રાજકોટમાં છેતરપિંડીની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. ત્યારે હવે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો સંચાલકે તેના ગ્રાહકો સાથે છેતરપિંડી કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં શહેરના કાલાવડ રોડ નજીક કોટેચા કોચમાં આવેલ એક બિલ્ડિંગમાં સ્માઈલ હોલીડેઝ ટ્રાવેલ્સ નામે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરનારા સંચાલકો દીપક અને તેની પત્ની રિદ્ધિ તન્ના ટુરિસ્ટોના રૂપિયા 20.40 લાખની રોકડ લઈ નાસી છૂટ્યા હોવાની ફરિયાદ માલવિયાનગર પોલીસમાં નોંધાઈ છે.
20.40 લાખની રોકડ આપી હતી
પ્રાપ્ત વિગત મુજબ 150 ફૂટ રોડ નજીક સાંઈનગરમાં રહેતા કિરીટભાઈ બાબુભાઈ મોલીયાએ માલવિયાનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. જેમાં આરોપી તરીકે સ્માઈલ હોલીડેઝ ટ્રાવેલ્સના સંચાલક દિપક તન્ના અને રિધ્ધિ તન્નાનું નામ આપી જણાવ્યું હતુ કે, તેમને વેકેશનમાં પરિવાર સાથે સિંગાપોર, મલેશિયા સહિતના સ્થળે ફરવા જવાનું હોય તેને તથા તેના મિત્રો સાથે સ્માઈલ હોલીડેઝ ટ્રાવેલ્સમાં ટુર પેકેજ કરાવ્યુ હતુ જેમાં પોતે તથા તેના બે અન્ય પરિવારોએ રૂ. 20.40 લાખની રોકડ આપી હતી.
પોલીસનો સંપર્ક કરવા અપીલ
જોકે ગુરૂવારે બપોરે ફલાઈટમાં જવાનુ હોય સંચાલક ઓફિસને તાળા મારી નાસી ગયા હતા. જેને લઈ તેમણે આ ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે ગૂનો દાખલ કરી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. તેમજ કોટેચા ચોકનાં સ્માઈલ હોલીડેઝ ટુર એન્ડ ટ્રાવેલ્સનાં સંચાલક દિપક તન્ના અને અન્ય પણ કેટલાક ટુરિસ્ટોના પૈસા લઈ છેતરપિંડી કરી હોય તેને પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે. સાથે જ ફરાર થયેલા આરોપીઓને દબોચી લેવા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.