વડોદરા શહેરના સમા વિસ્તારમાં રહેતા પરિવારના કમ્પાઉન્ડમાં પડેલી 35 હજારની કિંમતની સાયકલની ચોરી થઇ હતી. સાઇકલ ચોરીને જતો સાયકલ ચોર CCTVમાં કેદ થઇ ગયો હતો. પરિવાર દ્વારા સાયકલ ચોરી અંગે સમા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ક્લાસ પાસેથી ચોરી
મળતી માહિતી અનુસાર શહેરના સમા રોડ ઉપર આવેલા 46, ચંદન પાર્ક સોસાયટીમાં અજીતસિંહ મોહનસિંહ પરમાર પરમાર પરિવાર સાથે રહે છે. 8મી માર્ચના રોજ તેમની દીકરીનો પુત્ર ધ્યાનવિર સાઇકલ લઇને ટ્યૂશનમાં ગયો હતો. સાયકલ પાર્ક કરીને ટ્યૂશનમાં ગયેલા ધ્યાનવિર ક્લાસમાંથી પરત ફરતા સાયકલ જોવા મળી ન હતી.
ચોર CCTVમાં કેદ થયો
ગુમ થયેલી સાઇકલ અંગે આસપાસમાં તપાસ કરવામાં આવી હતી. પરંતુ, સાયકલ મળી આવી ન હતી. આથી અજીતસિંહ પરમારે આસપાસના CCTV તપાસ કરતા એક વ્યક્તિ સાઇકલ ચોરીને લઇ જતો જોવા મળ્યો હતો. આ દરમિયાન અજીતસિંહ પરમારે રૂપિયા 35 હજારની કિંમતની સાયકલ ચોરી જનાર અજાણ્યા વ્યક્તિ સામે સમા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. સમા પોલીસે સાયકલ ચોરી અંગેની અરજી લઇ તપાસ શરૂ કરી છે.
પોલીસ ચોરને પકડે તેવી લાગણી
અજીતભાઇની સાયકલ 35 હજારની કિંમતની છે. આ સાઇકલ તારીખ 13મી સપ્ટેમ્બર 22ના રોજ ખરીદી હતી. પોલીસ મથકમાં સાયકલ ચોરીના બનાવના CCTV પણ પોલીસને આપવામાં આવ્યા છે. પોલીસ સાયકલ ચોરને પકડે તેવી અરજદારની લાગણી છે.