મિસ સ્વિટ્ઝર્લેન્ડ ફાઇનલિસ્ટ ક્રિસ્ટીના જોક્સિમોવિચની તેના પતિ થોમસ દ્વારા હત્યા કરવામાં આવી હતી. થોમસે ક્રિસ્ટીનાની ડેડબોડીના અનેક ટુકડા કરી નાખ્યા હતા. તેણે આમાંથી ઘણા ટુકડાને બ્લેન્ડરમાં ગ્રાઈન્ડ કર્યા. તેને છુપાવવા માટે તેણે એસિડમાં ઘોળી નાખ્યા. સ્વિટ્ઝર્લેન્ડ પોલીસના તપાસ અધિકારીઓએ આ ખુલાસો કર્યો છે.
સ્કાય ન્યૂઝના રિપોર્ટ અનુસાર, આ વર્ષે 13 ફેબ્રુઆરીના રોજ 38 વર્ષની મોડલ ક્રિસ્ટીનાની હત્યા કરવામાં આવી હતી. ક્રિસ્ટીનાનો મૃતદેહ બિનિંગેન શહેરમાં તેના ઘરના લોન્ડ્રી રૂમમાંથી મળી આવ્યો હતો.
હત્યાના એક દિવસ પછી (14 ફેબ્રુઆરી 2024), પોલીસે ક્રિસ્ટીનાના પતિ થોમસ (ઉં.વ.41)ની ધરપકડ કરી. થોમસે માર્ચમાં ગુનો કબૂલ્યો હતો. થોમસે ફેડરલ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, જેને કોર્ટે 11 સપ્ટેમ્બરે ફગાવી દીધી હતી.
આરોપી થોમસે પોલીસને આપેલા પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, મેં સ્વબચાવમાં ક્રિસ્ટીનાની હત્યા કરી હતી. ક્રિસ્ટીનાએ અગાઉ પણ મારા પર છરી વડે હુમલો કર્યો હતો. આ પછી મેં સ્વબચાવમાં ક્રિસ્ટીનાને મારી નાખી. સ્કાય ન્યૂઝના જણાવ્યા અનુસાર, મેડિકલ રિપોર્ટમાં થોમસ પર હુમલાના કોઈ સંકેત મળ્યા નથી.
ક્રિસ્ટીનાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, પહેલા તેનું ગળું દબાવવામાં આવ્યું હતું. થોમસે પોતાની કબૂલાતમાં આ વાત સ્વીકારી છે. આ પછી તેણે ક્રિસ્ટીનાના શરીરને લોન્ડ્રી રૂમમાં કરવત, છરી અને છોડની કાપણી માટે વપરાતી કાતરની મદદથી ટુકડા કરી નાખ્યા.
બિનિંગેનમાં જન્મેલી ક્રિસ્ટીનાએ પોતાની કારકિર્દીની શરૂઆત મોડલિંગમાં કરી હતી. તેણે 2003માં મિસ નોર્થવેસ્ટ સ્વિટ્ઝર્લેન્ડનો ખિતાબ જીત્યો હતો. વર્ષ 2008માં તે મિસ સ્વિટ્ઝર્લેન્ડની ફાઇનલિસ્ટ બની હતી. આ પછી ક્રિસ્ટીનાએ કેટવોક કોચ તરીકે કારકિર્દી બનાવી. ક્રિસ્ટીનાએ 2013 માં મિસ યુનિવર્સ સ્પર્ધા માટે ડોમિનિક રિન્ડરકનેક્ટને તાલીમ આપી હતી.