કોલકાતામાં બાંગ્લાદેશનાં સાંસદ અનવારુલ અઝીમ અનારની હત્યાને લઇને રોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે. સાંસદની હત્યામાં તેમના બાળપણના મિત્રનું ષડયંત્રથી લઈને પાંચ કરોડની સોપારી અને હનીટ્રેપ સુધીનો એંગલ સામે આવ્યો છે. હવે બાંગ્લાદેશ પોલીસે એક મહિલાને કસ્ટડીમાં લીધી છે. બની શકે છે આ મહિલા દ્વારા જ સાંસદને હનીટ્રેપ કરવામાં આવ્યા હોય.
આ મહિલાનું નામ શિલાંતી રહેમાન છે, જે બાંગ્લાદેશની નાગરિક છે. બાંગ્લાદેશ પોલીસના સૂત્રો પ્રમાણે, શિલાંતી આ હત્યાકાંડના માસ્ટરમાઇન્ડ અકતારૂઝમાં શાહીનની પ્રેમિકા છે. જે સમયે સાંસદ અનવારૂલની હત્યા કરવામાં આવી હતી. તે સમયે તે કોલકાતામાં જ હતી અને 15 મેના રોજ આ હત્યાકાંડના મુખ્ય હત્યારા અમાનુલ્લાહ અમાન સાથે ઢાંકા પાછી ફરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે અકતારૂઝમાંએ સાંસદને બાંગ્લાદેશથી કોલકાતા બોલાવવા માટે શિલાંતિનો હનીટ્રેપ તરીકે ઉપયોગ કર્યો હતો. આ મામલે બાંગ્લાદેશમાં ધરપકડ કરાયેલાં આરોપીઓના નિવેદનના આધારે શિલાંતીને ડિટેન કરવામાં આવી છે.
પશ્ચિમ બંગાળ CIDએ બાંગ્લાદેશી સાંસદના હત્યાકેસમાં પ્રથમ ધરપકડ કરી છે. CID સૂત્રોનું કહેવું છે કે પશ્ચિમ બંગાળ CID દ્વારા જેહાદ હવાલદાર નામની વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. જેહાદ એક પ્રોફેશનલ કસાઈ છે. આ કામને અંજામ આપવા માટે તેને હત્યાના માસ્ટર માઈન્ડ અક્તરુઝમાને મુંબઈથી ખાસ બોલાવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર બે મહિના પહેલાં જ આ કામ માટે જેહાદને રાખવામાં આવ્યો હતો અને તેને મુંબઈથી કોલકાતા બોલાવવામાં આવ્યો હતો. જેહાદને 5 કરોડ રૂપિયાની સોપારીનો હિસ્સો પણ આપવામાં આવ્યો હતો. તે કોલકાતા એરપોર્ટ પાસેની એક હોટલમાં રોકાયો હતો.પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે સાંસદ અનવારુલના નજીકના મિત્રએ આ હત્યા માટે 5 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. સાંસદનો આ મિત્ર અમેરિકન નાગરિક છે.
તપાસ પ્રમાણે, શાહીને કારોબારી વિખવાદના કારણે સાંસદ અનવારુલની હત્યાની યોજના બનાવી હતી. શાહીન ઝોનઈદહનો રહેવાસી છે. તેમની પાસે અમેરિકાની પણ નાગરિકતા છે. તેમનો ભાઈ ઝોનઈદહના કોટચાંદપુર મ્યુનિસિપાલિટીનો મેયર છે. નોંધનીય છે કે અનવારુલ ઝોનઈદહથી જ સાંસદ હતા.
શાહીન 30 એપ્રિલના રોજ અમાન અને તેની એક મહિલા મિત્ર સિલિસ્ટા રહેમાન સાથે કોલકાતા ગયા હતા. તેમણે કોલકાતાના સાંજિબા ગાર્ડનમાં એક ડુપ્લેક્સ ભાડે લીધો હતો. શાહીનના બે સહયોગી સિયામ અને જિહાદ પહેલાંથી જ કોલકાતામાં હતા. તેમણે સાથે મળીને હત્યાનું ષડ્યંત્ર રચ્યું. શાહીન 10 મેના રોજ બાંગ્લાદેશ પાછો ફર્યો. તેણે હત્યાની સંપૂર્ણ જવાબદારી અમાનને સોંપી દીધી. યોજના પ્રમાણે, અમાને બાંગ્લાદેશથી બે અન્ય હિટમેનને કોલકાતા બોલાવ્યા. ફૈઝલ શાજી અને મુસ્તાફિઝ 11 મેના રોજ કોલકાતા ગયા અને આ ષડ્યંત્રમાં સામેલ થઈ ગયા.
ઈન્ટેલિજન્સ અધિકારીઓના જણાવ્યા અનુસાર અમન પાસેથી મળેલી માહિતી મુજબ શાહીનને પહેલાંથી જ ખબર હતી કે સાંસદ 12 મેના રોજ કોલકાતા જશે. તેણે અમનને હત્યાની તમામ તૈયારીઓ કરવા કહ્યું. તેણે હત્યા માટે કેટલાંક ધારદાર હથિયારો પણ ખરીદ્યાં હતાં. સાંસદ અનવરુલ 12 મેના રોજ દર્શન બોર્ડર દ્વારા કોલકાતા ગયા હતા. તે પ્રથમ દિવસે તેના મિત્ર ગોપાલના ઘરે રોકાયા હતા. આ દરમિયાન હત્યારાએ તેને 13 મેના રોજ તેના ફ્લેટમાં બોલાવ્યા હતા.
13 મેના રોજ અનવરુલ સંજીબા ગાર્ડનમાં અમનના એપાર્ટમેન્ટમાં ગયા હતા. આ દરમિયાન અમને તેમના સાગરિતો ફૈઝલ, મુસ્તફિઝ, સિયામ અને જેહાદ સાથે મળીને તેમને પકડી લીધા હતા. તેમણે અનવારુલને શાહીનને પૈસા પરત કરવા પણ કહ્યું. આ મૂંઝવણમાં તેણે અનવરુલનું મોઢું ઓશીકા વડે દબાવીને હત્યા કરી નાખી. હત્યા બાદ અમને શાહીનને તેની જાણ કરી હતી.
અમન પાસેથી મળેલી માહિતીના આધારે ગુપ્તચર અધિકારીઓએ જણાવ્યું હતું કે શાહીનની સૂચના મુજબ અનવરુલના શરીરના ટુકડા કરવામાં આવ્યા હતા જેથી તેનો સરળતાથી નિકાલ કરી શકાય. આ માટે ફ્લેટ પાસેના શોપિંગ મોલમાંથી બે મોટી ટ્રોલી બેગ અને પોલિથિનની ખરીદી કરવામાં આવી હતી. આ પોલિથિન બેગ અને ટ્રોલીઓમાં મૃતદેહના ટુકડા રાખવામાં આવ્યા હતા. ઘટનાની રાત્રે શરીરનાં અંગો ફ્લેટમાં રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન હત્યારાઓ બહારથી બ્લીચિંગ પાઉડર લાવ્યા હતા અને તેનાથી ફ્લેટમાં રહેલા લોહીના ડાઘા સાફ કર્યા હતા.
સૂત્રોનું કહેવું છે કે કોલકાતા પોલીસ પાસે તે ફ્લેટ અને આસપાસની ઈમારતોના સીસીટીવી ફૂટેજ છે. આ ફૂટેજ દર્શાવે છે કે અમન અને તેના સહયોગીઓ ફ્લેટની બહાર રાખેલી સાંસદ અનવારુલની ટ્રોલી બેગ અને શૂઝ લઈ રહ્યા છે. આ સિવાય સીસીટીવી ફૂટેજ પરથી જાણવા મળ્યું હતું કે શાહીનની મહિલા મિત્ર બહારથી પોલિથિન બેગ અને બ્લીચિંગ પાઉડર લાવતી હતી.
હત્યા બાદ અમનના કહેવાથી તેના બે સાથીઓએ સાંસદ અનવરુલના બંને ફોન લઈ લીધા હતા અને અલગ-અલગ દિશામાં ગયા હતા જેથી તપાસકર્તાઓને સાંસદના લોકેશન અંગે ભ્રમિત કરી શકાય. બાદમાં 17 મેના રોજ ફૈઝલ અને મુસ્તફિઝ બાંગ્લાદેશ પરત ફર્યા હતા.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શાહીન સાંસદની હત્યાની યોજના બન્યા બાદ 10 મેના રોજ ઢાકા પરત ફર્યો હતો. જ્યારે સાંસદના ગાયબ થવાના સમાચાર દેશભરમાં ચર્ચામાં આવ્યા ત્યારે તે 18 મેના રોજ ભારતથી નેપાળ ગયો. તે 21 મેના રોજ નેપાળથી દુબઈ માટે રવાના થયો. તે 22 મેના રોજ દુબઈથી અમેરિકા જતો રહ્યો.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, સાંસદ અનવારુલની હત્યાની પાછળ ગોલ્ડ સ્મગ્લિંગના રૂપિયાના ભાગલા સાથે જોડાયેલો વિવાદ છે. અકતારુઝ્ઝમાન શાહીન ગોલ્ડ સ્મગ્લર છે અને કહેવામાં આવી રહ્યું છે કે સાંસદ અનવારુલ પર પણ ગોલ્ડ સ્મગ્લિંગના આરોપ લાગ્યો છે. નોંધનીય છે કે અનવારુલ 2014, 2018 અને 2024 સતત ત્રણવારથી ઝેનદેહી-4 ક્ષેત્રથી અવામી લીગની ટિકિટ પર સાંસદ ચૂંટાયા હતા.
ગોપાલે કહ્યું, તે પણ અનવારુલનો સંપર્ક કરી શક્યો નથી. CID IG અખિલેશે જણાવ્યું, જ્યારે તેઓ ન મળ્યા ત્યારે ગોપાલે પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. બેરકપુર પોલીસ કમિશનરેટે આરોપોની તપાસ માટે એક ટીમની રચના કરી હતી. અખિલેશ ચતુર્વેદીએ કહ્યું, “તપાસ ચાલી રહી હતી. આ દરમિયાન 22 મેના રોજ અમને ખબર પડી કે તેમની હત્યા કરવામાં આવી છે. સ્થાનિક પોલીસ સ્ટેશને એ લોકેશન ટ્રેસ કર્યું જ્યાં તેઓ છેલ્લે જોવા મળ્યા હતા. તેમનું છેલ્લું લોકેશન બિહારમાં મળી આવ્યું હતું. આ પછી તપાસની જવાબદારી CIDને સોંપવામાં આવી હતી.
CIDના સૂત્રોના જણાવ્યા અનુસાર, ન્યૂ ટાઉનમાં જે ફ્લેટમાં અનવારુલ રહે છે એ સરકારી કર્મચારી સંદીપનો હોવાનું કહેવાય છે. તેણે ફરી એકવાર આ ફ્લેટ અખ્તરુઝમાન નામની વ્યક્તિને ભાડે આપ્યો હતો. CID IGએ જણાવ્યું હતું કે અખ્તરુઝમાન અમેરિકન નાગરિક છે, પરંતુ હજુ એ સ્પષ્ટ નથી થયું કે બાંગ્લાદેશી સાંસદે અખ્તરુઝમાનના નામથી આ ભાડાના ફ્લેટમાં કેવી રીતે રહ્યા. આ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીને પૂછવામાં આવ્યું હતું, પરંતુ તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો. અખિલેશ ચતુર્વેદીએ કહ્યું, 18મીએ ગુમ થવાની ફરિયાદ નોંધાઈ હતી. આ પછી બેરકપુર પોલીસ કમિશનરેટે એક SITની રચના કરી. તે તપાસ દરમિયાન અમને આ સમાચાર મળ્યા.
અનવારુલ અઝીમ 12 મેના રોજ ભારત આવ્યા હતા. તેઓ છેલ્લે 13 મેના રોજ બપોરે નજર આવ્યા હતા. એ સમયે તેઓ તેમના મિત્રો સાથે મેડિકલ ચેકઅપ માટે કોલકાતા નજીક બિધાનનગરમાં એક ઘરે ગયા હતા. કોલકાતાના બિધાનનગરમાં અનવારુલ અઝીમના મિત્રએ જણાવ્યું કે તેમણે તેને કહ્યું હતું કે તેઓ દિલ્હી જવાના છે, પરંતુ 13 મેથી તેમનો સંપર્ક નહોતો થઈ શક્યો. તેઓ માત્ર ઢાકામાં તેમના પરિવાર અને બિધાનનગરમાં પોતાના મિત્રો સાથે મેસેજ પર વાત કરી રહ્યા હતા, જોકે ત્યાર બાદ બરાબર વાત ન થતાં અને તેમનું અચાનક ગાયબ થઈ જવાના કારણે બાંગ્લાદેશી સાંસદના મિત્ર ગોપાલ વિશ્વાસ ચિંતામાં મુકાયા. આ વચ્ચે સાંસદની પુત્રીએ વિશ્વાસને જણાવ્યું કે મારો પિતા સાથે સંપર્ક નથી થઈ રહ્યો. ત્યાર બાદ વિધાનનગરના બરાનનગર પોલીસ સ્ટેશનમાં અનવારુલના ગુમ થવાનો કેસ નોંધાવ્યો હતો.