સદગુરૂ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણીનગર અમદાવાદ ખાતે જેઠ માસમાં પડી રહેલી અસહ્ય ગરમીમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને ઠંડક પ્રાપ્ત થાય તેવા ભક્તિ ભાવથી ચંદન અને પુષ્પોના અદભુત શણગાર કરવામાં આવ્યા હતા અને શાસ્ત્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામીએ આરતી ઉતારી હતી.
આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, ગરમીમાં ભગવાનને ચંદનના શણગાર કરવામાં આવે છે તે શણગાર એ.સી. કરતા પણ વધુ ઠંડક આપે છે. તેથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને ઉનાળામાં ચંદનના વાઘાના શણગાર કરવામાં આવે છે.
આ વખતે કુમકુમ મંદિરમાં સૌ પ્રથમ વખત ભગવાનને ચંદનના શણગારની સાથે – સાથે એની ઉપર રંગબેરંગી પુષ્પ લગાવવામાં આવ્યા હતા. જેથી ભગવાનના વાઘા અદભુત બન્યા હતા. જે દર્શનનો અનેક ભાવિક ભક્તોએ લાભ લીધો હતો.