રાજ્યમાં થયેલા ભારે વરસાદને લઈ કૃષિ પાકોને મોટું નુકસાન થયું છે. આ નુકસાનીને લઈ સરકાર ઇનપુટ લોસ અને પ્રોડક્શન લોસના સર્વે કરાવશે. તેમજ જમીન ધોવાણ સહાય બાબતે સરકાર પુનઃ વિચારણા કરે એવી પણ શક્યતા છે. આ વિચારણા બાદ જમીન ધોવાણ સહાયમાં વધારો કરવા અંગે સરકાર નિર્ણય લઈ શકે છે. રાજ્યના તમામ જિલ્લામાં નુકસાની સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ ઓક્ટોબરના બીજા અઠવાડીયામાં સરકાર દ્વારા SDRFના ધારા ધોરણ મુજબ રાહત પેકેજ જાહેર કરવામાં આવશે. નુકસાનીના અંદાજ આધારે સરકાર આ રાહત પેકેજ જાહેર કરશે.
ખેડૂતોને થયેલા ઇનપુટ લોસમાં ખાતર, બિયારણ, મજૂરીનો સર્વે થશે. જ્યારે પ્રોડક્શન લોસમાં સંપૂર્ણ પાક નિષ્ફળનો સર્વે થશે. બીજી વાર વાવણી ન થાય અને વર્ષ નિષ્ફળ થાય તે સર્વેને પ્રોડક્શન લોસ હેઠળ આવરી લેવાશે. આ જ સીઝનમાં એક પાક (ઉ.દા. તરીકે કપાસ) ફેલ ગયો અને બીજો પાક (ઉ.દા. તરીકે એરંડા) વાવે તો ઇનપુટ લોસ કહેવાશે. ભારે વરસાદને પગલે રાજ્યના 16 જિલ્લામાં પાક અને જમીન ધોવાણને લઈને મોટું નુકસાન થયું છે.