આણંદની એક મહિલાઓએ સોશ્યલ મીડીયા પરની એક જાહેરાત જોઈ બેંગ્લોરના બે ઈસમોને યુ.કે ના વર્ક પરમીટ વિઝાનું કામ સોંપ્યું હતું. જોકે, આ બંને ઈસમોએ મહિલા પાસેથી 18.40 લાખ રૂપિયા લઈ લીધાં બાદ યુ.કે ના વર્ક પરમિટ વિઝા નહીં આપી છેતરપીંડી આચરી છે. આ અંગે મહિલાની ફરીયાદને આધારે આણંદ ટાઉન પોલીસે બંને ગઠિયાઓ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આણંદ શહેરમાં વિદ્યા ડેરી રોડ પર આવેલ મંગલનગર સોસાયટીમાં 33 વર્ષીય રાજશ્રીબેન જેકીભાઈ પરમાર પોતાના પરિવાર સાથે રહે છે. આ રાજશ્રીબેને ગત તારીખ 15-8-2023 ના રોજ સોશ્યલ મીડીયામાં યુ.કે ના વર્ક પરમીટ વીઝા માટેની જાહેરાત જોઈ હતી. આ રાજશ્રીબેનને યુ.કે જવાની ઈચ્છા હોવાથી તેઓએ IE4U GLOBAL PRIVATE LIMITED (બેંગ્લોર) ની આ જાહેરાતમાં આપેલ મોબાઈલ નંબર ઉપર ફોન કર્યો હતો. જેમાં સામે પક્ષે વાત કરનાર ઈસમે તેનું નામ જુહાલ સિરાજભાઈ હોવાનું અને પોતે અમદાવાદ બ્રાન્ચનો મેન અધિકારી હોવાનું તેમજ કંપનીના ડાયરેક્ટર શ્રીજેશ.પી.શંકરણ હોવાનું જણાવ્યું હતું. જે તે વખતે રાજશ્રીબેને વર્ક પરમીટ પર યુ.કે જવાની ઈચ્છા દર્શાવી હતી. દરમિયાન જુહાલ સીરાજે યુ.કે ના વર્ક પરમીટ વિઝા માટેનો સંપૂર્ણ ખર્ચ 18.40 લાખ કહ્યો હતો. જે પૈકી કંપનીમાં રજીસ્ટ્રેશન કરાવવા પેટે 3 લાખ રૂપિયા પહેલા આપવા પડશે તેમ જણાવ્યું હતું.
રાજશ્રીબેને બે દિવસ બાદ જુહાલ સિરાજનો ટેલિફોનિક સંપર્ક કરી વર્ક પરમીટની પ્રોસેસ ચાલુ કરવા જણાવ્યું હતું અને કંપનીમાં રજીસ્ટ્રેશન માટે 3 લાખ રૂપિયા જમા કરાવી દીધાં હતાં. જેના વીસેક દિવસ બાદ જુહાલ સિરાજે સીઓએસ (સર્ટિફિકેટ ઓફ સ્પોન્સર લેટર) રાજશ્રીબેનના વોટ્સએપમાં મોકલ્યો હતો અને તમારી પ્રોસેસ ફાસ્ટ ટ્રેકમાં ચાલુ કરી દીધી છે તેમ કહી બાકીના નાણાં તાત્કાલીક જમા કરાવવા કહ્યું હતું. તેમજ તમને યુ.કેમાં કોઈ પણ જાતની તકલીફ રહેશે નહીં, તમને સારી કંપનીમાં સારા પગારવાળી નોકરી આપાવવાની અમારી જવાબદારી છે, તમે ચિંતા છોડી દો, અમે વર્ષ-2014 થી યુકેમાં વર્ક પરમિટ અપાવવાનું કામ કરીએ છીએ અને ઘણા લોકો ત્યાં સ્થાયી થયેલ છે. તમને પણ યુકેમાં સ્થાયી કરાવવાની જવાબદારી મારી અને અમારી કંપનીના ડાયરેક્ટર શ્રીજેશ.પી.શંકરણની છે તેવો વિશ્વાસ અને ભરોસો આપ્યો હતો. જેથી રાજશ્રીબેને બાકીની તમામ રકમ પણ ત્રણ તબક્કામાં આ જુહાલ સિરાજના બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. જે તે વખતે જુહાલ સિરાજે એગ્રીમેન્ટ કરાર પણ રાજશ્રીબેનને મોકલી આપ્યો હતો. પરંતુ બાદમાં આ જુહાલ સિરાજ અવનવા બહાના કાઢવા લાગ્યો હતો. જેથી રાજશ્રીબેને પોતાના નાણાં પરત માંગતા જુહાલ સિરાજે કંપનીમાં રિફંડ ઇમેલ કરવાનું કહ્યું હતું. જે મુજબ રાજશ્રીબેને રિફંડ ઈમેલ કર્યો હતો.
જે બાદ કંપનીના ડાયરેક્ટર શ્રીજેશ.પી.શંકરણે આ રાજશ્રીબેનને ફોન કર્યો હતો અને ખોટી કોમેન્ટ ના કરશો, અમે ઘણા વર્ષોથી આ કામ કરીએ છીએ, કંપનીની ખોટી અફવા ઉડાવવી નહીં. તમારી પ્રોસેસ હું જાતે કરું છું, ટૂંક સમયમાં વર્ક વિઝા પરમીટ મળી જશે. અને અમારા ઉપર વિશ્વાસ ભરોસો રાખજો. તમને અમારા ઉપર વિશ્વાસ ન હોય તો બેંગ્લોર મારી ઓફિસે આવો તમને મારા તરફથી પ્લેનની ટિકિટ પણ કરી આપું છું. તમે ગભરાશો નહીં તેમ જણાવ્યું હતું. પરંતુ તે બાદ પણ યુ.કે. ના વર્ક વિઝા પરમિટ કે લીધેલા રૂપિયા પરત કર્યાં ન હતાં. જેથી આ કિસ્સામાં પોતે છેતરાયા હોવાનું રાજશ્રીબેનને લાગતાં તેઓએ આ અંગે આણંદ ટાઉન પોલીસ મથકમાં ફરીયાદ આપી છે. જેના આધારે પોલીસે ડાયરેક્ટર જુહાલ સિરાજ અને ડાયરેક્ટર શ્રીજેશ પી. શંકરણ વિરુદ્ધ બી.એન.એસ એક્ટની કલમ 316 (2) તથા 54 મુજબનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.