78મા સ્વતંત્ર દિન પર્વની સૌરાષ્ટ્ર રંગેચંગે અને ઉલ્લાસભેર ઉજવણી કરવા થનગની રહ્યું છે. આ દિવસને યાદગાર બનાવવા માટે લોકો અવનવા પ્રયાસ કરી રહ્યા છે. PM મોદીએ હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરી છે જે હેઠળ લોકો પોતાના ઘરે તિરંગો લહેરાવી રહ્યા છે. હર ઘર તિરંગા જેવા કાર્યક્રમો દ્વારા ઉજવણીની શરૂઆત કરી દેવામાં આવી હતી. ઠેર ઠેર તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત 100થી વધુ ખેલૈયાઓ ત્રીરંગા સાથે દાંડિયા રાસ કરી અનોખી દેશભક્તિ વ્યકત કરી જેનો સુંદર ડ્રોન નજારો સામે આવ્યો છે. 35 ફૂટના તિરંગાની ફરતે ખેલૈયાઓ રાસ રમ્યા હતા.
ગોંડલના અર્વાચીન ગ્રુપ દ્વારા સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત 100થી વધુ ખેલૈયાઓ તિરંગા સાથે દાંડિયા રાસ રમી સ્વાતંત્ર્ય દિવસની અનોખી ઉજવણી કરી હતી. સૌ પ્રથમ વખત દાંડિયા કલાસીસના 100થી વધુ ખેલૈયાઓ તિરંગા સાથે દાંડિયા રાસ રમ્યા જેમાં 6 વર્ષથી 57 વર્ષ સુધીના ખેલૈયા તિરંગા સાથે રાખી દાંડિયા રાસ રમ્યા હતા. જેનો એક સુંદર નજારો ડ્રોન દ્વારા કેદ કરવામાં આવ્યો હતો.
અર્વાચીન ગ્રુપ દ્વારા ગોંડલ બસ સ્ટેન્ડ નજીક આવેલ અગાસી પર મંડપમાં તિરંગાનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. સાથે તમામ ખેલૈયાઓએ ડ્રેસ કોર્ડ પ્રમાણે સફેદ શર્ટ, ટી શર્ટ અને બ્લેક પેન્ટ પહેરી હાથમાં ત્રીરંગો રાખી દેશ ભક્તિના ગીત પર અલગ અલગ સ્ટેપ પર દાંડિયા રાસ રમ્યા હતા. નોંધનીય છે કે, આ ગરબામાં બોયસ, ગર્લ્સ અને કિડસે પણ આ ઉજવણીમાં ભાગ લીધો હતો. આ ઉજવણીમાં આમંત્રીત મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
નોંધનીય છે કે, અર્વાચીન ગ્રુપ દ્વારા 5 વર્ષથી 15મી ઓગષ્ટની ઉજવણી કરવામાં આવે છે. અર્વાચીન ગ્રુપ ગોંડલના આશીષ પંડ્યા 22 વર્ષથી દાંડિયા રાસ શીખવાડે છે. આ ગ્રુપથી રાજકોટમાં દર વર્ષે યોજાતી નવરાત્રીમાં ગોંડલથી 200 ખેલૈયાઓ દાંડિયા રાસ રમવા જાય છે. 6 વર્ષથી 57 વર્ષ સુધીના ખેલૈયા દાંડિયા રમવા જાય છે. ઉપરાંત રાજકોટના ટોપ લેવલના આયોજનોમાં ગોંડલના ખેલૈયાઓ રમે છે અને 22 વર્ષમાં ખેલૈયાઓ 20 થી વધારે બાઇકો અને લાખોના ઇનામો જીતીને આવ્યા છે.