અખિલ ભારતીય સંસ્થા સંસ્કાર ભારતીના ગુજરાત પ્રાંત દ્વારા આયોજિત મારી ગુણવંતી ગુજરાત સંસ્કારોત્સવ 2024 અંતર્ગત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણીનું સંસ્કાર સન્માન 2024 એવમ્ સંસ્કાર વિભૂષણ માનપત્રથી ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે સન્માન કરવામાં આવ્યું છે. ઝવેરચંદ મેઘાણીના પૌત્ર, ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક તથા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સર્કિટના પ્રણેતા છે. 1981માં સ્થાપિત, દેશ-વિદેશમાં 700 જેટલી શાખાઓ ધરાવતી તેમજ 5 લાખ જેટલાં કલાસાધકોને સાંકળતી સંસ્થા સંસ્કાર ભારતીએ સમગ્ર ગુજરાતમાંથી 28 જેટલાં પ્રતિભાશાળી કલાસાધકોનું હીર પારખીને એમને સન્માનિતનું કાર્ય કર્યું છે.
ગુજરાતની ગૌરવવંતી સંસ્કૃતિ, સાહિત્ય, સંગીત અને કલાની મહામૂલી વિરાસતથી નવી પેઢી પરિચિત-પ્રેરિત થાય, માતૃભાષા ગુજરાતીના પ્રચાર-પ્રસાર તથા દેશભકિતની ભાવના અને જીવન-મૂલ્યોનું સંસ્કાર-સિંચન માટે પિનાકી મેઘાણી સતત કાર્યરત છે. પોતાના દાદાજી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિને જીવંત રાખવા તેમજ એમના જીવન, કાર્ય, સાહિત્ય અને સંગીતના પ્રચાર-પ્રસારની વિવિધલક્ષી પ્રવૃત્તિઓને વેગ આપવા માટે તેઓ પ્રયત્નશીલ છે. નવયુવાનોને પ્રેરિત કરતી રાષ્ટ્રહિતની વિવિધ પ્રવૃત્તિઓ તેઓ લાગણીથી પ્રેરાઈને નિ:સ્વાર્થભાવે અને સંપૂર્ણ બીન-વ્યવસાયિક રીતે કરે છે. ઉલ્લેખનીય છે કે, ઝવેરચંદ નિધનના 77 વર્ષ પછી આજે પણ ઝવેરચંદ મેઘાણી વિશ્વભરમાં વસતાં ગુજરાતીઓના લોકહ્રદયમાં જીવંત છે. તેનું સવિશેષ ગૌરવ અનુભવીને પિનાકી મેઘાણીએ મેઘાણી-સાહિત્યને ધબકતું રાખનાર સહુ કલાસાધકો વતી આ સન્માન વિનમ્રપણે સ્વીકાર્યું હતું.
ભારત સરકારની દિલ્હી સ્થિત સંગીત નાટક અકાદમીના ઉપાધ્યક્ષ પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ, છેલ્લા પાંચ દાયકાઓથી દેશ-વિદેશમાં વસતાં ગુજરાતીઓનાં હૈયામાં મેઘાણી-ગીતોને અસલ ઢબે ગુંજતાં રાખનાર વિશ્વવિખ્યાત લોકગાયક અને સંસ્કાર ભારતીના ગુજરાત પ્રાંતના અધ્યક્ષ અભેસિંહ રાઠોડ, ઉપાધ્યક્ષ અને કાર્યક્ર્મના સંયોજક રમણીકભાઈ ઝાપડીયા, મહામંત્રી જયદીપસિંહ રાજપૂત, અખિલ ભારતીય સંસ્કાર ભારતી પ્રાચીન કલાના સંયોજક ઓજસભાઈ હિરાણી સહિત મોટી સંખ્યામાં કલાપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, લોકગાયક અભેસિંહ રાઠોડે મેઘાણી-ગીતોનો હ્રદયસ્પર્શી આસ્વાદ કરાવીને સહુને ડોલાવી દીધાં હતાં. માયાબેન ચૌહાણ, રાજનભાઈ ચૌહાણ અને જગદીશ જોષીએ સંસ્કાર ભારતીનું ધ્યેય ગીત રજૂ કર્યું હતું. સમગ્ર ગુજરાતમાંથી આવેલાં કલા-વૃંદોએ મનમોહક શાસ્ત્રીય-લોક-નૃત્યો રજૂ કર્યાં હતાં. પ્રવીણભાઈ ખાચર (પાર્થ)એ કાર્યક્ર્મનું સંચાલન કર્યું હતું.