News Updates
GUJARAT

લાશ બાઇક સાથે નાળામાં ફેંકી દીધી,કોલ ડિટેઇલે પર્દાફાશ કર્યો, નવા પ્રેમી સાથે મળી મર્ડરનો પ્લાન ઘડી મળવા બોલાવ્યો, EX બોયફ્રેન્ડની કરાવી હત્યા

Spread the love

શિવરાજપુર નજીક બામણકુવા-કાકલપુર રોડ ઉપરથી ગત 03 જુને પોલીસને એક નાળામાંથી અકસ્માત થયેલી હાલતમાં એક મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે યુવકની ઓળખ આધારે તપાસ હાથ ધરતા અનેક ખુલાસા થયા. જે બાદ યુવક ફોન પર કોઈક સાથે વાત કરી ઘરેથી નીકળ્યા બાદ તેનો અકસ્માત થયો હોવાનું જાણવા મળતા પોલીસે કોલ ડિટેઈલ આધારે તપાસ હાથ ધરતા યુવક સગીરા સાથે વાત કરી ઘરેથી નીકળ્યો હોવાનું ખુલ્યું હતું. જે આધારે તપાસ હાથ ધરતા સગીરાએ પ્રેમી અને તેના મિત્રો સાથે મળી યુવકની નિર્મમ હત્યા કરાવી હોવાનો પર્દાફાશ થયો હતો. જેને આરોપીઓએ અકસ્માતમાં ફેરવી પોલીસને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે એક થ્રિલર ફિલ્મને ટક્કર આપતી મર્ડર મિસ્ટ્રી કેસને પોલીસે પર્દાફાશ કરી તમામ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

હાલોલ તાલુકાના નવાકુવા ગામે રહેતા અને પાવાગઢ માચી ખાતે પરચુરણ દુકાન ચલાવી ગુજરાન ચલાવતા વિષ્ણુભાઈ બારીઆના બે દીકરાઓ પૈકી નાના દીકરા 19 વર્ષના યુવક કીર્તન બારીઆને ઘોઘંબાના બાકરોલ ગામની સગીર યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. નવા કુવાના યુવક કીર્તન સાથે પ્રેમ સંબંધ હોવા છતાં બાકરોલની સગીરાને ઘોઘંબા તાલુકાના વાવ ગામના નિમેશ સુરેશભાઈ બારીયા નામના યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. જેથી યુવતીએ નવા પ્રેમી નિમેષ બારીઆને ફરિયાદ કરી હતી કે, કીર્તન બારીઆ તેને ફોન કરીને હેરાન કરે છે, અપશબ્દો બોલે છે. જેથી યુવતીનો નવો પ્રેમી નિમેષ બારીઆ ગુસ્સે ભરાયો હતો અને યુવતી સાથે મળી કીર્તન બારીઆનો કાંટો કાઢી નાખવા કાવતરું રચ્યું હતું. જેમાં અન્ય ત્રણ મિત્રોને પણ સામેલ કર્યા હતા.

હત્યાની રાત્રે યુવતીએ કીર્તનને ફોન કરી ઘરે બોલાવ્યો હતો. જેથી યુવક રાત્રે 10 વાગ્યે ફોન પર વાત કરી સગીરાના ઘરે જવા નીકળ્યો હતો. પ્લાન મુજબ યુવતીના ગામ બહાર કાચા રસ્તા ઉપર યુવતીનો નવો પ્રેમી નિમેષ બારીઆ અને તેના મિત્રો હથિયારો સાથે રોડની સાઈડમાં અંધારામાં છુપાઈને ઊભા રહ્યા હતા. જ્યાં કીર્તન મોટરસાયકલ લઈ પસાર થતાં જ નિમેશે કીર્તનને માથામાં દંડો મારી દેતા કીર્તન મોટરસાયકલ સાથે નીચે પડી ગયો હતો. ત્યાર બાદ ચેન કપ્પો, લાકડી, પાઇપો, જેવા હથિયારો લઇ ઝાબના કમલેશ બારીઆ, વાવના કમલેશ બારીઆ, અને ઝાબના સુમિત બારીઆ અને નિમેષ બારીઆ કીર્તન ઉપર તૂટી પડ્યા હતા.

કીર્તનને ઉપરા છપારી ઘા વાગતા કીર્તને ત્યાં જ દમ તોડી દીધો હતો. માર મારતા આરોપીઓને કીર્તન મરી ગયો હોવાનું જાણ થતાં નિમેષ અને વાવનો કમલેશ કીર્તનની બાઈક પર કીર્તનને વચ્ચે બેસાડી બામણ કુવા કાકલપુર રોડ લઈ ગયા હતા. જ્યાં કોતર ઉપર આવેલા નાળામાં બાઈક સાથે કીર્તનને ફેંકી દઈ હત્યાને અકસ્માતમાં ખપાવવા પ્રયાસ કર્યો હતો. શિવરાજપુર નજીકના બામણકુવાથી કાકલપુર જવાના રસ્તા ઉપર એક નાળામાં મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન યુવક નવાકુવા ગામનો કીર્તન હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. પોલીસે પરિવારજનોને બોલાવી મૃતદેહની ઓળખ કરાવી હતી. જે દરમિયાન યુવકના ભાઈએ જણાવ્યું હતું કે, કીર્તન રાત્રે દસેક વાગ્યે ફોન ઉપર કોઇકની સાથે બોલાચાલી કરી ઘરેથી નીકળી ગયો હતો.

મૃતકના ભાઈના બ્યાન આધારે પોલીસે કીર્તનની કોલ ડિટેઇલ કઢાવી હતી અને તેના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે, યુવક કીર્તન બારીઆને ઘોઘંબાના બાકરોલ ગામની સગીર યુવતી સાથે પ્રેમ સંબંધ હતો અને હત્યાની રાત્રે કીર્તન તેની પ્રેમિકા સાથે જ વાત કરીને રાત્રે ઘરેથી નીકળ્યો હતો. પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને સર્વેલન્સ સાથે તમામ પાસાઓ તપાસતા યુવતી ઉપર શંકા જતા યુવતીની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. પુછપરછ દરમિયાન પડી ભાંગતા યુવતીએ હત્યાનો સનસનીખેજ ખુલાસો કરતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. યુવતીએ તેના નવા પ્રેમી સાથે મળીને કીર્તન બારીયાનો કાંટો કાઢી નાખ્યો હોવાનું પોલીસને જણાવતા પોલીસે આ નિર્મમ હત્યામાં સંડોવાયેલા યુવતીના નવા પ્રેમી અને તેના ત્રણ મિત્રોની તપાસ કરી તમામની ધરપકડ કરી હતી.

પોલીસે હત્યાનો ભેદ ઉકેલ સગીરાના નવા પ્રેમી નિમેશ બારીયાની ધરપકડ કરી ઘટના સ્થળે લઈ જઈ હત્યાનું રિકન્સ્ટ્રક્શન કરાવી કાર્યવાહી હાથ ધરી હતી. યુવતી સગીર હોવાથી તેને ગોધરા સ્પેશ્યલ કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે હત્યામાં સામેલ પ્રેમી અને અન્ય ત્રણ યુવકોને પણ પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે. યુવકની નિર્મમ હત્યા કરી અકસ્માતમાં મોત દર્શાવતી કોઈ ફિલ્મી સ્ટોરી જેવા કિસ્સામાં પ્રેમી યુવકની નિર્મમ હત્યા કરાવનાર સગીર યુવતી ઉપર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.


Spread the love

Related posts

રોટરી ક્લબ , ગોધરા દ્વારા નારી કેન્દ્ર માં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો.

Team News Updates

100થી 150 ખેડૂતો કરે છે ભીંડાનું વાવેતર,મહેસાણાના વરવાડા ગામે ઘર દીઠ, એક દિવસમાં લાખથી દોઢ લાખનું ટર્ન ઓવર

Team News Updates

GUJARAT:કમોસમી વરસાદની આગાહી,ગુજરાતમાં આંબા પર કેરીના પાકને નુકસાનક;ખેડૂતોની ચિંતા વધી

Team News Updates