મતદાન વધારવા માટે હવે અમૂલ દ્વારા પણ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. દૂધ ઉત્પાદકો વધુ મતદાન કરે એ માટે ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા વધુ મતદાન થાય એ માટે જાગૃતિ ફેલાવવા માટે આગવી પહેલ કરી છે.
આગામી 7 મે એટલે મંગળવારે ગુજરાતમાં લોકસભાની બેઠકો માટે મતદાન થશે. રાજ્યમાં એક બેઠક પહેલાથી જ બીનહરીફ થઈ ચૂકી છે. જ્યારે અન્ય પચીસ બેઠકો માટે મતદાન હાથ ધરવામાં આવનાર છે. આ માટે રાજ્યમાં વધુ મતદાન થાય એ માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. તંત્ર દ્વારા પણ વધારે મતદાન માટે પ્રયાસ કરતા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
આ દરમિયાન ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા મતદાન જાગૃતિ માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. દૂધ ઉત્પાદકોને પ્રતિ લિટર દીઠ એક રુપિયો વધારે આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે સાબરડેરી, દૂધ સાગર ડેરી અને સુમૂલ ડેરી સહિતે આ અંગેની જાહેરાત કરી છે.
રાજ્યના દૂધ ઉત્પાદકો મતદાન માટે ઉત્સાહ સાથે મતદાન મથકે પહોંચે એ માટે થઈને દૂધ ઉત્પાદક સંઘો દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન શામળભાઈ પટેલે મોડાસામાં સહકાર સંમેલન વખતે જાહેરાત કરી હતી. તેઓએ કહ્યું હતુ કે, લોકશાહી પર્વ દેશમાં મનાવાઈ રહ્યું છે. જેમાં સૌ મતદારો સહભાગી થઈને પર્વની ઉજવણી કરે એ જરુરી છે. આ માટે મતદારો ઉત્સાહભેર મતદાન કરે એ માટે અપીલ કરવામાં આવી છે. વધુ મતદાન નોંધાય એ માટે દૂધ ઉત્પાદકોને પ્રતિ લિટર દૂધ પર એક રુપિયો વધુ ચૂકવાશે.
પરંતુ દૂધ ઉત્પાદકે પોતાની આંગળી પર મતદાન કર્યાના ટપકાંનું નિશાન બતાવવું પડશે. આમ જે લોકો મતદાન કરીને દૂધ ભરવા માટે મંડળીમાં આવશે તેમને એક રુપિયો વધારે પ્રતિ લિટર મળશે.
આ માટે સાબરડેરી ઉપરાંત મહેસાણા અને બાદમાં સુમુલ ડેરી દ્વારા પણ જાગૃતિ પ્રેરતા આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. મહેસાણાની દૂધ સાગર ડેરી સાથે પાંચ લાખ જેટલા દૂધ ઉત્પાદકો જોડાયેલા છે. 1503 દૂધ મંડળીમાં દૂધ ભરવા આવનાર પશુ પાલકોને આ લાભ મળશે.
આવી જ રીતે સાબરડેરી અને ફેડરેશનના ચેરમેન શામળ પટેલે મોડાસામાં સપ્તાહની શરુઆતે આ અંગેની જાહેરાત કરી હતી. આમ સાબરડેરી દ્વારા પણ એક રુપિયો વધારે દૂધ ઉત્પાદકોને મતદાન કર્યાનું નિશાન દર્શાવ્યા બાદ ચૂકવવામાં આવશે.
આવી જ રીતે સુમુલ ડેરી દ્વારા પણ અઢીલાખ પશુપાલકોને મતદાન જાગૃતિ માટે ઉત્સાહ દર્શાવવા માટે આવો જ નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યાં અઢી લાખ દૂધ ઉત્પાદકો 22 લાખ લીટર દૂધ દરરોજ ડેરીમાં એકત્રિત કરે છે. આમ આંગળી પર કાળા ટપકાંનું નિશાન દર્શાવીને એક રુપિયો વધુ પશુપાલકો મેળવી શકશે. આમ થવાથી મતદાન વધારે થઈ શકશે એવી આશા છે.