મહારાષ્ટ્રની નાગપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટે સોમવારે (3 જૂન) પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI માટે જાસૂસી કરનાર બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઇવેટ લિમિટેડના પૂર્વ સિસ્ટમ એન્જિનિયર નિશાંત અગ્રવાલને આજીવન કેદની સજા ફટકારી છે. આ પહેલા અગ્રવાલને એપ્રિલ 2023માં બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચે જામીન આપ્યા હતા.
2018માં ધરપકડ કરાયેલા નિશાંતને IPC અને ઓફિશિયલ સિક્રેટ એક્ટ (OSA)ની કલમ 3 અને 5 હેઠળ આજીવન કેદ (14 વર્ષ)ની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત તેના પર 3000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
એડિશનલ સેશન્સ કોર્ટના જજ એમ.વી. દેશપાંડેએ નિશાંત અગ્રવાલના કેસમાં ચુકાદો સંભળાવ્યો. વિશેષ સરકારી વકીલ જ્યોતિ વજાનીએ જણાવ્યું હતું કે નિશાંતને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
વર્ષ 2018માં બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઈવેટ લિમિટેડના નાગપુર સ્થિત મિસાઈલ સેન્ટરના ટેકનિકલ રિસર્ચ સેન્ટરમાં કામ કરતી વખતે નિશાંત અગ્રવાલની યુપી-મહારાષ્ટ્રની મિલિટરી ઈન્ટેલિજન્સ અને એટીએસ દ્વારા સંયુક્ત ઓપરેશનમાં ધરપકડ કરવામાં આવી હતી. તેણે બ્રહ્મોસ એરોસ્પેસમાં ચાર વર્ષ સુધી કામ કર્યું હતું.
અગ્રવાલ ફેસબુક પર નેહા શર્મા અને પૂજા રંજન નામના બે એકાઉન્ટથી ચેટ કરતો હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે બંને એકાઉન્ટ પાકિસ્તાની જાસૂસી એજન્ટો દ્વારા હેન્ડલ કરવામાં આવતા હતા. નિશાંત સિવાય અન્ય એક એન્જિનિયર પર સેનાની નજર હતી. આ પછી નિશાંતની ધરપકડ કરવામાં આવી હતી.
નિશાંત વિરુદ્ધ IPC અને OSAની અલગ-અલગ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. નિશાંતે કુરુક્ષેત્ર NITમાંથી અભ્યાસ કર્યો હતો. તે સુવર્ણ ચંદ્રક વિજેતા હતો. જાણકારી માટે તમને જણાવી દઈએ કે બ્રહ્મોસ એરોસ્પેસ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) અને રશિયાના આર્મી ઈન્ડસ્ટ્રિયલ કન્સોર્ટિયમ (NPO Mashinostroyenia) વચ્ચેનું સંયુક્ત સાહસ છે.