બોલિવૂડ સ્ટાર વિકી કૌશલનું કરિયર પીક પર ચાલી રહ્યું છે અને તે તમામ પ્રકારના પાત્રો માટે ફિલ્મ મેકર્સની પહેલી પસંદગી બની રહ્યો છે. તેની ફિલ્મગ્રાફીમાં એક પૌરાણિક પાત્ર ખૂટતું હતું, પરંતુ હવે તે પણ વિકીના ખાતામાં એડ થઈ ગયું છે. હોરર યુનિવર્સ નિર્માતા દિનેશ વિજને તેમની નવી ફિલ્મની જાહેરાત કરી છે જેમાં વિકી ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર પરશુરામની ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે. બુધવારે, નિર્માતાઓએ પહેલી ઝલક શેર કરી છે.
દિનેશ વિજનના પ્રોડક્શન હાઉસ મેડૉક ફિલ્મ્સે બુધવારે સોશિયલ મીડિયા પર વિકી કૌશલ સ્ટારર નવી ફિલ્મ ‘મહાવતાર’નું એનાઉન્સમેન્ટ કર્યુ છે. એનાઉન્સમેન્ટ વીડિયોમાં પરશુરામના રોલમાં વિકી કૌશલનો લુક સામે આવ્યો છે.
વિકીના પોસ્ટરમાં લખ્યું છે, ‘ધર્મના શાશ્વત યોદ્ધા ચિરંજીવી પરશુરામની કહાની.’ વિકીના લુકની સાથે પોસ્ટરમાં ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. ‘મહાવતાર’ ક્રિસમસ 2026માં મોટા પડદા પર આવશે. પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે આ ફિલ્મના નિર્દેશક અમર કૌશિક હશે જેણે તાજેતરમાં જ બ્લોકબસ્ટર ‘સ્ત્રી 2’ બનાવી છે.
‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’ની જબરદસ્ત સફળતા પછી, નિર્દેશક આદિત્ય ધરે વિકી સાથે બીજી મોટી ફિલ્મની યોજના બનાવી હતી. આદિત્યએ મહાભારતના પાત્ર અશ્વત્થામા પર આધારિત પૌરાણિક ફિલ્મ ‘અશ્વત્થામા’ની જાહેરાત કરી હતી. પરંતુ લોકડાઉન પછી, આ ફિલ્મ સ્થગિત થઈ ગઈ અને અંતે આદિત્યએ કહ્યું કે ભારતીય સિનેમા હજી આ પ્રોજેક્ટ માટે તેના વિઝનને પૂર્ણ કરવા માટે તૈયાર નથી. આવી સ્થિતિમાં અશ્વત્થામાનું પાત્ર ભજવવાની તાલીમ લેવાનું શરૂ કરી દેનાર વિકી ચોંકી ગયો હતો. પરંતુ આખરે હવે વિકીને તેની પહેલી પૌરાણિક ફિલ્મ ‘મહાવતાર’ મળી છે.
પરશુરામ ભગવાન હનુમાન અને અશ્વત્થામા સાથે હિન્દુ પૌરાણિક કથાઓમાં ઉલ્લેખિત ચિરંજીવીઓમાંના એક છે. પરશુરામની કથા રામાયણ અને મહાભારત બંનેમાં છે. તેમની વાર્તા ઉત્તર ભારતથી દક્ષિણ ભારત સુધી વિસ્તરી છે. વિકી કૌશલને આ રોલમાં જોવો ફેન્સ માટે ખૂબ જ રોમાંચક રહેશે.