હવામાન વિભાગે આગામી પાંચ દિવસને લઈને ગુજરાત રાજ્યના વાતાવરણ પર આગાહી કરી છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે, પરંતુ વાતાવરણના ઉપરી સ્તરમાં વાદળ હોવાથી એ વરસાદી વાદળ નહીં હોય. અમદાવાદમાં વહેલી સવારથી જ ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે તેમજ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વરસાદની કોઈ સંભાવના નથી. ઉત્તર ગુજરાતમાં આગામી 24 કલાક દરમિયાન પવનની ઝડપ 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે જેની અસરને કારણે અમદાવાદમાં પણ આવતીકાલ સુધી ઠંડો પવન ફૂંકાઈ શકે છે.
ત્રણ દિવસ બાદ ઠંડી ઘટશે
આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યભરના લઘુતમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગ અનુસાર, અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ હોવાથી લઘુતમ તાપમાનમાં ઘટાડો થયો હોય એવો અનુભવ થાય છે, પરંતુ આગામી ત્રણ દિવસમાં લઘુતમ તાપમાનમાં બે ડિગ્રી જેટલો વધારો થતાં ઠંડીની અસર ઓછી થશે.
અમદાવાદના લઘુતમ તાપમાનમાં 5 ડિગ્રીનો વધારો
તાજેતરમાં જ અમદાવાદનું લઘુતમ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું હતું, પરંતુ છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા તાપમાન મુજબ અમદાવાદમાં લઘુતમ તાપમાનમાં પાંચ ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. ફક્ત અમદાવાદમાં જ નહીં, પરંતુ ગુજરાતના મોટા ભાગનાં શહેરોમાં લઘુતમ તાપમાનમાં એકાએક વધારો નોંધાયો છે. આગામી 24 કલાક દરમિયાન તાપમાન યથાવત્ રહેવાની શક્યતા છે. ત્યાર બાદ એકથી બે ડિગ્રી જેટલા તાપમાનમાં વધારો થઈ શકે છે.
અમદાવાદમાં 20ની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગામી 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના ભાગોમાં પવનની દિશા ઉત્તર અને ઉત્તર પૂર્વીય રહેશે. પવનની ઝડપ પણ સામાન્ય કરતાં વધુ રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પવનની દિશા ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર દિશા તરફથી રહેશે, જેની ઝડપ 25થી 35 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. આ ઉપરાંત અમદાવાદ સહિતના આસપાસના વિસ્તારોમાં પવનની દિશા ઉત્તર-પૂર્વીય છે તથા એની ઝડપ આગામી 24 કલાક દરમિયાન 10-20 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.
પ્રેશર રેડિયન્ટથી પવનની ઝડપ વધી
સમગ્ર રાજ્યમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ અંગે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે વાતાવરણના ઉપરી સ્તરમાં વાદળો બંધાયાં છે, પરંતુ એને કારણે વરસાદની કોઈ શક્યતા નથી. પ્રેશર રેડિયન્ટ સર્જાયું હોવાને કારણે પવનની ગતિ ઝડપી બની છે.
સૌથી ઓછું તાપમાન દીવમાં નોંધાયું
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા લઘુતમ તાપમાન અંગે હવામાન વિભાગે જણાવ્યું હતું કે અમદાવાદ જિલ્લામાં લઘુતમ તાપમાન 18.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે ગાંધીનગરમાં લઘુતમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે રાજ્યભરમાં લઘુતમ તાપમાન નલિયા, ડીસા, ગાંધીનગર નહીં, પરંતુ છેલ્લા 24 કલાક દરમિયાન કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં રાજ્યનું સૌથી લઘુતમ તાપમાન નોંધાયું હતું. છેલ્લા 24 કલાક દરમિયાન દીવમાં લઘુતમ તાપમાન 13.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે ગુજરાતનાં મુખ્ય શહેરોમાં સુરતમાં લઘુતમ તાપમાન 17.4 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં લઘુતમ તાપમાન 18.2 ડિગ્રી સેલ્સિયસ અને રાજકોટમાં લઘુતમ તાપમાન 17.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.