ગોંડલના ભગવતપરામાં આવેલી 500 વર્ષ પુરાતન જગ્યા લોહલંગધામ દ્વારા મહંત સીતારામ બાપુની અધ્યક્ષતામાં રામકથાનું આયોજન કરાયું છે. જે માટે વિરપુર જલારામ મંદિરની જગ્યાના ગાદીપતિ રઘુરામબાપાના લઘુબંધુ ભરતભાઈની મધ્યસ્થી દ્વારા મુખ્ય મનોરથી યુગાન્ડાના ચેતનભાઈ સાંગાણીના સહયોગ દ્વારા રામકથાનું આયોજન કરાયું છે. જેની તડામાર તૈયારીઓને આજે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આવતીકાલથી કથાની ભવ્ય શરૂઆત કરવામાં આવશે. કથા સ્થળના ડોમમાં 6 એલીડી સ્ક્રીન મુકવામાં આવી છે. કથા સ્થળનો પાંચ કરોડનું વિમા કવચ પણ ઉતારાયું છે.
ગુજરાતનો કદાચ સૌપ્રથમ સંપૂર્ણ 1200 ટન AC ફિટિંગનો ડોમ ઉભો કરાયો છે. કથામાં દેશ વિદેશથી હજારો ભક્તો ઉમટવાના હોય સરકારી હોસ્પિટલ ઉપરાંત ખાનગી હોસ્પિટલની મેડીકલ ટીમ સાથે એમ્બ્યુલન્સ તહેનાત કરાઇ છે. કથા સ્થળ પર 1 PI, 3 PSI સહિત 100 જેટલો પોલીસસ્ટાફ ખડેપગે રહેશે. ફાયર સ્ટાફ સહિતની તમામ સુવિધા ઉભી કરવામાં આવી છે. કથા દરમિયાન 9 દિવસ ગોંડલની આસ્થા બલ્ડ બેન્ક અને રાજકોટની વોલીયન્ટરી બલ્ડ બેન્ક સેવા આપશે.
કથા સ્થળના ગ્રાઉન્ડમાં 100 ફૂટ ઊંચાઈએ 18 તારીખે સવારે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે. આવતીકાલે 18 તારીખે બપોરે 1 વાગ્યે વડવાળી જગ્યા ભગવતપરામાંથી પોથીયાત્રા નીકળશે. પોથીયાત્રાનો રૂટ ભગવતપરા વડ વાળી જગ્યા પરથી નીકળી સિવિલ હોસ્પિટલ ચોક, સેન્ટ્રલ સિનેમા ચોક, માંડવી ચોક, કડીયા લાઈન, આંબેડકર ચોક, ગુંદાળા દરવાજા, વિક્રમસિંહજી કોપ્લેક્ષ રોડ, બસ સ્ટેન્ડ, ત્રણ ખૂણીયા, જેતપુર રોડ થઈ દાસીજીવણ પાર્ટી પ્લોટ ખાતે પોહચશે. ત્યાર બાદ બપોરે 4થી 7 કથાનો પ્રારંભ થશે.
શોભાયાત્રા દરમિયાન અલગ અલગ ગ્રુપ અને સંસ્થાઓ દ્વારા છાશ, શરબત, પાણી અને ઠંડાપીણા, ફ્રુટડિશ સહિતના સ્ટોલ રાખવામાં આવશે અને શોભાયાત્રામાં જોડાયેલા ભક્તોને પીવડાવવામાં આવશે.
કથા સમિતિના પ્રવક્તા અશોકભાઈ પીપળીયાએ જણાવ્યું કે, કથા શ્રવણ માટે દેશ વિદેશથી ભક્ત સમુદાય ગોંડલ આવી રહ્યો હોય વિવિધ જ્ઞાતિઓની વાડીઓ, સ્કૂલો, હોટેલોમાં ઉતારાની વ્યવસ્થા કરાઇ છે. કથા દરમિયાન રોજીંદા પચ્ચીસથી ત્રીસ હજાર લોકો કથા રસપાન અને ભોજન પ્રસાદ લેવાનાં હોય 500 જેટલા સ્વયંસેવકો સેવા આપશે. ગ્રાઉન્ડમાં જમણવારના અલગ અલગ ડોમ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં મહિલાઓ અને પુરૂષોને અલગ અલગ ડોમમાં પ્રસાદ આપવામાં આવશે. જેમાં વૃદ્ધો માટે ખુરશીની વ્યવસ્થા રાખવામાં આવી છે. કથામાં સ્વયંસેવકો માટે એક ભવ્ય વિશાળ ડોમમાં સ્વયંસેવકો માટે રહેવાની માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.