રાજકોટમાં હાર્ટ-એટેકનો વધુ એક બનાવ સામે આવ્યો છે. ગઇકાલે (28 જુલાઈ) 10 વર્ષના બાળકને હાર્ટ-એટેક આવતા મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. ઉલ્લેખની છે કે, બાળકને અગાઉ બે દિવસ ઝાડા-ઊલટી થયા હતા. જે બાદ અચાનક હાર્ટ-એટેક આવી જતા બાળકનું મોત નીપજતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.
રાજકોટ શહેરના કોઠારીયા મેઇન રોડ પર રણુજા મંદિર પાસે રહેતા અને મજૂરી કામ કરતાં નેમિશભાઈ ધામેચાના ધોરણ 4માં અભ્યાસ કરતા પુત્ર પૂર્વાગને બે દિવસથી ઝાડા-ઊલટી હતાં. જેથી પાસેના ક્લિનિકમાંથી પરિવારે દવા લીધી હતી અને ત્યાં તબીબે ઈન્જેકશન આપી સારવાર આપી હતી. જ્યારે ગઇકાલે તે જમવા બેઠો હતો, ત્યારે ઊલટી થતાં તે બેભાન થઈને ઢળી પડયો હતો.
અચાનક બેભાન થઇ ઢળી પડતા પરિવારજનોએ 108ને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને તપાસી બાળકને મૃત જાહેર કરતાં પરિવારમાં કલ્પાંત છવાયો હતો. ત્યાર બાદ 108 સ્ટાફે સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોસમોર્ટમના પ્રાથમિમ રિપોર્ટના તારણમાં બાળકને હાર્ટ-એટેક આવ્યાનું સામે આવ્યું છે.