News Updates
GUJARAT

5 બાળકના મોત, 5 દિવસમાં કોલેરાથી ઉપલેટામાં, 48ને ઝાડા-ઊલ્ટી થયા હતા,વધુ એક બાળકે દમ તોડ્યો, ચોખ્ખું પાણી ન મળતા કારખાનાના કૂવા-બોરનું પાણી પીતા

Spread the love

ઉપલેટા પંથકમાં શનિવારે કોલેરાથી 4 બાળકોના મૃત્યુ નીપજ્યા બાદ 2 બાળકોમાં ઝાડા-ઊલ્ટીના લક્ષણો જણાતા તેના સેમ્પલ લઈને જામનગર મેડિકલ કોલેજ ખાતે ટેસ્ટિંગ કરાવાયું હતું. જે બન્ને કેસો પોઝિટિવ આવ્યા હતા. જેમાંથી એક બાળકનું મૃત્યુ નીપજ્યાનું જિલ્લા આરોગ્ય તંત્રે જણાવ્યું છે. આથી કોલેરાને કારણે બાળકોનો મૃત્યુઆંક 5 પર પહોંચી ગયો છે. તપાસ કરતા આ ગરીબ મજૂરો ગંદા લત્તામાં પ્લાસ્ટિકના વેસ્ટના ઢગલા પાસે રહેતા હતા. ચોખ્ખુ, ફિલ્ટર અને જીવાણુમુક્ત કરેલું પાણી પૂરું પડાતું નહોતું. આથી કૂવા, બોરનું પ્રદૂષિત પાણી પીવા મજબૂર હતા અને તે કારણે 48 લોકોને ઝાડા-ઊલ્ટી થયા હતા. કોલેરાનો રોગ પ્રસરતા સ્થાનિકોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે.


કોલેરા જાહેર થાય તો તે આખો વિસ્તાર જોખમી જાહેર કરવામાં આવતો હોય છે. આ રોગચાળા અન્વયે સીએચઓ, આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર, મેલ અને ફિમેલ હેલ્થ વર્કર, આશા વર્કર, આરોગ્ય કેન્દ્રના મેલ અને ફિમેલ સુપરવાઈઝરો, તાલુકા હેલ્થ ઓફિસર, તાલુકા હેલ્થના બન્ને સુપરવાઈઝર વગેરે કુલ 10 કર્મચારીઓને શો-કોઝ નોટિસ અપાઇ છે. ખુલાસા બાદ આગળની કાર્યવાહી કરાશે. ઉપલેટાના આ વિસ્તારમાંથી ઝાડા-ઊલ્ટીના 48 કેસ મળી આવ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે, નર્મદાની પાઈપલાઈન નજીકમાંથી પસાર થતી હતી. પરંતુ કારખાનેદારોએ નિયમ અનુસારના પૈસા ભરીને મજૂરો માટે ચોખ્ખા પાણીના નળ જોડાણ લીધા નહોતા.

કારખાનેદારો બોટલનુ ફિલ્ટર પાણી પીતા હતા. જ્યારે મજૂરો જે વિસ્તારમાં પાણી પીતા તે વિસ્તારમાં પાણીના નમૂના લેવાતા તે અત્યંત પ્રદૂષિત હોવાનો રિપોર્ટ પણ આવ્યો છે. એટલું જ નહીં, આ ગરીબો જ્યાં કાચા ઝૂંપડા જેવા સ્થળે રહેતા હતા તેની બાજુમાં જ પ્લાસ્ટિકના પ્રદૂષિત કચરાના મોટા ગંજ હતા. એકંદરે સૌરાષ્ટ્રમાં કારખાનાઓથી માંડીને બાંધકામમાં ગરીબ મજૂરો કામ કરતા હોય છે. જેમાં ઘણા પરપ્રાંતીયો હોય છે. સમગ્ર સૌરાષ્ટ્રના આરોગ્ય માટે તેમનું આરોગ્ય જાળવવું પણ જરૂરી છે. આ અન્વયે સરકારના તમામ ખાતાઓએ આ મજૂરો કેવી સ્થિતિમાં ક્યાં વસે છે, કેવું પાણી પીવે છે, કેવો ખોરાક ખાય છે તેની તપાસ કરીને કાર્યવાહી કરવાની પણ જરૂર છે.


ઉપલેટાનાં ગણોદ અને તાણસવા ગામ નજીક આવેલા કારખાનામાં કામ કરતા મજૂરોના કાર્તિક, કવિતા, સેજલી, બંસી નામના 4 બાળકોના પાંચ દિવસ પહેલા કોલેરાથી મોત થયા હતા. થોડા દિવસ પૂહેલા જ બાળકોની તબિયત બગડી હતી. જે બાદ આ બાળકોને સારવારમાં અલગ-અલગ જગ્યા પર ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બાળકોના મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.

જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીનાં જણાવ્યા અનુસાર ઉપલેટાનાં તાણસવા ગામે પલ્સ પોલિયો અભિયાન દરમિયાન અમુક ઝાડા-ઉલટીનાં કેસો સામે આવ્યા હતા. જ્યારે જામનગરથી કોલેરાનો એક કેસ સામે આવતા જ અહીં સર્વેલન્સ ટીમો ઉતારવામાં આવી હતી. 24 કલાક ડોક્ટર સહિત આરોગ્યની ટીમ આ વિસ્તારમાં ખડેપગે રાખવામાં આવી છે. ઝીંક અને ORSની દવાઓ પણ આપવામાં આવી રહી છે. રાજકોટની સિવિલમાંથી નિષ્ણાત તબીબોની ટીમો બોલાવવામાં આવી છે અને દવાઓનો પૂરતો સ્ટોક રાખવામાં આવ્યો છે.


વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ઇન્ડસ્ટ્રીઝ અને કારખાના માલિકો બેઝીક હાઇજિન મેન્ટેન કરે તે માટે મિટિંગનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. તેમજ લોકોને સમજણ આપવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. બાળકોના મોતની ઘટના કોલેરાનાં કારણે બની હોવાની શક્યતા છે. આ રોગ પાણીજન્ય હોવાથી અહીંના તમામ જળસ્ત્રોતનાં નમૂના લઈ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. નોનવેજ ખોરાકનાં કારણે પણ આ બનાવ બન્યો હોવાની પણ શક્યતા છે. જેને લઈને આજુબાજુના 10 કિમી સુધીના વિસ્તારોમાં મર્યાદિત સમય માટે ખાણીપીણીની દુકાનો બંધ રાખવા આદેશ અપાયા છે. આ સાથે જ મામલતદારને ઉપલેટાના કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ખાદ્ય પદાર્થના વેપારીઓએ ફરસાણ,મીઠાઈ, ગોળ, ખજૂર તથા અન્ય કોઈ ખાદ્ય પદાર્થો ખુલ્લા રાખવા, શાકભાજી ફળફળાદીના ધંધાર્થીઓએ તેને કાપીને ખુલ્લા રાખવા તેમજ આવી વસ્તુઓનું ટુકડા કરીને વેચાણ કરવા પર, બરફ ગોલા તથા ગુલ્ફીમાં માવાના વેચાણ પર, વાસી ખોરાક ઉપયોગમાં લેવા પર મનાઈ ફરમાવી છે. શહેરના તમામ ખાણીપીણીના સ્થળો, હોટલ, રેસ્ટોરન્ટ, મીઠાઈ, ફરસાણની દુકાન, ભોજનાલયો વગેરેમા સ્વચ્છતાના ઉચ્ચ ધોરણો જાળવવા તેમજ ખાદ્ય પદાર્થોને યોગ્ય રીતે ઢાંકવા કાચની પેનલ લગાવી અથવા માખી ન પ્રવેશી શકે તેટલી બારીક વાયરનેટ લગાવી ઢાંકી રાખવા અને પેપર ડીશમાં જ ખોરાક પીરસવા અને શેરડીનો રસ, બરફના ગોલાનું વેચાણ ડિસ્પોઝિબલ ગ્લાસમાં જ કરવા આદેશ કરવામાં આવ્યો છે. આ આદેશોનુ ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

આ પ્રકરણમાં એક પણ જવાબદાર ને છોડાશે નહીં
પ્રભવ જોશીએ વધુમાં જણાવ્યું હતું કે, શનિવારે ચાર બાળકોના કોલેરાથી મૃત્યની ઘટના અંગે જાણ થયા બાદ પાણી પુરવઠા બોર્ડ અને જીપીસીબી પાસે અલગ અલગ ફેક્ટરીઓમાંથી પાણીના સેમ્પલ લેવડાવવામાં આવ્યા હતા. બેક્ટેરિયાનું અને બીમારી ફેલાઇ તેવા તત્ત્વોનું પ્રમાણ વધુ હોવાનો રિપોર્ટ આવ્યા તેના કારણે જ કોલેરા ફેલાયાનું અને ચાર માસૂમ બાળકોનું મૃત્યુ થયાનું સ્પષ્ટ બન્યું છે. આથી ઉપલેટા મામલતદારને તાત્કાલિક અસરથી આ છ ફેક્ટરીઓના બોર અને કૂવા સીલ કરવાના આદેશ કર્યા હતા. તેમજ આ છ ફેક્ટરીના માલિકો સામે ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એક્ટ હેઠળ કોર્ટમાં ફરિયાદ કરવામાં આવશે. આ પ્રકરણમાં એક પણ જવાબદાર ને છોડાશે નહીં.

6 ફેક્ટરીના બોર, કૂવા સીલ

  1. હીરા મોતી
  2. સંસ્કાર પોલીમર્સ
  3. ખોડિયાર
  4. ઘનશ્યામ
  5. અર્ચના પોલીમર્સ
  6. આશ્રય પોલીમર્સ

રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પપ્પુસિંઘે જણાવ્યું હતું કે, અમારી પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળ કારખાનેદારોની જવાબદારી છે કે તેઓએ અમને ઘટના અંગે જાણ કરી ન હતી. આથી આ કારખાનેદારોને નોટિસ આપી ‘તમારા કામદારોના અનઅપેક્ષિત મૃત્યુ થયા તો શા માટે જાણ ન કરી’ તેનો ખુલાસો પૂછાવામાં આવ્યો છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગના કર્મચારીઓની બેદરકારી સંદર્ભે પણ વર્ગ-1ના ક્લાસ અધિકારી હેઠળ 3 અધિકારીની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ છે અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ક્યાં કચાશ રહી ગઈ? શા માટે આવડી મોટી ઘટનાની જાણ આટલી બધી મોડી થઈ? તેની તપાસ કરી કાર્યવાહી કરાશે.


Spread the love

Related posts

સેવા પરમો ધર્મ: 21,Januaryએ KHODALDHAM CANCER HOSPITALનું ભુમીપુજન, NARESH PATELનાં પ્રકલ્પો પૈકીનો શ્રેષ્ઠ પ્રકલ્પ થશે સાકાર

Team News Updates

Gujarat:અનેક વિસ્તારોમાં પવન સાથે અતિભારે વરસાદની આગાહી

Team News Updates

Jamnagar: CCTV, આંતક આખલાનો  એક વૃદ્ધને અડફેટે લઈ પછાડી દીધા, નાઘેડી પાસે આખલાએ,જમીન પર પડકાતાં વૃદ્ધને ઈજા પહોંચી

Team News Updates