સૌરાષ્ટ્ર-કચ્છમાં હાલ એક તરફ વીજ બચત માસની ઉજવણી શરૂ કરવામાં આવી છે, ત્યારે બીજી તરફ 1 લાખ વીજ ગ્રાહકોને લોડ વધારાની નોટિસ ફટકારવામાં આવતા વીજ ગ્રાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છના 256 સબ ડિવિઝનમાં 59 લાખ 31 હજાર 260 વીજ કનેક્શન ધરાવતા લોકો છે. જેમાંથી 1 લાખ લોકોને અડધામાંથી 3 કિલો વોટનો વીજ લોડ વધારવા નોટીસ આપવામાં આવી છે.
અડધામાંથી ત્રણ કિલો વોટનો વીજ લોડ વધારવા નોટિસ
સૌરાષ્ટ્ર અને કચ્છમાં છેલ્લા ઘણા સમયથી લોકોને પીજીવીસીએલ દ્વારા આડેધડ બિલ આપવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠી છે. તેવા સમયે હાલ દર ત્રણ મહિને જે વીજ ગ્રાહકોને 1800 આસપાસનું બિલ આવે છે તેવા વીજ ગ્રાહકોને અડધામાંથી ત્રણ કિલો વોટનો વીજ લોડ વધારવા નોટિસ આપવામાં આવી છે. જેનાથી લોકોમાં રોષ ફેલાયો છે.
વીજ કચેરીએ ગ્રાહકોના ધક્કા શરૂ
રાજકોટ શહેરમાં 21 સબ ડિવિઝનમાં 25 હજાર જેટલા ગ્રાહકોને લોડ વધારાની નોટિસ આપવામાં આવી છે. આ નોટિસમાં ગ્રાહકોને 60 દિવસનો સમય આપવામાં આવ્યો છે. જે સમય દરમિયાન લોડ વધારો કરવા માટે તાકીદ કરવામાં આવી છે. નહીંતર બિનઅધિકૃત વીજ વપરાશનું પુરવણી બિલ આપવાની ચીમકી આપવામાં આવતા વીજ કચેરીએ ગ્રાહકોના ધક્કા શરૂ થઈ ગયા છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં કયાં જિલ્લામાં કેટલા વીજ કનેક્શન?
જિલ્લો | વીજ કનેક્શન |
રાજકોટ | 6,46,580 |
રાજકોટ ગ્રામ્ય | 6,75,078 |
અમરેલી | 6,24,098 |
જામનગર | 7,30,839 |
મોરબી | 3,60,738 |
પોરબંદર | 4,15,714 |
જૂનાગઢ | 5,08,836 |
ભાવનગર | 6,58,069 |
સુરેન્દ્રનગર | 3,93,206 |
અંજાર | 2,69,882 |
ભૂજ | 4,12,361 |
કુલ | 59,31,260 |