News Updates
RAJKOT

કોણ ઓળવી ગયું સ્મશાનના લાકડા ?RMCનાં ગાર્ડન શાખાએ બોરોબાર વહિવટ કર્યાનો આક્ષેપ;તમારે પણ એકદિવસ મરવાનું છે,વિપક્ષ નેતાએ ભ્રષ્ટાચારીઓને કહ્યું- જરા તો શરમ કરો

Spread the love

રાજકોટ મહાપાલિકાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. જેમાં ગાર્ડન શાખાએ શહેરમાં તૂટેલા વૃક્ષોને સ્મશાનમાં મોકલવાને બદલે બારોબાર નિકાલ કર્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ગાર્ડન શાખાએ મોકલેલા લાકડા સ્મશાન સુધી પહોંચ્યા નહીં હોવાનું સ્મશાન સંચાલકનું કહેવું છે. આમ કાગળ ઉપર સ્મશાનમાં મોકલેલા લાકડા સ્મશાન સુધી નહીં પહોંચતા વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયા બાપુનગર સ્મશાને દોડી ગયા હતા. તેમજ ભ્રષ્ટાચારીઓને કહ્યું હતું કે, જરાક તો શરમ કરો, તમારે પણ એકદિવસ મરવાનું છે.

પ્રાપ્ત વિગત મુજબ કોર્પોરેશન દ્વારા શહેરમાંથી તૂટેલા વૃક્ષોનાં લાકડા એકત્ર કરવામાં આવ્યા હતા. અને 35 જેટલી ગાડીઓ જુદા-જુદા સ્મશાનમાં મોકલી દેવામાં આવી હતી. જોકે, આ પૈકીની કોઈપણ ગાડી સ્મશાન સુધી પહોંચી નહીં હોવાનું બાપુનગર સ્મશાનનાં સંચાલકે જણાવ્યું હતું. ત્યારે લાકડાનો જથ્થો બરોબર કોણ ચાઉં કરી ગયું? અને લાકડાની આ ગાડીઓ ક્યા ઠલવાઈ ગઈ જેવા સવાલો વિપક્ષ નેતાએ ઉઠાવ્યા હતા. તેમજ આ ભ્રષ્ટાચારીઓએ સ્મશાનને પણ નહીં છોડ્યાનો આરોપ લગાવ્યો હતો.

બાપુનગર સ્મશાનનાં સંચાલક સંજયભાઈ વઘાસિયાએ જણાવ્યું હતું કે, અમારા સ્મશાનમાં જન્માષ્ટમીની છઠ પછી અહીં લાકડાની કોઈ ગાડી આવી નથી. આવી હોય તો મારી પાસે રસીદ, ગાડી લાવનારનું નામ, મોકલનારનું નામ, કેટલું વજન અને મોબાઈલ નંબર સહિતની વિગતો હોય જ. અહીં ક્યારેક-ક્યારેક એક-બે ગાડી આવતી હોય છે. પરંતુ છઠ પછી અહીં લાકડાની કોઈ ગાડી આવી નથી. અમે લાકડાની જરૂરિયાત દાતાઓ દ્વારા કે અન્ય કોઈ આસપાસના ગામોમાં તૂટેલા લાકડા અંગેની ફરિયાદ મળે ત્યાંથી લાકડા લાવીને પુરી કરીએ છીએ.

વિપક્ષ નેતા વશરામ સાગઠિયાનાં જણાવ્યા અનુસાર, રાજકોટ મહાપાલિકાની ગાર્ડન શાખાનું મહા કૌભાંડ સામે આવ્યું છે. જેમાં શહેરમાં તૂટેલા વૃક્ષોને સ્મશાનમાં મોકલવાને બદલે બારોબાર નિકાલ કરવામાં આવ્યો છે. ગાર્ડન શાખાએ લાકડા કાગળ ઉપર સ્મશાનમાં મોકલી દીધા પણ સ્મશાન સુધી પહોંચ્યા નથી. ત્યારે કૌભાંડમાં સામેલ લોકોને મારે કહેવું છે કે, જરાક તો શરમ કરો, તમારે પણ એકદિવસ મરવાનું છે. આ તો કૌભાંડની હદ થઈ ગઈ છે. ગરીબમાં ગરીબ માણસ પણ સ્મશાનનું ખાતો નથી. પરંતુ આ ભ્રષ્ટ તંત્ર સ્મશાનને પણ છોડવા તૈયાર નથી.

વધુમાં તેમણે જણાવ્યું કે, તમે રોડ-રસ્તાનાં કૌભાંડ કરો છો, ભરતીનાં કૌભાંડ કરો છો, પરંતુ સ્મશાનને તો છોડી દો. સ્મશાન પ્રત્યેક વ્યક્તિના જીવનનું અંતિમ સત્ય હોય છે. ત્યારે તેમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે શાસકોએ ધ્યાન રાખવું જરૂરી છે. માનવતાને શરમાવે તે પ્રકારનું આ કામ કરવામાં ભ્રષ્ટાચારીઓને શરમ આવવી જોઈએ. આવું કૌભાંડ કરનારાઓ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તે જરૂરી છે. આવી ગેરરીતિ ક્યારેય ચલાવી લેવામાં આવશે નહીં. વિપક્ષ દ્વારા આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવશે.

સમગ્ર મામલે ડે. મ્યુ. કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે, તૂટેલા મોટા વૃક્ષો અને નાની-નાની ડાળીઓનાં નિકાલ માટેની કામગીરી બે એજન્સીને સોંપવામાં આવી છે. જેમાં સોમનાથ એજન્સી તેમજ જય કન્સ્ટ્રક્શન એજન્સીનો સમાવેશ થાય છે. તેમની જવાબદારી તૂટેલા વૃક્ષોને સ્મશાન સુધી પહોંચાડવાની હોય છે. જોકે, હાલ અમારી પાસે સ્મશાન તરફથી લાકડા મળ્યા હોવાની 28 પહોંચ આવેલી છે. પરંતુ આ બાબત સામે આવતા ફરી એકવાર સ્મશાન સંચાલકો સાથે વેરીફાય કરી આ પછી એજન્સીને પેમેન્ટ કરવામાં આવશે. જો કોઈપણ પ્રકારની ગેરરીતિ સામે આવશે તો દંડ ફટકારવા સહિત કડક પગલાં લેવાની ખાતરી તેમણે આપી હતી.


Spread the love

Related posts

ધો.10ના વિદ્યાર્થીનું હાર્ટ-એટેકથી મોત, LIVE દૃશ્યો:રાજકોટ નજીક રીબડા SGVPમાં ગુરુપૂર્ણિમાના કાર્યક્રમની તૈયારી વખતે વિદ્યાર્થી અચાનક ઢળી પડ્યો, એકનો એક પુત્ર ગુમાવતાં પરિવાર પર આભ ફાટ્યું

Team News Updates

રાજકોટમાં વરસાદ અને ગરમી વચ્ચે બીમારીમાં વધારો, સિઝનલ રોગચાળાનાં 312 કેસ નોંધાયા

Team News Updates

5 આરોગ્ય કેન્દ્ર 24×7 ચાલુ રહેશે, એક મહિના બાદ લોકોને રાત-દિવસ ઘર નજીક ડિલિવરી સહિતની સુવિધા મળશે, સ્ટાફ માટે ભરતી પ્રક્રિયા શરૂ

Team News Updates