નીલ વેગનરે ન્યુઝીલેન્ડ તરફથી રમાયેલી 64 ટેસ્ટમાં 27.57ની એવરેજથી 260 વિકેટ લીધી છે. તે ન્યુઝીલેન્ડ માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં 5માં નંબરે છે. તેણે વેલિંગ્ટન ટેસ્ટની શરૂઆત પહેલા જ નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. જોકે નિવૃતિના 48 કલાક બાદ આ ખેલાડી મેદાનમાં ફિલ્ડિંગ કરતો જોવા મળ્યો હતો.
ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર નીલ વેગનરે નિવૃત્તિ લઈ લીધી છે. તેણે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી શરૂ થવાના બે દિવસ પહેલા જ નિવૃત્તિની જાહેરાત કરી હતી. જે બાદ તે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચ નહીં રમે એ નક્કી થી ગયું હતું. પરંતુ નિવૃત્તિના 48 કલાક પછી જ્યારે વેલિંગ્ટન ટેસ્ટ શરૂ થઈ ત્યારે તે ન્યુઝીલેન્ડ ટીમ માટે ફિલ્ડિંગ કરતો જોવા મળ્યો હતો. ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂકેલા વેગનરની ફિલ્ડિંગ કરતી તસવીરો વાયરલ થઈ છે.
વેગનર વેલિંગ્ટન ટેસ્ટમાં મેદાનમાં ઉતર્યો
ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 29 ફેબ્રુઆરીથી વેલિંગ્ટન ટેસ્ટ શરૂ થઈ રહી છે. 2 ટેસ્ટ સિરીઝની આ પ્રથમ મેચ છે, જેમાં પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાએ 9 વિકેટે 279 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાની આ ઈનિંગ દરમિયાન નીલ વેગનર મેદાન પર ફિલ્ડિંગ કરતો જોવા મળ્યો હતો.
નિવૃત્તિ પછી પણ ફિલ્ડિંગ ચાલુ રાખી
વેલિંગ્ટન ટેસ્ટના પ્રથમ દિવસે નીલ વેગનર અવેજી ખેલાડી તરીકે મેદાનમાં ઉતર્યો હતો. તેણે બાઉન્ડ્રી લાઈન પર ફિલ્ડિંગ કર્યું, જ્યાં ત્યાં હાજર દર્શકોએ પણ તેને સ્પેશિયલ અહેસાસ કરાવ્યો, આ ક્ષણ તેના માટે ખાસ બની ગઈ હતી. નીલ વેગનરે માત્ર ફિલ્ડિંગ જ નથી કર્યું, આ પહેલા તેણે આખી ટીમ સાથે રાષ્ટ્રગીતમાં પણ ભાગ લીધો હતો.
નિવૃત્તિ પછી કેમ ફિલ્ડિંગ ચાલુ રાખી?
હવે પ્રશ્ન એ થાય છે કે નિવૃત્ત ખેલાડી મેદાનમાં કેવી રીતે મેદાનમાં આવ્યો? તો અમે તમને જણાવી દઈએ કે ભલે વેગનેરે તાત્કાલિક અસરથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. પરંતુ, ટીમ મેનેજમેન્ટે તેને વેલિંગ્ટન ટેસ્ટ માટે ટીમમાં જાળવી રાખવાનો નિર્ણય કર્યો હતો. આ ટેસ્ટ મેચ બાદ તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવશે. મતલબ કે તે પ્લેઈંગ ઈલેવનમાં નહોતો પરંતુ ટીમમાં હાજર છે. અને કદાચ આ જ કારણ હોઈ શકે છે કે તેણે નિવૃત્તિ લીધા પછી પણ ફિલ્ડિંગ ચાલુ રાખી.
ન્યુઝીલેન્ડનો પાંચમો સૌથી સફળ બોલર
37 વર્ષીય નીલ વેગનરે ન્યુઝીલેન્ડ તરફથી રમાયેલી 64 ટેસ્ટમાં 27.57ની એવરેજથી 260 વિકેટ લીધી છે. તે ન્યુઝીલેન્ડ માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં પાંચમાં નંબરે છે.