News Updates
AHMEDABAD

તાઉતે બાદ ગુજરાત પર વાવાઝોડાની ‘આફત’!:અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ કાલ સુધીમાં વાવાઝોડામાં ફેરવાશે, 170 કિમીની ઝડપે પવન ફૂંકાશે, સુરતના 42 ગામો એલર્ટ, કંટ્રોલરૂમ શરૂ

Spread the love

તાઉતે વાવાઝોડાનાં બે વર્ષ બાદ ગુજરાત પર ફરી વાવાઝોડાની ‘આફત’ આવે તેવી શક્યતા સેવાઇ રહી છે. ગુજરાતના દરિયાકાંઠે વધુ એક વાવાઝોડાનો ખતરો ઊભો થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતથી 1120 કિમી દૂર અરબી સમુદ્રમાં લો-પ્રેશર સિસ્ટમ સર્જાઇ છે. આ સિસ્ટમ 7-8 જૂન સુધીમાં વાવાઝોડામાં ફેરવાય એવી શક્યતા છે. આ વાવાઝોડામાં 170 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. જેને લઈને ગુજરાતનું નેવી અને વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. રાજ્યનાં તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. બીજી તરફ સુરતના 42 ગામોને એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે. તેમજ ડિઝાસ્ટર વિભાગ દ્વારા કંટ્રોલરૂમ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે.

હાલ પોરબંદરથી આ સિસ્ટમ 1110 કિમી દૂર
બાંગ્લાદેશે આ વાવાઝોડાને ‘બિપોરજોય’ નામ આપ્યું છે, જેનો અર્થ જ ‘આફત’ થાય છે. હાલ આ સિસ્ટમ પોરબંદરથી 1110 કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ, ગોવાથી 900 કિમી પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ, મુંબઈથી 1030 કિમી દક્ષિણ-પશ્ચિમ અને કરાચીથી 1410 કિમી દક્ષિણ કેન્દ્રિત છે. આજે બપોર બાદ આ સિસ્ટમ ઉત્તર તરફ આગળ વધીને તીવ્ર વાવાઝોડામાં પરિણમે તેવી પૂરી શક્યતા છે.

કંડલા, મુન્દ્રા સહિતનાં બંદરો પર બે નંબરનું સિગ્નલ
સંભવિત વાવાઝોડાની સ્થિતિના પગલે તકેદારીના ભાગરૂપે કચ્છના કંડલા, મુન્દ્રા સહિતનાં બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવાયું છે. હજુ વાવાઝોડું ગુજરાતના કાંઠે આવશે કે પછી ફંટાઈ જશે તે સ્પષ્ટ નથી. હવામાન વિભાગ આ સિસ્ટમની હિલચાલ પર સતત નજર રાખી રહ્યું છે. ડીપ ડિપ્રેશનમાં ફેરવાયેલી આ સિસ્ટમ વધુ મજબૂત બનીને સિવિયર સાઇક્લોનિક સ્ટોર્મમાં ફેરવાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

વાવાઝોડાને લઈ સુરતનું ડિઝાસ્ટર તંત્ર એલર્ટ
વાવાઝોડું દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. વાવાઝોડાને લઈ સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતનું તંત્ર એલર્ટ મોડ પર જોવા મળ્યું છે. સુરત ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર આગમચેતી લઈ તૈયારીઓમાં લાગી ચૂક્યું છે. આવનાર 9 અને 10 તારીખે દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની અસર વર્તાશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. જેને લઈ દરિયાઈ વિસ્તારના ગામોને એલર્ટ કરી દેવાયા છે.

24 કલાક કાર્યરત અલાયદો કંટ્રોલરૂમ તૈયાર કરાયો
વાવાઝોડાની શક્યતાને લઈ ઇન્ચાર્જ કલેક્ટર બી.કે. વસાવાએ જણાવ્યું હતું કે, વાવાઝોડાની શક્યતાને લઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા સંપૂર્ણ તૈયારી કરી દેવાઇ છે. તંત્ર દ્વારા વિશેષ 24 કલાક કાર્યરત અલાયદો કંટ્રોલરૂમ તૈયાર કરાયો છે. તેના માધ્યમથી વાવાઝોડાની તમામ અપડેટ માહિતી મેળવવામાં આવી રહી છે. આ ઉપરાંત સુરત જિલ્લાના ત્રણ તાલુકાના વાવાઝોડાની અસર વર્તાવાની શક્યતા છે. દરિયાઈકાંઠા વિસ્તારમાં આવેલા ચોર્યાસી, મજુરા અને ઓલપાડ તાલુકાના 42 ગામોને અસર થવાની શક્યતા છે. જેને લઈ આ તમામ ગામોને એલર્ટ કરી દેવાયા છે અને જરૂરી સૂચનો અને માહિતી આપવામાં આવી છે

સ્થળાંતરની વ્યવસ્થા કરાઈ છે
દરિયાઈ વિસ્તારની નજીક આવેલા અસરગ્રસ્ત થઈ શકે તેવા 42 ગામો પર તંત્રની ખાસ નજર રાખવામાં આવી છે. અલાયદી વ્યવસ્થાના ભાગરૂપે તંત્ર દ્વારા જો આ ગામોમાં લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડે તો તે માટે પણ જુદા જુદા સેન્ટર હોમ નિર્માણ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. ઉપરાંત કામરેજ ખાતે એક SDRFની ટીમ સ્ટેન્ડ બાય છે. તેમ છતાં વધુ તેમની જરૂર પડશે તો NDRFની ટીમની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
બી.કે. વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, વાવાઝોડાની શક્યતાને લઈ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત જે માછીમારો દરિયો ખેડવા ગયા છે તેમને ઝડપથી પરત બોલાવી લેવામાં આવે તે પ્રકારની સૂચના આપી દેવામાં આવી છે. 9 અને 10 તારીખે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હાલ જોવા મળી રહી છે.

કોઈએ અફવાઓમાં આવવુ નહીં
તેઓએ અંતમાં જણાવ્યું હતું કે, વાવાઝોડાને લઈ તંત્ર તમામ રીતે એલર્ટ પર છે. ત્યારે લોકોએ કોઈ પણ પ્રકારની અફવાઓમાં ગેરમાર્ગે દોરવાની જરૂર નથી. સમયાંતરે સમાચાર માધ્યમો અને સરકારની સૂચનાઓ પર ધ્યાન આપવામા આવે અને સોશિયલ મીડિયામાં ખોટી માહિતી અને અફવાઓથી સચેત રહેવા લોકોને અપીલ કરી છે.

જાફરાબાદ બંદર પર 2 નંબરનું સિગ્નલ
આ સિવાય જાફરાબાદ બંદર પર પણ બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. જાફરાબાદના દરિયામાં હાલ કરંટ જોવા મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાની વાત કરીએ તો હાલ આ સિસ્ટમની કોઈ અસર જોવા મળી રહી નથી.

એક સપ્તાહ સુધી કચ્છવાસીઓને બફારામાંથી મુક્તિ નહીં મળે
આગામી એકાદ સપ્તાહ સુધી કચ્છવાસીઓને બફારા-ઉકળાટમાંથી મુક્તિ મળશે નહીં તેવું હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે. પવનની ઝડપ વધવા સાથે ગઈકાલે મહત્તમ પારો 40 ડિગ્રીથી નીચે નોંધાયો હોવા છતાં બપોરના સમયે તો જિલ્લામાં તાપની અનુભૂતિએ લોકોને અકળાવ્યા હતા. દિવસે તો ઠીક રાત્રે પણ પરસેવે રેબઝેબ કરી મૂકે તેવા બફારાએ જનજીવનને ત્રાહિમામ્ પોકારવા માટે મજબૂર કરી દીધું છે.

9-10 જૂને ભારે વરસાદ પડવાની આગાહી
હવામાન વિભાગે માછીમારોને સમુદ્ર ન ખેડવા સલાહ આપી છે, કેમ કે, દરિયામાં મોજાં ઊછળી રહ્યાં છે. 9મી અને 10મી જૂને ભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો આ વાવાઝોડું કાંઠે અથડાશે તો ભારે વરસાદ પડશે. વાવાઝોડાનો માર્ગ જોતા એ કદાચ 12-13 જૂન સુધીમાં ઓમાન તરફ ફંટાય એવી પણ શક્યતા છે.

વાવાઝોડાની અસર સમગ્ર પશ્ચિમ ભારતના કાંઠે થશે
આ વાવાઝોડાની અસર સમગ્ર પશ્ચિમ ભારતના કાંઠે થશે. મુંબઈથી લો-પ્રેશર સિસ્ટમ 1160 કિલોમીટર, જ્યારે ગોવાથી 920 કિલોમીટર દૂર છે. આ વાવાઝોડાને કારણે જ કેરળના કાંઠે ચોમાસાને વિપરીત અસર થઈ છે. હવામાન વિભાગે કેરળના કાંઠે ચોમાસું ક્યારે આવશે એ પણ સ્પષ્ટ નથી કર્યું.

ગ્લોબલ વોર્મિંગને કારણે અરબી સમુદ્રના વાવાઝોડામાં 52%નો વધારો
સમુદ્ર કાંઠે વાવાઝોડા આવે તેની બહુ નવાઈ નથી હોતી. પરંતુ અરબી સમુદ્રમાં વારંવાર વાવાઝોડા આવે તો અચૂક નવાઈ લાગે. કેમ કે અરબી સમુદ્ર વાવાઝોડા માટે જાણીતો નથી. ગ્લોબલ વોર્મિંગ વાવાઝોડાને આક્રમક બનાવે છે. સાયન્સ જર્નલ ‘ક્લાઈમેટ ડાયનેમિક્સ’માં પ્રગટ અભ્યાસ મુજબ છેલ્લાં 20 વર્ષમાં અરબી સમુદ્રમાં વાવાઝોડાનું પ્રમાણ 52 ટકા વધુ નોંધાયું છે. આ તો થઈ સામાન્ય વાવાઝોડાની વાત, પણ જેની ઝડપ કલાકના 118થી 165 કિલોમીટર વચ્ચે હોય એવા સિવિયર સાઈકલોનિક સ્ટોર્મની સંખ્યા 150 ટકા વધી છે.

15 જૂન સુધી અસર રહેશે, ચોમાસું મોડું પડશે
આ વાવાઝોડું ભયાનક રૂપ ધારણ કરી શકે છે. 7થી 9 જૂન સુધી દરિયો તોફાની બને અને દરિયામાં 60થી લઈને 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. કાંઠા વિસ્તારમાં પણ 70 કિ.મી. સુધીની ઝડપનો પવન ફૂંકાઈ શકે છે. આ વાવાઝોડાને કારણે જ ચોમાસું 15મી જૂન સુધી મોડું પડી શકે છે- અંબાલાલ પટેલ (હવામાન નિષ્ણાત)

ચોમાસું 5 દિવસથી કેરળની પાસે અટકેલું છે
આ વખતે ચોમાસું મોડું છે. 5 દિવસથી કેરળની પાસે અટકેલું છે. જો કે, ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે, ચોમાસું મોડું આવવાનો અર્થ એવો થતો નથી કે વરસાદ પણ ઓછો પડશે. આઝાદ ભારતના ઈતિહાસમાં અત્યાર સુધી માત્ર 6 વખત એવું બન્યું છે, જ્યારે ચોમાસું પોતાની સામાન્ય નક્કી તારીખ 1 જૂને કેરળમાં પહોંચ્યું હોય. 11 વખત એવું થયું છે, જ્યારે ચોમાસું 25 મેથી પહેલાં પહોંચી ગયું હતું. 11વાર ચોમાસું 7 જૂન પછી આવ્યું છે.

8 વર્ષમાં સામાન્ય કરતાં 10% વધુ વરસાદ પડ્યો
અહીં ધ્યાન આપવાની વાત એ છે કે, જે 8 વર્ષમાં સામાન્ય કરતાં 10% વધુ વરસાદ પડ્યો છે, તેમાં 1983 પણ સામેલ છે, જ્યારે ચોમાસું 13 જૂને આવ્યું હતું. આ જ રીતે જે 14 વર્ષમાં દુષ્કાળ પડ્યો હતો, તેમાંથી 9 વખત ચોમાસું 1 જૂનથી પહેલાં જ આવી ગયું હતું. એટલે, આપણે એમ કહી શકીએ કે, ચોમાસું મોડું આવવું કોઈ ખાસ સમસ્યા નથી. અમારું અનુમાન છે કે, આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે.

તોફાનની ચોમાસા પરની અસર હવે ખબર પડશે
અરબી સમુદ્રમાં પેદા થયેલું ચક્રવાત 24 કલાકમાં જ વાવાઝોડામાં પરિવર્તિત થઈ ગયું હતું. આ વાવાઝોડું 4-5 દિવસમાં પશ્ચિમ કિનારાના સમાનાંતર ઉત્તર દિશા તરફ સમુદ્રમાં જ આગળ વધશે. તોફાનની ગતિ અને દિશાના આધારે બુધવાર સાંજ સુધી સ્પષ્ટ થઈ જશે કે તેની ચોમાસા પર કેટલી અસર થશે. તોફાન અત્યારે ગોવાના કિનારાથી પશ્ચિમમાં 900 કિમી દૂર છે. બીજી તરફ ચોમાસું ઉત્તર રેખાના 5 દિવસથી એક જ સ્થળે સ્થિર છે.

10 વર્ષમાં 3 વાર ચોમાસું વહેલું આવ્યું

વર્ષતારીખ
202229 મે
20213 જૂન
20201 જૂન
20198 જૂન
201829 મે
201730 મે
20168 જૂન
20155 જૂન
20146 જૂન
20131 જૂન

​​​​​​


Spread the love

Related posts

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ:તથ્ય પટેલનો કેસ આગામી સપ્તાહે સેશન્સ કમિટ થશે, અરજી તૈયાર, બેથી ત્રણ મુદતમાં ચાર્જ ફ્રેમ પ્રક્રિયા હાથ ધરાશે

Team News Updates

શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસે સેવાનો મહાયજ્ઞઃ 58મા જન્મદિવસે દેશભરમાં 58થી વધુ જગ્યાએ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

Team News Updates

લાઉડ સ્પીકરનો જાહેરમાં ઉપયોગ પહેલા લાયસન્સ લેવું ફરજિયાત, પોલીસની લેવી પડશે પરવાનગી

Team News Updates