ભારતીય વિકેટકીપર-બેટર ઈશાન કિશનને રણજી ટ્રોફી 2024-2025 સિઝન માટે ઝારખંડ ટીમનો કેપ્ટન બનાવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના આદેશ બાદ પણ તે છેલ્લી સિઝન રમ્યો ન હતો. તેણે છેલ્લે 2018-19માં ઝારખંડ ટીમની કેપ્ટનશિપ કરી હતી.
ઈશાનને હાલમાં જ પૂરા થયેલા ઈરાની કપમાં રેસ્ટ ઑફ ઈન્ડિયાની ટીમમાં જગ્યા આપવામાં આવી હતી. તેણે મુંબઈ સામે રમાયેલી મેચમાં 38 રન બનાવ્યા હતા. જોકે તેણે વિકેટ કીપિંગ કરી ન હતી. ટીમમાં સામેલ ધ્રુવ જુરેલે વિકેટકીપરની ભૂમિકા ભજવી હતી.
એવું માનવામાં આવે છે કે ઈશાન રણજીમાં પણ વિકેટકીપિંગ નહીં કરે. કુમાર કુશાગ્ર અને અનુકુલ રોય સહિત બે વિકેટકીપરનો પણ ટીમમાં સમાવેશ કર્યો છે. ઝારખંડની પ્રથમ મેચ 11 ઓક્ટોબરથી ગુવાહાટીમાં આસામ સામે છે.
ઈશાને દુલીપ ટ્રોફીમાં 2 વર્ષ બાદ ઘરેલુ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં કમબેક કર્યું હતું. તેણે વર્ષ 2022માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી હતી. દુલીપ ટ્રોફીમાં ઈશાનને ઈન્ડિયા-C ટીમમાં જગ્યા આપવામાં આવી હતી.
ફેબ્રુઆરી 2024માં, ઈશાનને ડોમેસ્ટિક ક્રિકેટને પ્રાથમિકતા ન આપવા બદલ BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. ત્યારે BCCIના સેક્રેટરી જય શાહે ટીમ ઈન્ડિયામાં ન રમતા ક્રિકેટરોને ચેતવણી આપી હતી કે જે ક્રિકેટરો ટીમની બહાર છે તેમણે રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવવા માટે ડોમેસ્ટિક ક્રિકેટમાં ભાગ લેવો જોઈએ.
ઈશાન કિશને ગયા વર્ષે ડિસેમ્બરમાં સાઉથ આફ્રિકાના પ્રવાસ પર ટીમ સાથે જોડાયા બાદ પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. તેણે અંગત કારણોસર નેશનલ ટીમમાંથી બ્રેક લીધો હતો. ઈશાને 2 મહિના સુધી કોઈ સ્પર્ધાત્મક ક્રિકેટ રમી ન હતી અને હવે તેણે ફેબ્રુઆરીમાં ડીવાય પાટિલ T-20 ટુર્નામેન્ટમાંથી પુનરાગમન કર્યું છે.
ઈશાનને ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે ટીમમાં પણ પસંદ કરવામાં આવ્યો ન હતો. તેને બહાર રાખવાના પ્રશ્ન પર, મુખ્ય કોચ રાહુલ દ્રવિડે કહ્યું હતું કે ઈશાને હજુ સુધી પોતાને ઉપલબ્ધ કરાવ્યો નથી. જો તેણે પુનરાગમન કરવું હોય તો ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કરવું પડશે.
ઈશાન હજુ પણ તેની હોમ ટીમ ઝારખંડ માટે એક પણ રણજી ટ્રોફી મેચ રમ્યો નથી. બીજી તરફ, તેણે બરોડામાં પંડ્યા ભાઈઓ (કૃણાલ અને હાર્દિક) સાથે પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું.
ઈશાન કિશન (કેપ્ટન), વિરાટ સિંહ (વાઈસ-કેપ્ટન), કુમાર કુશાગ્ર (વિકેટકીપર), નાઝીમ સિદ્દીકી, આર્યમન સેન, શરણદીપ સિંહ, કુમાર સૂરજ, અનુકુલ રોય, ઉત્કર્ષ સિંહ, સુપ્રિયો ચક્રવર્તી, સૌરભ શેખર, વિકાસ કુમાર, વિવેકાનંદ તિવારી, આર. મનીષી, રવિ કુમાર યાદવ, રૌનક કુમાર.