નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે, ત્યારે ગરબા ગ્રાઉન્ડમાં સૌથી સુંદર દેખાવા ખેલૈયા ફેશિયલ અને વિવિધ પ્રકારના મેકઅપ કરાવે છે. હવે માર્કેટમાં ચહેરાને ચમકદાર અને શરીરને એનર્જેટિક બનાવવાના ઈન્જેક્શન અને ખાસ બોટલ આવી ગઈ છે. આ એક પ્રકારની ખાસ થેરાપી છે, જેને આઈવી અને સ્કિન બુસ્ટર કહેવામાં આવે છે. આ ટ્રીટમેન્ટ પાછળ સુરતીએ 35 હજારથી લઈને 80 હજાર રૂપિયા ખર્ચી રહ્યાં છે. તો જાણો શું છે આ થેરાપી અને તે કેવી રીતે થાય છે.
નવરાત્રિની જેમ આ વખતે ખેલૈયામાં સુંદર દેખાવાનો પણ ટ્રેન્ડ બદલાયો છે. આ વખતે ફેશિયલની જગ્યાએ લોકો બે પ્રકારની થેરાપી વધારે લેવાનું પસંદ કરી રહ્યા છે. જેમાં પહેલી છે સ્કિન બુસ્ટર અને બીજી છે આઈવી થેરાપી. સ્કિન બુસ્ટર થેરાપી ઇન્જેક્શનના માધ્યમથી આપવામાં આવે છે. આ થેરાપીથી ચહેરામાં અલગ પ્રકારનો ગ્લો જોવા મળે છે. આ થેરાપીની શરૂઆત 35,000થી થાય છે અને 40,000 રૂપિયા સુધીની ટ્રીટમેન્ટ છે.
બીજી આઇવી થેરપીની વાત કરાવામાં આવે તો તેનાથી ચફેરાના ગ્લો સાથે શરીરમાં ટોક્સિક વસ્તુઓ નીકળી જવાથી લોકો શરૂરમાં ખૂબ એનર્જી હોવાનો અનુભવ કરે છે. કહેવાય છે કે, આ થેરાપીથી ગરબા રમવામાં તેઓને કોઈપણ પ્રકારની થકાન લાગતી નથી. આ થેરાપી આઈ નીડલની માધ્યમથી આપવામાં આવે છે. આ થેરાપીમાં મલ્ટી વિટામિન સહિતના ઇન્ગ્રેડિયન્ટ્સ હોય છે. આ ટ્રીટમેન્ટ રૂ. 50,000થી શરૂ થઈ 80,000 રૂપિયા સુધીમાં થાય છે.
આ અંગે એસથેટિક ફિઝિશિયન ડોક્ટર માનસી દેસાઈએ જણાવ્યું હતું કે, આઈવી ટ્રીટમેન્ટથી લોકોને સરસ હાઇડ્રેશન પણ મળે છે. ગરબામાં જ્યારે લોકો ડ્રિહાઈડ્રેટ થઈ જતા હોય છે, ત્યારે આ સારી રીતે બોડીને હાઇડ્રેશન ન્યુટ્રીશન આપે છે. બીજી જે ટ્રીટમેન્ટ છે તે સ્કીન બુસ્ટર છે. સામાન્ય રીતે કોઈ દવા કે ક્રીમ સ્કીન ઉપર લગાડવામાં આવે છે. આ બુસ્ટર સ્કીનની અંદર કામ કરે છે. સ્કિનને ઈમ્પ્રુવ કરવામાં ન્યુટ્રિશન આપવામાં પણ મદદ કરે છે.
આઈવી સીધુ બ્લડ સ્ટ્રીમમાં જતું હોય છે. એને નસની અંદર આપવામાં આવે છે. તે તરત જ શરીરમાં ફેલાઈ જાય છે. સામાન્ય રીતે લોકો ટેબલેટ લેતા હોય છે, જેમાં મલ્ટી વિટામિન સહિતના સપ્લીમેન્ટ હોય છે. આઈવી થેરાપીમાં આ તમામ વસ્તુઓ સહેલાઈથી અને ટૂંક સમયમાં શરીરની અંદર જતી હોય છે અને તેની અસર પણ સૌથી ઝડપી જોવા મળે છે. જેનાથી ચહેરા અને શરીર પર અલગ પ્રકારની ચમક અને સાથોસાથ એનર્જી પણ લોકો ટૂંક સમયમાં અનુભવતા હોય છે.
આઈવી થેરાપીમાં સીધા બ્લડ સ્ટ્રીમમાં જાય છે. જેની અંદર મલ્ટી વિટામિન, ગ્લુટાથિઑન હોય છે. વિટામીનની અંદર બી12, ડી3 હોય છે. જે એનર્જી વધારવામાં શરીરમાંથી ટોક્સિન દૂર કરવામાં, સ્કીન ગ્લો કરવામાં મદદરૂપ હોય છે. સાથે જ તે સ્કીન વાઈટનિંગમાં પણ હેલ્પ કરે છે. ગ્લુટાથિઑન પાવરફુલ એન્ટી એક્સિડન્ટ છે, જે આઈવી થેરાપીમાં મુખ્ય ઇન્ગ્રેડિયન્ટ છે. આ શરીરમાંથી ટોક્સિન બહાર કાઢવામાં મદદરૂપ થાય છે. આ અઠવાડિયામાં એક લઈ શકાય છે અને મહિનામાં એકવાર પણ લઈ શકાય છે. આ ડોક્ટરના ગાઈડન્સ પ્રમાણે જ લઈ શકાય છે.
નવરાત્રિમાં લોકો સૌથી વધારે આ વખતે ફેશિયલ કરતાં સ્કીન બુસ્ટર પસંદ કરી રહ્યા છે. જેની પાછળનું કારણ છે કે, તે સ્કીનને વધારે ગ્લો આપે છે. ઇન્જેક્શનની અંદર હ્યાલુરોનિક એસિડ બેઝ ઇન્ક્રિડિયન્સ હોય છે, જે સ્કીનને હાઇડ્રેશન આપે છે. તે ચેહરાની ઉપર ઇન્જેક્ટ કરવામાં આવે છે. જે નાના-નાના પ્લેટ્સ ક્રિએટ થતા હોય છે અને એક દિવસમાં એ સામાન્ય થઈ જાય છે. આ થેરાપીથી ખૂબ જ સરસ ગ્લો હાઇડ્રેશન સ્કીન હેલ્થ સારી થાય છે.