ગોધરા-વડોદરા હાઇવે ઉપર MP રાજસ્થાનથી આવતી ખાનગી બસોના ચાલકો મજૂરી અર્થે જતા લોકોને પોતાનો જીવ જોખમમાં મૂકાવી જાણે મોતની મુસાફરી કરાવી રહ્યા છે. ગોધરા શહેર અને બાયપાસ રોડ પર આવા દૃશ્યો જાણે હવે સામાન્ય થઈ રહ્યા છે. આવી જોખમી મુસાફરી થતી હોવા છતાં પોલીસ તંત્રને આ કેમ નજરે આવતુ નથી. બીજુ કે હાલમાં લોકસભાની ચૂંટણીને લઈ વિવિધ જગ્યાઓ પર ચેકપોસ્ટ પણ ઉભા કરવામા આવ્યા છે. ત્યારે પોલીસને આ આંખે આવતું નહીં હોય તે પણ એક સવાલ છે. જો આ રીતની જોખમી મુસાફરીથી કોઈ અઘટીત ઘટના બને તો જવાબદાર કોણ તેવા સવાલો પણ થઈ રહ્યા છે.
પંચમહાલ જિલ્લાને અડીને દાહોદ જિલ્લો આવેલો છે અને ત્યાંથી મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં જઈ શકાય છે. આ રાજ્યોમાંથી ગુજરાતમાં આવેલા મોટા શહેરોમાંથી ખાનગી બસોની અવરજવર રહેતી હોય છે. ખાસ કરીને જે ગુજરાતમાં મજુરી કામ કરતા હોય તે લોકો અવરજવર આ ખાનગી બસોમાં કરતા હોય છે. તહેવારોનો સમય હોય ત્યારે આ બસોમાં ચિક્કાર ભીડ જોવા મળે છે.
હાલમાં લગ્નસરાની મોસમ ચાલી રહી છે ત્યારે ગોધરા શહેર અને બાયપાસ રોડ પરથી ખાનગી બસચાલકો બસની ઉપર મુસાફરો બેસાડીને ખુલ્લેઆમ આરટીઓના નિયમોની ઐસીતૈસી કરી રહ્યા છે અને મોતની મુસાફરી કરાવી રહ્યા છે. ત્યારે આ રીતેની મુસાફરી થતી વખતે કોઈ ઘટના બને તો તેના જવાબદાર કોણ તે પણ એક સવાલ છે. તો સાથે સાથે પોલીસ અને આરટીઓ વિભાગ પણ આ રીતેની થતી મુસાફરી બાબતે ધ્યાન આપીને કાર્યવાહી કરે તે જરુરી છે.