રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલ ચોકમાં એક વર્ષ પહેલાં રૂપિયા 100 કરોડનાં ખર્ચે બનેલા ટ્રાયએંગલ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં હાલ ત્રણ જેટલી તિરાડો જોવા મળતા કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચારનાં આરોપો લગાવવામાં આવી રહ્યા છે. આ મામલે મનપાનાં સિટી એન્જિનિયરો સાથે સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન જયમીન ઠાકરે બેઠકોનો દોર શરૂ કર્યો હતો. જે બાદ જવાબદાર અધિકારીઓ સાથે મેયર અને સ્ટેડિંગ ચેરમેને સ્થળ પર જઈને બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં સ્ટેડિંગ ચેરમેન જયમીન ઠાકરે બ્રિજ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાની રાજકોટવાસીઓને ખાતરી આપી હતી.
આ કોઈ મોટી ક્ષતી નથીઃ મેયર
આ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ મેયર નયનાબેન પેઢડીયા અને સ્ટેન્ડિંગ ચેરમેને જયમીન ઠાકર જવાબદાર અધિકારીઓ સાથે સિવિલ હોસ્પિટલના બ્રિજની સ્થળ મુલાકાત લીધી હતી. જેમાં બ્રિજમાં માત્ર વા તડ હોવાનો સ્ટ્રેન્ડિંગ ચેરમેન જયમીન પટેલે દાવો કર્યો હતો. આ સાથે જ બ્રિજ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાની રાજકોટવાસીઓને ખાતરી આપી હતી. તો આ મામલે સ્થળ નિરીક્ષણ કર્યા બાદ મેયર નયનાબેન પેઢડીયાએ જણાવ્યું હતું કે, જે કોઈ નાની-મોટી ક્ષતિ હશે તેને તાત્કાલિક દૂર કરવામાં આવશે. આ કોઈ મોટી ક્ષતી નથી. તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવાની એન્જિનિયરોને સૂચના આપી દેવામાં એવી છે.
એક જ વર્ષમાં બ્રિજમાં તિરાડો પડવા લાગી
પ્રાપ્ત વિગત મુજબ સિવિલ હોસ્પિટલ ચોકનાં ટ્રાયએંગલ બ્રિજમાં છતના ભાગે તિરાડ જોવા મળી રહી છે. જેમાં ચોક મધ્યે ખિલ્લાસરી બાંધી છત ભરવામાં આવી છે. 100 કરોડથી વધુના ખર્ચે બનેલા બ્રિજમાં એક જ વર્ષમાં તિરાડો જોવા મળી છે. આ બ્રિજનું કામ આઠ મહિના મોડું પૂર્ણ થવા છતાં તિરાડો જોવા મળી છે. આ બ્રિજના સર્કલમાં જો જોઇન્ટ મૂકવામાં આવ્યાં હોય તો ઉપરના ભાગે લોખંડની એંગ્લો મૂકવી પડે. પરંતુ તે નહીં હોવા છતાં વચ્ચેનાં ભાગમાં તિરાડો પડતા ભ્રષ્ટાચારનાં આરોપો લાગી રહ્યા છે.
જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવેઃ મહેશ રાજપૂત
આ મામલે કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી મહેશ રાજપૂતે સ્થળ મુલાકાત લઈ જણાવ્યું હતું કે, ભાજપના શાસનમાં બનાવવામાં આવેલા ગુજરાતના વિવિધ બ્રિજમાં એક બાદ એક ક્ષતિ સામે આવી રહી છે. ત્યારે આ કામોમાં ભ્રષ્ટાચાર થયાનું સ્પષ્ટ લાગી રહ્યું છે. હું પોતે એક બિલ્ડર હોવાને નાતે પણ સ્પષ્ટ માનું છું કે હાલ જોવા મળી રહેલી આ તિરાડો કોઈ વાત નથી. પરંતુ નબળો કે ઓછો માલ વાપરવાને કારણે પડેલી તિરાડો છે. અહીંથી દરરોજ હજારો વાહનો પસાર થતા હોય છે. ત્યારે ભગવાનને માનનારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મારી વિનંતી છે કે આ સમગ્ર મામલે તટસ્થ તપાસ કરી જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે. ભવિષ્યમાં આવું ન થાય તે માટેની કાર્યવાહી પણ તેમણે કરવી જરૂરી છે.
આ મામલે અમે સ્થળ મુલાકાત કરીશુંઃ જયમીન ઠાકર
બીજીતરફ આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, મીડિયાનાં માધ્યમથી આ બાબત મારા ધ્યાન ઉપર આવતા તરત જ સિટી એન્જિનિયરને બોલાવી તેની સાથે પરામર્શ કરવામાં આવ્યો હતો. જે બાદ મેયર સાથે સ્થળ પર જઈને નિરૂક્ષણ કરતા મકાનમાં જેમ વા તડ પડે તેવી તિરાડો છે. રાજકોટવાસીઓને ખાતરી આપું શું કે બ્રિજ સંપૂર્ણપણે સુરક્ષિત છે.