- રાજકોટમાં રહેતા સાળો-બનેવી ઝડપાયા બાદ પોલીસને નવી મોડસ ઓપરેન્ડી જાણવા મળી
- રાજકોટ ઉપરાંત મોરબી પંથકમાં નવેક મહિનાથી ડ્રગ્સ વેચવાના કાળા કારોબાર સાથે સંકળાયા’તા
રાજકોટના ઉમિયા ચોકમાંથી પોલીસે રવિવારે એક શખ્સને 9.05 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી લીધો હતો. તેની ગણતરીની કલાકોમાં મોરબી પોલીસે એ શખ્સના સાળાને ટંકારામાંથી ડ્રગ્સ મામલે પકડી પાડ્યો હતો. સાળો બનેવીની બેલડી રાજકોટમાં યુવાનોને ડ્રગ્સ સપ્લાય કરતા હતા અને નવેક મહિનાથી આ કાળો કારોબાર ચાલતો હતો.
150 ફૂટ રિંગ રોડ પર ઉમિયા ચોક નજીકથી પોલીસે અર્જુન ઉર્ફે અનમોલ મેરામ કોઠીવાર (ઉ.વ.24)ને 9.05 ગ્રામ ડ્રગ્સ સાથે પકડી લઇ તેની પાસેથી ડ્રગ્સ રોકડા રૂ.75 હજાર, મોબાઇલ અને એક કાર સહિત કુલ રૂ.3,85,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. રાજકોટ એસઓજીની ટીમે અર્જુનની પૂછપરછ કરતાં તેણે તેના સાળા રવિન્દ્ર ઉર્ફે આશિષ જિતેન્દ્ર રાવલ પાસેથી ડ્રગ્સ મેળવ્યાની કેફિયત આપતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી તે વખતે જ મોરબી પોલીસે ટંકારમાંથી જિતેન્દ્ર રામજી પ્રજાપતિને 10.20 ગ્રામ મેફેડ્રોન સાથે પકડી લીધો હતો અને જિતેન્દ્રને રવિન્દ્ર ઉર્ફે આશિષ રાવલે ડ્રગ્સ આપ્યાનું ખૂલતા મોરબી પોલીસે રવિન્દ્રને પણ દબોચી લીધો હતો.
રાજકોટ પોલીસે ડ્રગ્સ સાથે પકડાયેલા અર્જુન કોઠીવારની આગવીઢબે પૂછપરછ કરતાં ડ્રગ્સના કાળા કારોબારના નેટવર્કનો પર્દાફાશ થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે, અર્જુન કોઠીવારે રવિન્દ્ર રાવલની બહેન સાથે પ્રેમલગ્ન કર્યા હતા અને અર્જુન તથા રવિન્દ્ર એક જ મકાનમાં ઉપર નીચે રહેતા હતા. અર્જુન અને તેનો સાળો નવેક મહિનાથી ડ્રગ્સનું વેચાણ કરતા હતા. રવિન્દ્ર અમદાવાદથી ડ્રગ્સ લઇ આવતો હતો. સાળા બનેવીની બેલડી પાસે 20થી વધુ ગ્રાહકો હતા અને ડ્રગ્સનો જથ્થો તે નિશ્ચિત ગ્રાહકોને જ આપતા હતા. રાજકોટ શહેરમાં કોલેજિયન યુવકોને ડ્રગ્સ પેડલર ડ્રગ્સ સપ્લાય કરતા હોવાનું અત્યાર સુધીની પોલીસ તપાસમાં ખુલ્યું હતું, પરંતુ આ સાળો બનેવી સારી નોકરી કરતા અને સેટલ થયેલા યુવકોને ડ્રગ્સ સપ્લાય કરતા હતા.
બંધાણીઓને સલામત રીતે ડ્રગ્સ મળે તેવી હતી વ્યવસ્થા
ડ્રગ્સના બંધાણી યુવકો પોતાને સલામત રીતે ડ્રગ્સ મળી જાય તે માટે ડ્રગ્સ ક્યાંથી આવતું તે અંગે કોઇને જાણ કરતા નહીં અને આ કારણે સાળા બનેવીને કાળો કારોબાર બેરોકટોક ચાલતો હતો, પરંતુ અર્જુન ડ્રગ્સના જથ્થા સાથે પકડાઇ જતાં ભાંડો ફૂટી ગયો હતો. માલવિયાનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, અર્જુનને મંગળવારે રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાશે તેમજ મોરબી પોલીસના સકંજામાં રહેલા રવિન્દ્ર ઉર્ફે આશિષ રાવલનો પણ ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવવામાં આવશે. રાજકોટમાં ડ્રગ્સનું સેવન ચિંતાજનક રીતે વધી રહ્યું છે અને યુવાઓ ડ્રગ્સના સેવનમાં ડૂબી રહ્યાની ચર્ચાતી વાત અર્જુન અને તેના સાળા રવિન્દ્રના કાળા કારોબારના પર્દાફાશથી સ્પષ્ટ થયું હતું. બંને આરોપીની પૂછપરછમાં વધુ કેટલીક ચોંકાવનારી હકીકત બહાર આવવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.