બંગાળના સંદેશખાલીમાં મહિલાઓની જાતીય સતામણી અંગે ભાજપે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ગુરુવારે (22 ફેબ્રુઆરી) એક ડોક્યુમેન્ટરી રિલીઝ કરી છે. ભાજપે કેપ્શનમાં લખ્યું – સંદેશખાલીનું એક એવું સત્ય જે આપણા અંતરાત્માને હચમચાવી દેશે. મમતા બેનર્જી આ સત્યને છુપાવવાનો પ્રયાસ કરી રહી છે.
ભાજપની 20 મિનિટ 41 સેકન્ડની ડોક્યુમેન્ટ્રીમાં સંદેશખાલીની મહિલાઓ પોતાના અનુભવો વર્ણવી રહી છે. જેમાં એક મહિલાએ દાવો કર્યો હતો કે TMC નેતા શિબપ્રસાદ હઝરા એટલે કે શિબુ હઝરા તેને તેના ઘરેથી ઉઠાવડાવી લેતો હતો. TMCના લોકો છોકરીઓની સુંદરતા જોઈને તેને પોતાની સાથે લઈ જતા હતા. છોકરીઓ તેમના માટે એક મનોરંજનનું માધ્યમ હતી.
એક મહિલાએ જણાવ્યું કે શિબુ હઝરાના લોકો રાત્રે 2 વાગ્યે બોલાવવા આવતા હતા. કહેતા કે દાદા (શિબુ હઝરા) બોલાવે છે. તેમનો આદેશ એટલે ભગવાનનો હુકમ. હું રાત્રે 2 વાગ્યે જતી હતી અને સવારે 5 વાગ્યે પાછી આવતી. હું દુકાન ચલાવું છું. જો તેમના બોલાવવા પર હું ન જાઉ તો તેઓએ મારી દુકાન તોડી નાખી હોત.
ડોક્યુમેન્ટ્રીમાં એક વ્યક્તિએ જણાવ્યું કે TMCના લોકો મને ઉપાડી ગયા હતા. મારા બાળકને ફેંકી દીધો હતો. મારી પત્નીને માર માર્યો અને કહ્યું કે જઈને શાહજહાં શેખને મળો. મને કહ્યું હતું કે TMCનો ઝંડો પકડી રાખો નહીંતર મારી નાખવામાં આવશે.
DGPએ કહ્યું- દોષિતો સામે કડક કાર્યવાહી કરાશે
આ તરફ બંગાળના DGP રાજીવ કુમાર બુધવારે સંદેશખાલી ગયા હતા. તેમણે ત્યાં રાતભર રોકાઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. ગુરુવારે કોલકાતા પરત ફર્યા બાદ DGP રાજીવે કહ્યું કે પોલીસ સંદેશખાલીમાં દરેક વ્યક્તિની ફરિયાદો સાંભળશે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરશે. જો લોકોને ટોર્ચર કરવામાં કોઈ સંડોવાયેલ હશે તો અમે તેની સામે કડક કાર્યવાહી કરીશું.