નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટી ના ગામોમાં દીપડા દેખાવાની ઘટનામાં ચિંતાજનક વધારો નોંધાયો છે. છાશવારે રાત્રિના સમયે રહેણાક વિસ્તારમાં આવતો દીપડો બકરા,શ્વાન સહિત દુધાળા પશુઓના શિકાર કરે છે. ગ્રામજનોમાં ભય ઉપજાવી રહ્યો છે, છાસવારે દેખાતા દીપડાને કારણે ગ્રામજનો ભય સાથે જીવી રહ્યા છે.નવસારી તાલુકાના મુનસાડ ગામે ગત રાત્રે રહેણાંક વિસ્તારમાં ઊંઘી રહેલા શ્વાન પર દીપડો મોત બનીને ત્રાટક્યો હતો. માત્ર ત્રણ જ સેકન્ડમાં શ્વાનનું કામ તમામ કરી નાખ્યું હતુું. શિકારની આ ઘટના સીસીટીવીમાં કેદ થયા બાદ વીડિયો વાઈરલ થતા ગામલોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
ગામના લીમડા ચોક વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં એક દીપડો CCTV કેમેરામાં ફરતો જોવા મળ્યો હતો. આ ઘટનાએ સમગ્ર ગામમાં ભયનું વાતાવરણ ફેલાવી દીધું છે. CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે દીપડો શિકારની શોધમાં ઘરના આજુબાજુ આંટાફેરા મારે છે. દીપડો ધીમા પગલે એક શ્વાનને ગળામાંથી પકડીને દૂર લઈ જતો હોવાનો દ્રશ્ય સ્પષ્ટ રીતે કેદ થયો.
દીપડાના આ પ્રકારના આંટાફેરા વધતા, ગામવાસીઓએ તરત જ વન વિભાગના અધિકારીઓને જાણ કરી. વન વિભાગે તાત્કાલિક પગલાં લઇને દીપડાને પકડી શકાય તેવી કાર્યવાહી શરૂ કરી છે. ગામના લોકોની સુરક્ષાની દ્રષ્ટિએ સાવચેત રહેવા અને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા માટે સૂચના આપવામાં આવી છે.અધિકારીઓએ જણાવ્યું છે કે તેઓ દીપડાને પાંજરું મુકી ઝડપીને યોગ્ય સ્થળે ખસેડવાની કોશિશ કરી રહ્યા છે, અને લોકોએ ગભરાવાની જરૂર નથી.