુધીમાં 350 કેસ નોંધાયા છે એટલે કે કેસમાં ઘટાડો નોંધાયો છે. ચિકનગુનિયાના ઓગસ્ટમાં 40 કેસ નોંધાયા હતા જેની સામે 17 સપ્ટેમ્બર સુધીમાં 17 કેસ નોંધાયા છે. કમળાના ઓગસ્ટમાં 245 કેસ હતા જેની સામે 17 સપ્ટેમ્બર સુધીમાં 121 કેસ નોંધાયા છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપરિટેન્ડેન્ટ ડૉ. રજનીશ પટેલે જણાવ્યું હતું કે વરસાદ ઓછો થયો છે પરંતુ હજુ પણ ભેજવાળું વાતાવરણ છે જેના કારણે મચ્છરજન્ય રોગમાં વધારો થઈ રહ્યો છે. લોકોએ મચ્છર ના કરડે તે બાબતની કાળજી રાખવી જોઈએ. શહેરમાં ડેન્ગ્યુ અને મલેરિયાના કેસોમાં વધારો થયો છે. છેલ્લા 15 દિવસમાં મ્યુનિ. સંચાલિત હોસ્પિટલમાં ડેન્ગ્યુના 550થી વધુ અને સાદા મેલેરિયાના 150થી વધુ કેસ નોંધાયા છે. જ્યારે ઝેરી મેલેરિયાના 20થી વધુ કેસ નોંધાયા છે. ડેન્ગ્યુ અને મલેરિયાની સાથે ઝાડા ઉલટી તેમજ ટાઈફોઇડના કેસોમાં પણ વધારો થયો છે. પાણીજન્ય રોગચાળામાં ટાઈફોઇડ અને ઝાડા ઉલટીના 200થી વધુ કેસો નોંધાયા છે. ડેન્ગ્યુના કેસો વધવાનું મુખ્ય કારણ પક્ષી ચાર્ટ અને કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર ભરાયેલા વરસાદી પાણીમાં મચ્છરોની ઉત્પત્તિ થવાના કારણે એડિસ મચ્છરો વધતા ડેન્ગ્યુ અને મેલેરિયા વધ્યો છે.

AMC આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસોનું પ્રમાણ વધ્યું છે. પાણીજન્ય કેસોના વધારાનું મુખ્ય કારણ પ્રદૂષિત પાણી અને બહારના ખાવાના કારણે થતું હોવાનું સામે આવ્યું છે.

રાજકોટમાં ચાલુ સપ્તાહે વધુ 29 ડેન્ગ્યુના કેસો સામે આવતા એક માસમાં 100 જેટલા કેસો નોંધાઈ ચુક્યા છે. ઉપરાંત ટાઇફોઇડ, તાવનાં 5 તેમજ કમળાનાં 2 દર્દીઓ સામે આવ્યા છે. તો વિવિધ રોગોના અગાઉના 1968 સામે ચાલુ સપ્તાહે 2376 કેસ નોંધાયા છે. જેમાં શરદી- ઉધરસનાં સૌથી વધુ 1239 દર્દીઓ નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. જોકે આંકડાઓ માત્ર મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોનાં છે. ત્યારે નાના મોટા ખાનગી ક્લિનિકો ધ્યાનમાં રાખીએ તો આંકડો 5 ગણો એટલે કે, 10,000થી વધુ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

પ્રાપ્ત વિગત મુજબ છેલ્લા એકાદ સપ્તાહથી શહેરની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ તેમજ મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી રહી છે. મનપાના ચોપડે વિવિધ રોગોના ગત સપ્તાહના 1968 સામે આ સપ્તાહે 2376 કેસ નોંધાયા હતા. જેમાં શરદી- ઉધરસનાં ગત સપ્તાહનાં 942 કેસ સામે આ સપ્તાહે 1239 કેસ, ઝાડા-ઉલટીનાં 349 સામે 359 કેસ અને સામાન્ય તાવનાં પણ 645 સામે 739 કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળામાં ડેન્ગ્યુનાં 29 કેસ નોંધાયા હતા. એટલું જ નહીં ટાઈફોઇડ તાવનાં 5 તેમજ મલેરિયા 2 અને ચિકનગુનિયાનો 1 કેસ નોંધાયો છે. તો ટાઇફોઇડનાં 5 અને કમળાનાં 2 દર્દીઓ સામે આવતા આરોગ્ય વિભાગ દ્વારા ફોગીંગ સહિતની કામગીરી ઝડપી કરવામાં આવી છે.

મનપાનાં આરોગ્ય અધિકારી ડોકટર જયેશ વાંકાણીનાં જણાવ્યા મુજબ હાલ વરસાદી માહોલ હોવાને કારણે ભેજવાળું વાતાવરણ હોવાથી વાઇરલ ઈન્ફેક્શનના કેસોમાં વધારો નોંધાયો છે. ત્યારે લોકોએ બહારનો ખોરાક લેવાથી દૂર રહેવાની સાથે ગરમ પાણી પીવું જોઈએ. અને સામાન્ય સૂકી ઉધરસ માટે હળદરનો ઉપયોગ કરવો એ હિતાવહ છે. ઉપરાંત જો કોઈપણ પ્રકારે તબિયત વધુ લથડતી લાગે તો તરત જ મનપાનાં આરોગ્ય કેન્દ્રો અથવા સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાંત ડૉક્ટર્સની સલાહ લઈ તે મુજબની દવા કરવી જરૂરી છે.

આ સાથે રોગચાળાને પહોંચવા માટે મહાનગરપાલિકાએ પ્રયાસો શરૂ કર્યા છે. 56 મલેરિયા ફિલ્ડવર્કર, 415 અર્બન આશા અને 115 વી.બી.ડી વોલેન્ટીયર્સ દ્વારા તા. 09 સપ્ટેમ્બરથી તા. 15 સપ્ટેમ્બર વચ્ચે 94,357 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. અને 5,059 ઘરોમાં ફોગીંગ સહિતની કામગીરી કરવામાં આવી છે.

સામાન્ય રીતે મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારમાં વ્હિકલ માઉન્ટેન ફોગિંગ મશીનથી ફોગિંગ કામગીરી કરવામાં આવે છે. જેમાં વિવિધ વિસ્તારોમાં મચ્છર ઉત્પતિ સંબંધિત બાંધકામ સાઇટ, સ્કૂલ, કોલેજો સહિત કુલ 439 પ્રિમાઈસીસમાં તપાસ કરવામાં આવી હતી. દરમિયાન રહેણાંકમાં 345 તો કોર્મશિયલમાં કુલ 104 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. અને રૂ. 36,700 જેટલો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે.

વડોદરા શહેરમાં વરસાદ અને પૂરની પરિસ્થિતી બાદ રોગચાળો વકર્યો છે. હાલમાં જ્યા જુઓ ત્યા ંમચ્છરજન્ય રોગચાળાની દહેશત જોવા મળી રહી છે. ખાસ કરીને ડેન્ગ્યુ, મેલેરિયાના દર્દીઓ સામે આવી રહ્યાં છે. હાલ સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા લગભગ બમણી થઈ છે. શહેરમાં છેલ્લાં 15 દિવસમાં કોર્પોરેશનના ચોપડે નોંધાયેલા ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મલેરિયા, કોલેરા સહિતના કેસનો અભ્યાસ કરતાં જાણવા મળ્યું કે સિઝનમાં સૌથી વઘુ સપ્ટેમ્બરમાં છેલ્લાં 14 દિવસોમાં 68 કેસ ડેન્ગ્યુના, 05 કેસ ચિકનગુનિયાના, 22 કેસ મલેરિયાના અને 03 કેસ કોલેરાના નોંધાયા છે, જ્યારે ઝાડા ઉલ્ટીના હજારો કેસ સામે આવી રહ્યાં છે.

વડોદરા શહેરમાંથી ડેન્ગ્યુના કેસો જે વિસ્તારમાંથી સામે આવ્યાં છે જેમાં ખાસ કરીને ગોત્રી, દંતેશ્વર, મકરપુરા, સુભાનપુરા, તરસાલી, કિશનવાડી, અકોટા, રામદેવનગર, યમુના મિલ, ફતેગંજ, ફતેપુરા, આદર્શનગર, શિયાબાગ, એકતાનગર, મુજમોહૂડા, દિવાળીપુરા, વારસિયા, માણેજા, તાંદલજા, વડસર, હરણી, બાપોદ, સમા, ગોરવા, પાણીગેટ, ગોકુલનગર જેવાં વિસ્તારોમા આવાં કેસો સામે આવ્યાં છે. જ્યારે મલેરિયાના પણ મોટાભાગના કેસો આ વિસ્તારોમાંથી સામે આવ્યા છે.

વડોદરા મહાનગરપાલિકાની કુલ 101 ટીમ દ્વારા 174 વિસ્તારોની મુલાકાત લઈને 15,086 ઘરો તપાસીને 8,578 મકાનોમાં ફોગીંગ કરવામાં આવેલ છે. 28,807 પાત્રોની ટ્રીટમેન્ટ કરવામાં આવી છે. જ્યારે 1 કન્સ્ટ્રકશન સાઈટ ચકાસેલ છે. જેમાં આજ દિન સુધીમાં કુલ 294માં નોટિસ પાઠવેલ છે. તેમજ 109 સ્કૂલ-હોસ્ટેલને નોટિસ આપી છે.

સુરત સિવિલ હોસ્પિટલ ડેન્ગ્યુ, મલેરિયા,તાવના દર્દીઓથી ઉભરાઈ છે. શહેરમાં ડેન્ગ્યુ, મલેરિયા સહિત તાવના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 17 દિવસમાં ડેન્ગ્યુ, તાવ અને ઝાડા ઉલટીના કારણે 9 મહિનાના બાળકથી લઈને 72 વર્ષના વૃદ્ધ સહિત 20 લોકો મોતને ભેટ્યા છે. નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ જીગીશા પાટડિયાએ જણાવ્યું હતું કે અમારા ત્યાં મેડિસિન વિભાગમાં રોજની 750થી વધુની OPD હોય છે. જેમાં રોજના 10થી 12 દર્દીઓ મચ્છરજન્ય રોગોથી પીડાતા હોય છે. છેલ્લા 15 દિવસમાં 29 દર્દીને ડેન્ગ્યુ, 26 દર્દીને મલેરિયા થયો હોવાનું સામે આવ્યું છે.​​​​​​​​​​​​​​

સુરતમાં ડેન્ગ્યૂએ એક મહિલા ડોક્ટરનો ભોગ લીધો છે. તેમને છેલ્લા 5 દિવસથી તાવ આવતો હતો અને માત્ર 6 કલાકમાં જ તબિયત વધુ બગડતાં આખરે મોત નીપજ્યું હતું. મોત બાદ આરોગ્ય વિભાગે ચેકિંગ કરતાં ડોક્ટરની હોસ્ટેલમાં ગંદકી, મચ્છરોનો ઉપદ્રવ, દારૂની ખાલી બોટલો મળી હતી. મૃતક ડો. ધારા ચાવડા પાલિકા સંચાલિત સ્મિમેર મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહીને એનેસ્થેસિયાનો પ્રથમ વર્ષનો અભ્યાસ કરતાં હતાં.​​​​​​


Spread the love

Related posts

ચેતજો જૂની પ્રોપર્ટી લેતા તૈયાર છે  ઠગો ઠગવા: છેતરપિંડી આચરી અમદાવાદમાં મકાન માલિકે ત્રણ લોકોને બાનાખત કરી આપી

Team News Updates

દારૂના નશામાં બાળકીનું અપહરણ:ગરીબ પરિવારની 4 વર્ષની બાળકીની સાણંદ બ્રિજ નજીકથી દારૂડિયાઓએ ઉઠાંતરી કરી, પોલીસ તપાસમાં આરોપીઓ પકડાતા ભેદ ઉકેલાયો

Team News Updates

અમદાવાદની આન-બાન અને શાન છે ભદ્રનો કિલ્લો, માણેક ચોક અને પરિમલ ગાર્ડન, જુઓ હેરિટેઝ સીટીના ફોટો

Team News Updates