News Updates
AHMEDABAD

શિક્ષણ માટે 1650 કરોડની યોજના:નમો સરસ્વતી યોજનામાં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 25 હજારની સહાય, નમો લક્ષ્મી યોજનાથી ધો-9થી 12માં કન્યાઓનો પ્રવેશ વધશે

Spread the love

શિક્ષણ એ સફળતાની કુંજી છે ત્યારે આજના જમાનામાં દુનિયા સાથે હરિફાઇ કરવા માટે શિક્ષણની તાતી જરૂરિયાત છે. ત્યારે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આજે નાણાપ્રધાન કનુ દેસાઈએ રજૂ કર્યું હતું. જેમાં શિક્ષણનું મહત્વ સમજતા બે મહત્વની યોજનાની જાહેરાત કરવામાં આવી છે. નાણાપ્રધાન કનુ દેસાઈએ આ વખતે દીકરીઓના અભ્યાસ માટે ‘નમો લક્ષ્મી યોજના’ અને ‘નમો સરસ્વતી યોજના’ની જાહેરાત કરી છે. આ યોજના થકી ગરીબ, મધ્યમવર્ગ અને વિદ્યાર્થિનીઓને શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે.
નમો સરસ્વતી યોજનાની જાહેરાત
એકવીસમી સદી વિજ્ઞાન અને ટેક્નોલોજીની સદી છે. જેમાં જીવનના દરેક ક્ષેત્રમાં આઇ.ટી. અને સંલગ્ન તકનીકો મહત્વનો ભાગ ભજવવાની છે. વધુમાં ઉચ્ચ કક્ષાની નવી રોજગારીની તકો માટે વિજ્ઞાન પ્રવાહ (STEM)નું શિક્ષણ જરૂરી છે. વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નાણામંત્રી કનું દેસાઇએ બજેટમાં “નમો સરસ્વતી યોજના”ની જાહેરાત કરી છે.

આ યોજના માટે અંદાજે 400 કરોડનો ખર્ચ થશે
આ યોજના અંતર્ગત ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને, ધોરણ-11માં 10 હજાર અને ધોરણ-12માં 15 હજાર મળી કુલ 25 હજારની સહાય આપવામાં આવશે. આ યોજનાથી આગામી પાંચ વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક 2 લાખથી વધી 5 લાખ થવાની ધારણા છે. આ યોજના માટે આવતા વર્ષે અંદાજે 400 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

નમો લક્ષ્મી યોજનાની જાહેરાત
તો વિદ્યાર્થિનીઓના પોષણ અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. સરકારી, અનુદાનિત અને ખાનગી, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે 10 લાખ વિદ્યાર્થિનીઓને ધોરણ-9 અને 10 માટે વાર્ષિક 10 હજાર તેમજ ધોરણ-11 અને 12 માટે વાર્ષિક 15 હજારની સહાય આપવામાં આવશે. આમ આ યોજના હેઠળ ધોરણ-12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યેથી કુલ 50 હજારની સહાય મળવાપાત્ર થશે. હાલ તો નમો લક્ષ્મી યોજનામાં વાર્ષિક 6 લાખની આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે, પરંતુ વધારે વિગત તો નોટિફિકેશન આવ્યા બાદ જ જાણી શકાશે.

ધોરણ-12 સુધીમાં કુલ 50 હજારની સહાય મળવાપાત્ર
નમો લક્ષ્મી યોજનાથી ધોરણ-9થી 12માં કન્યાઓનો પ્રવેશ વધશે, તેઓ અભ્યાસ પૂરો કરશે અને તેથી મહિલા શિક્ષણ તેમજ પોષણને ઉત્તેજન મળશે. વધુમાં, આ યોજનાના અમલીકરણથી પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રની જેમ માધ્યમિક શિક્ષણમાં પણ સાર્વત્રિક નામાંકન હાંસલ કરી શકાશે. આ યોજના માટે 1250 કરોડની જોગવાઈ કરાઇ છે.


Spread the love

Related posts

ભાજપે નામની જીદ પડતી મૂકી!:અમદાવાદ શહેરનું નામ બદલીને જો કર્ણાવતી થાય તો વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજજો ગુમાવવો પડે : સાંસદ હસમુખ પટેલ

Team News Updates

ચંદ્રયાન-3માં ગુજરાતનો ‘સૂરજ તપે છે’:રોકેટનો મુખ્ય ભાગ જ જામનગરમાં બન્યો તો કેમેરા મૂળ કચ્છની કંપનીએ બનાવ્યા; અમદાવાદ ઇસરોએ સેટેલાઈટના સેન્સર, પેલોડ સહિતના 11 પાર્ટ બનાવ્યા

Team News Updates

અમદાવાદમાં PSI અને તેમના રાયટર 1000 ની લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયા

Team News Updates