પૂજા કોઈપણ દેવતાની થતી હોય, શરૂઆતમાં ભક્તના કાંડા પર લાલ દોરો બાંધવાની પરંપરા છે. આ લાલ દોરાને ‘મૌલી’ અને ‘રક્ષા સૂત્ર’ કહેવામાં આવે છે. મૌલી વિના પૂજા અધૂરી માનવામાં આવે છે.
ઉજ્જૈનના જ્યોતિષ પં. મનીષ શર્માના જણાવ્યા અનુસાર, મૌલીને કાંડા પર બાંધવાથી ધાર્મિક લાભની સાથે સ્વાસ્થ્ય લાભ પણ મળે છે. મૌલી એટલે ટોચ. તેનો અર્થ માથું પણ થાય છે. ભગવાન શિવના મસ્તક પર ચંદ્ર બિરાજમાન છે, તેથી ભગવાન શિવને ચંદ્રમૌલીશ્વર કહેવામાં આવે છે. મૌલીને બાંધવાની પરંપરા રાજા બલિના સમયથી ચાલી આવે છે. એવું માનવામાં આવે છે કે વામન દેવ રાજા બલિની ઉદારતાથી ખૂબ જ પ્રસન્ન થયા હતા અને તેમણે તેમને અમરત્વનું વરદાન આપવા માટે રાજા બલિના કાંડા પર રક્ષા સૂત્ર બાંધ્યું હતું.
મૌલીને કાંડા પર બાંધીને કરવામાં આવતી પૂજા ઝડપથી સફળ થાય છે. ભક્તોને દેવી-દેવતાઓના આશીર્વાદ મળે છે અને તેમના રોજિંદા જીવનમાં ચાલતી સમસ્યાઓ દૂર થાય છે. આવી ધાર્મિક માન્યતા છે.
- પં. શર્મા કહે છે કે, જ્યાં મૌલીને કાંડા પર બાંધવામાં આવે છે ત્યાંથી આયુર્વેદના જાણકાર ડોકટરો આપણી નાડી તપાસે છે અને રોગ શોધી કાઢે છે.
- કાંડા પરના આ સ્થાન પરથી શરીરના વાત, પિત્ત અને કફ વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. મૌલીને બાંધવાથી કાંડાની ચેતા પર દબાણ રહે છે અને આપણા શરીરમાં વાત, પિત્ત અને કફનું સંતુલન જળવાઈ રહે છે.
- જ્યારે વાત, પિત્ત અને કફ સંતુલિત રહે છે, ત્યારે આપણે રોગોથી સુરક્ષિત રહીએ છીએ. કફ એટલે શરદી અને તાવ સંબંધિત રોગો, વાત એટલે ગેસ, એસિડિટી સંબંધિત રોગો, પિત્ત એટલે ગૂમડા, ત્વચા સંબંધિત રોગો.