ગોંડલ ખાતે ધારાસભ્ય ગીતાબા તથા પૂર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા તથા જ્યોર્તિરાદિત્યસિંહ (ગણેશભાઈ) જાડેજા પરિવાર દ્વારા ભગવાનશ્રી ઠાકોરજી (શાલીગ્રામ) વિવાહનો અલૌકિક અવસર યોજાયો હતો. બાદ કોલેજ ચોકમાં સંગ્રામસિંહજી હાઈસ્કૂલના ગ્રાઈન્ડમાં અલગ અલગ સંસ્થાઓ અને જ્ઞાતિજનો દ્વારા જ્યોર્તિરાદિત્યસિંહ જાડેજાનો સન્માન સમારોહ યોજાયો હતો. ફટાકડાની આતશબાજી કર્યા બાદ ભવ્ય લોકડાયરો યોજાયો હતો. કીર્તિદાન ગઢવી, કિંજલ દવે સહિતના ગુજરાતના નામાંકીત કલાકારોએ રમઝટ બોલાવતા 10, 20, 50, 100 અને 500 રૂપિયાની નોટોનો વરસાદ થયો હતો. મોટી સંખ્યામાં લોકડાયરો માણવા લોકો આવી પહોંચ્યા હતા. ડાયરામાં એકત્ર થયેલી તમામ રકમ ગૌશાળા અને ધાર્મિક મંદિરોના લાભાર્થે આપવામાં આવશે.
તુલસીવિવાહના કાર્યક્રમ બાદ કોલેજ ચોકના સંગ્રામસિંહજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં ભવ્ય લોકડાયરો યોજવામાં આવ્યો હતો. લોક ડાયરામાં કીર્તિદાન ગઢવી, કિંજલ દવે, બિરજુ બારોટ, દેવાયત ખવડ, ધીરુ સરવૈયા અને જીતુદાન ગઢવી સહિતના કલાકારોએ ડાયરાની રમઝટ બોલાવી હતી. જેમાં સાંસદ પરસોત્તમ રૂપાલા, પૂર્વ સાંસદ રમેશ ધડુક, પૂનમ માડમ, ધારાસભ્ય રિવાબા જાડેજા, ડો. ભરત બોઘરા, ઉદય કાનગડ, કૌશિક વેકરિયા સહિતના આગેવાનો, અગ્રણીઓ, અને સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. લોક ડાયરામાં જ્યોર્તિરાદિત્ય સિંહ જાડેજા પર રૂપિયાનો વરસાદ થયો હતો. જેમાં સાંસદ પૂનમ માડમે પણ રૂપિયા ઉડાવ્યા હતા.
ગોંડલમાં પ્રથમવાર જ તુલસી વિવાહનું આટલું ભવ્ય અને અદકેરું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, સાંસદ રામભાઈ મોકરીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી, સર્વે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, દર્શિતાબેન શાહ, મહેન્દ્રભાઈ પાડલીયા, પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક સહિત મહાનુભાવો અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગોંડલ ગીતાવીલા ખાતે વિવાહ સંપન્ન થયા બાદ રીવર સાઇડ પેલેસ ખાતે ભોજન સમારોહનું ભવ્ય આયોજન કરાયું હતું. જેમાં અંદાજે પચ્ચીસ હજાર લોકોએ ભોજન લીધું હતું. અજોડ કહી શકાય તેવા લગ્નોત્સવને સફળ બનાવવા આયોજનનાં ‘માસ્ટર’ ગણાતાં અગ્રણી અશોકભાઈ પીપળીયાની આગેવાની હેઠળ ભાજપ શહેર પ્રમુખ ઉપેન્દ્રસિંહ (પિન્ટુ) ચુડાસમા, પ્રફુલ ટોળીયા, પ્રવીણ રૈયાણી, અલ્પેશ ઢોલરીયા, સમીર કોટડીયા, અશ્વિન ઠુંમર, નગરપાલિકા પ્રમુખ અશ્વિન રૈયાણી, દિપક રૂપારેલીયા, ઓમદેવસિંહ જાડેજા, સામત બાંભવા, બીપીન વાછાણી, અશોક પરવાડીયા, સહિત હજારો કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. ગોંડલમાં પ્રથમવાર જ તુલસી વિવાહનું આટલું ભવ્ય અને અદકેરું આયોજન કરાયું હોવાથી શહેરભરમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.