આજે એટલે કે 26 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ સીટીનો સ્થાપના દિવસ છે. આ સીટીએ આજે 613 વર્ષ પુર્ણ કર્યા અને 614માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. આટલા વર્ષો દરમિયાન અમદાવાદ સીટીમાં ઘણા બદલાવ થયા છે. જેમ-જેમ આ સીટીની ઉંમર વધતી જાય છે તેમ-તેમ દિવસે ને દિવસે તેની સુંદરતા નીખરતી જાય છે. આજે અમે તમને અમદાવાદના કેટલાક સ્થળો વિશે જણાવશું જે અમદાવાદની આન-બાન અને શાનમાં વધારો કરે છે.
યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સિટીમાં સ્થાન મેળવનાર ભારતના પ્રથમ શહેર અમદાવાદ આજે તેમનો 613મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. જામા મસ્જિદ પાસે આવેલો ભદ્રનો કિલ્લો 1411માં બનાવવામાં આવ્યો હતો. તમે આ કિલ્લાની શેરીઓમાં લટાર મારવાથી અમદાવાદની ગામઠી સુંદરતાની ઝલક મેળવી શકો છો અને શહેરના ઇતિહાસ વિશે જાણી શકો છો. સાંજે ભદ્ર કિલ્લો અને સમગ્ર પ્રદેશમાં ફેલાયેલા અન્ય ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવી બેસ્ટ છે.
પ્રાચીન અમદાવાદના પ્રખ્યાત બજાર માણેક ચોકમાં પરંપરાગત અમદાવાદી ભોજન ખાવાનો આનંદ અનોખો છે. રસપ્રદ વાત એ છે કે આ જગ્યા શાક માર્કેટ અને પછી જ્વેલરી માર્કેટ તરીકે શરૂ થાય છે અને પછી તે રેસ્ટોરન્ટ સ્ટ્રીપમાં ફેરવાય જાય છે. અમદાવાદમાં રાત્રિના સમયે ટહેલવા જેવું કોઈ સ્થળ હોય તો આ બજારની અવશ્ય મુલાકાત લેવી. આ શેરી તમને સૌથી સ્વાદિષ્ટ અને ગુજરાતી ભોજન પીરસે છે.
સાબરમતી આશ્રમ અમદાવાદનું સૌથી પ્રખ્યાત સ્થળ છે. સાબરમતી નદીના કિનારે, આ સ્થાન હજુ પણ એક સ્મારક છે, જ્યાં તમે મહાત્મા ગાંધી અને સ્વતંત્રતા ચળવળ સાથે સંકળાયેલા ઘણા પ્રેરણાદાયી અને પ્રેરક અવશેષો જોઈ શકો છો. અહીં ‘બાપુ’ના જીવનના જીવન ચરિત્ર, પુસ્તકો અને અન્ય કલાકૃતિઓથી ભરપૂર પુસ્તકાલય પણ આવેલું છે.
સાબરમતી રિવરફ્રન્ટ એ સાબરમતી કિનારે વિકસાવવામાં આવેલો વોટર ફ્રન્ટ છે. તે પર્યાવરણની સુધારણા માટે બનાવવામાં આવ્યું છે, જે તેના મનોહર સુખદાયક વાતાવરણ માટે જાણીતું છે. અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લેવા આવે છે. જો તમે પણ શાંતિપૂર્ણ જગ્યાએ બેસીને થોડો સમય વિતાવવાનું પસંદ કરો છો, તો આ જગ્યા તમારા માટે ખૂબ જ સારી છે. જો તમે અમદાવાદની મુલાકાત લેવાનું વિચારી રહ્યા હોવ તો અહીં અવશ્ય મુલાકાત લો.
5 સ્ટાર્સ રિસોર્ટને પણ ટક્કર આપે તેવું પરિમલ ગાર્ડન અમદાવાદના સૌથી સુંદર બગીચાઓમાંનું એક છે. જો તમને પ્રકૃતિની નજીક રહેવું ગમે છે, તો અહીં તમે શહેરના ટ્રાફિક અને પ્રદૂષણથી દૂર રહી શકો છો. અહીં ઘણી બધી હરિયાળી, વૃક્ષો, છોડ અને સુંદર ફૂલો છે જે તમને દૂરથી જ આકર્ષિત કરે છે. અહીં બગીચાની અંદર, બાળકો માટે ઝૂલા, સ્લાઇડ્સ, ફુવારાઓ અને સાંજના સમયે રંગબેરંગી લાઇટો છે જે બાળકો અને મોટી વયના લોકોના દિલને ઠંડક આપે છે.
ઓટો વર્લ્ડ વિન્ટેજ કાર મ્યુઝિયમ એ અમદાવાદમાં જોવાલાયક સ્થળો પૈકીનું એક છે. આ આઉટડોર મ્યુઝિયમમાં તમે Rolls-Royce, Mercedes, Cadillac, Packard, Lincoln, Maybach અને Lancia સહિત અનેક પ્રખ્યાત બ્રાન્ડના વાહનો જોઈ શકો છો. આમાંની વધારે પૈડાવાળી કલાકૃતિઓ ઐતિહાસિક વ્યક્તિઓ અને ભૂતપૂર્વ ભારતીય શાહી પરિવારોની હતી.
અમદાવાદના કાંકરિયા તળાવની લહેરો અત્યંત મનોહર વાતાવરણ બનાવે છે. કાંકરિયા પ્રાણી સંગ્રહાલય કે જે દુર્લભ પ્રાણીઓ માટેનું અભયારણ્ય છે તે અહીંનું મુખ્ય આકર્ષણ છે. આ સુંદર તળાવ બાળકો માટે એક આદર્શ સ્થળ છે.