હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ત્રણ દિવસ યલો એલર્ટની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરી છે. જ્યારે અમદાવાદમાં આજે સવારથી જ તાપમાનનો પારો ટોચ પર છે. સવારે 9 વાગ્યે 29 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જે 11 વાગ્યે વધીને 34 ડિગ્રી તાપમાન નોંધાયું છે. એટલે કે, બે કલાકમાં જ 5 ડિગ્રી તાપમાન વધ્યું છે.
અમદાવાદ અને આસપાસના જિલ્લાઓમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી હતી, જેને લઈને ગઈકાલે અમદાવાદનું મહત્તમ તાપમાન 41.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત રાજ્યના અન્ય સાત શહેરનું મહત્તમ તાપમાન પણ 40 ડિગ્રીને પાર પહોચ્યું હતું. જેમાં ગત રોજ સૌથી વધુ સુરેન્દ્રનગર શહેરમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
અમદાવાદ શહેરમાં આજે પણ હવામાન વિભાગની આગાહી અનુસાર મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ પહોંચે તેવી શક્યતાઓ છે. સવારના 8 વાગ્યાથી જ ધીમે ધીમે તાપમાનમાં વધારો થઈને સવારના 9 વાગ્યા સુધીમાં શહેરનું તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ રહ્યા બાદ ફક્ત બે જ કલાકમાં એટલે કે સવારે 11 વાગ્યે પાંચ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધીને મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું હતું.
ત્યારબાદ બપોરના 1 વાગ્યા સુધીમાં તાપમાનમાં વધુ ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈને મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતા છે. બપોરના 3 વાગ્યાથી 5 વાગ્યા દરમિયાન શહેરનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યા બાદ સાંજના 5 વાગ્યાથી 6 વાગ્યા સુધીના સમયગાળામાં શહેરનું તાપમાન તેની ટોચ ઉપર જશે.
સામાન્ય રીતે શહેરીજનો એવું માનતા હોય છે કે, બપોરના 12 વાગ્યાથી 4 વાગ્યા દરમિયાન તાપમાન સૌથી વધુ હોય છે. આથી સાંજના 4 વાગ્યા બાદ બહાર નીકળવું યોગ્ય છે. પરંતુ ખરેખર તો સાંજના 4:00 વાગ્યા બાદ જ સૌથી વધુ તાપમાન પહોંચતું હોય છે. કારણ કે, બપોર દરમિયાન શહેરના રોડ રસ્તા ગરમીને કારણે ગરમ થઈ ગયા હોવાથી અંગ દઝાડતી ગરમી સૌથી વધુ બપોર પછી 4 વાગ્યાથી 6 વાગ્યા દરમિયાનના ગાળામાં નોંધાઈ છે.
સાંજના 5 વાગ્યાથી 6 વાગ્યા દરમિયાન સૌથી મહત્તમ તાપમાન રહ્યા બાદ સાંજના 7 વાગ્યાથી તાપમાનમાં ધીમે ધીમે ઘટાડાની શરૂઆત થશે. ત્યારબાદ સૂર્યાસ્ત પછી સાંજના 8 વાગ્યે શહેરનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. જેમાં ઘટાડો થઈને રાતના 11 વાગ્યા સુધીમાં શહેરનું મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ થતા રાત્રિ દરમિયાન ઠંડકનો અનુભવ થવાની શક્યતા છે.