રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે. સરકારે ખેડૂતો માટે 1,419 કરોડનું પેકેજ જાહેર કર્યું છે, જેનો રાજ્યના 20 જિલ્લાના સાત લાખથી વધુ ખેડૂતોને લાભ મળશે. 8.5 લાખ હેક્ટર જમીનના ખેડૂતોને સહાય ચૂકવાશે. રાજ્ય સરકાર આ અગાઉ ઓગસ્ટમાં 350 કરોડનું પેકેજ જાહેર કરી ચૂકી છે.
ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં પડેલા વરસાદ બાદ થયેલા પાક નુકસાનને લઇ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે 1419 કરોડની આર્થિક સહાયની જાહેરાત કરાઈ છે, જેમાં 20 જિલ્લાના 136 તાલુકામાં 6812 ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. પિયત પ્રકાર, બિનપિયત, બાગાયતી પાકનો સમાવેશ કરવામાં આવ્યો છે. 33 ટકાથી વધુ નુકસાનીવાળો વિસ્તાર 8.5 લાખ હેક્ટરથી વધુ હોવાનું સરકારે જણાવ્યું છે, જેમાં મુખ્યત્વે મગફળી, કપાસ, ડાંગર, તુવરે અને સોયાબીનના પાકને નુકસાન થયું હતું.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 8-10 દિવસથી પડી રહેલા કમોસમી વરસાદથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો ઝૂંટવાયો છે. ખેતરમાં તૈયાર મગફળી, મગ, તલ અને ડાંગર સહિતના પાક પલળી ગયા છે તેમજ જ્યાં ભારે વરસાદ પડ્યો ત્યાં તો પાક જ તણાઈ જતાં ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. એને લઈ ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાએ કૃષિમંત્રી રાઘવજી પટેલને સહાય પેકેજ જાહેર કરવાની માગ સાથે પત્ર લખ્યો છે. મગફળી અને ડાંગરના પાકને વ્યાપક નુકસાન થતાં ચોખા અને તેલના ભાવ વધી શકે છે.
તો બીજી તરફ કોંગ્રેસના દર્શન નાયકે આર્થિક પેકેજ જાહેર કરવાની માગ કરી છે. તેમજ રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ ખેડૂતો માટે વાહનચાલકો પાસેથી ફાળો ઉઘરાવ્યો હતો તેમજ બેનરમાં લખ્યું હતું કે હાથી (અદાણી-અંબાણી)ને મણ ને કીડી (ખેડૂત)ને નહીં કણ.