તુર્કીના ઇસ્તંબુલ ખાતે આગામી 18થી 21 મે દરમિયાન ધ તુર્કીસ ઓપન વાકો વર્લ્ડકપ-2023 યોજાનાર છે. જેમાં દેશભરમાંથી કિક બોક્સિંગના 17 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાંથી 4 ખેલાડીઓની પસંદગી થઈ છે. આ ચારેય ખેલાડીઓ વડોદરાના છે. જેમાં આકાશ ચવાણ, અભિજિતસિંહ સોલંકી, ઇશિતા ગાંધી અને પાવની દયાલનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓ વર્લ્ડકપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આજે સવારે આ ચારેય ખેલાડીઓ વડોદરાથી ટ્રેન મારફતે મુંબઇ જવા નીકળ્યા છે અને મુંબઇથી ફ્લાઇટમાં ઇસ્તંબુલ પહોંચશે.
આજે મને ગર્વ થઇ રહ્યો છેઃ સિદ્ધાર્થ ભાલઘરે
કિક બોક્સિંગના ટીમ ઇન્ડિયાના કોચ સિદ્ધાર્થ ભાલઘરેએ જણાવ્યું હતું કે, મારા માટે ઘણી ગર્વની વાત છે કે, આજે ગુજરાતમાંથી વડોદરાના 4 ખેલાડીઓ ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરવા જઇ રહ્યા છે. તુર્કીમાં ઇસ્તંબુલ ખાતે ધ તુર્કીસ ઓપન વાકો વર્લ્ડકપ-2023 થનાર છે, તેમાં આ ખેલાડીઓ રમશે. આ ચારેય ખેલાડીઓ વર્ષોથી મહેનત કરી રહ્યા હતા અને આજે તેઓને તક મળી રહી છે. તેમના પેરેન્ટ્સનો પણ આભાર માનું છું કે, તેઓએ આ ખેલાડીઓને રમવા માટે હંમેશાં સપોર્ટ કર્યો છે અને આજે તેનું ફળ મળી રહ્યું છે.
‘આપણા છોકરાઓ માત્ર રમવા નથી જતાં મેડલ પણ જીતીને લાવે છે’
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, હું પોતે જ્યારે કિક બોક્સિંગ રમતો હતો, તે સમયે મેં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કર્યું હતું. તે સમયે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રમનાર હું ગુજરાતનો પ્રથમ ખેલાડી હતો. ત્યારથી જ મારું સ્વપ્ન હતું કે, જેવી રીતે મેં ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કર્યું છે, તેવી જ રીતે મારા સ્ટુડન્ટ પણ ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરે. ગત વર્ષથી જ મારું આ સ્વપ્ન પૂર્ણ થવા લાગ્યું હતું. ગયા વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશિપ અને એશિયન ચેમ્પિયનશિપમાં અહીંયાં છોકરાઓ જવા લાગ્યા. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં એક છોકરાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો અને એક છોકરાએ એશિયન ચેમ્પિયનશિપ બેંગકોક ખાતે પણ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આપણા છોકરાઓ હવે માત્ર રમવા માટે જતાં નથી, પરંતુ તેઓ મેડલ જીતીને લાવે છે અને સારું પરફોમન્સ કરી રહ્યાં છે.
‘આ ખેલાડીઓ રોજ 3-3 કલાક પ્રેક્ટિસ કરે છે’
તેઓએ ઉમેર્યુ હતું કે, આ વખતે જે 4 ખેલાડીઓ તુર્કીમાં ઇસ્તંબુલ ખાતે ધ તુર્કીસ ઓપન વાકો વર્લ્ડકપ-2023માં રમવા જઇ રહ્યા છે તેઓ રોજ 3-3 કલાક મહેનત કરે છે. તેઓ અભ્યાસ અને નોકરી વચ્ચે મેનેજ કરીને રોજ પ્રેક્ટિસ કરે છે. હું આશા રાખું છું કે, ઇસ્તંબુલમાં સારું રમીને મારું અને દેશનું નામ રોશન કરે.
હું જ નહીં મારો દીકરો પણ કિક બોક્સિંગ રમે છેઃ અભિજિતસિંહ
વર્લ્ડકપમાં રમવા જઈ રહેલા કિક બોક્સિંગની ખેલાડી અભિજિતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, હું 2015થી કિક બોક્સિંગ રમું છું. હું ઘણીવાર નેશનલ રમી ચૂક્યો છું. મારા માટે ખૂબ ગૌરવની વાત છે કે, હું ઇન્ડિયા માટે સિલેક્ટ થયો છું. હું દેશનું નામ રોશન કરીને પરત આવુ તેવી મારી ઇચ્છા છે. મારી ઉંમર 33 વર્ષ છે, મારા જેટલી ઉંમરમાં ઘણા બોક્સર રિટાયર્ડ થઈ જાય છે, પણ હું રમી રહ્યો છું. મારી સાથે મારો દીકરો પણ કિક બોક્સિંગ રમી રહ્યો છે. મારો દીકરો મારી સાથે જ પ્રેક્ટિસ કરે છે. મારો દીકરો સ્ટેટ લેવલે ગોલ્ડ મેડલ લાવ્યો છે અને નેશનલ માટે સિલેક્ટ પણ થયો છે. હું મારા દીકરા માટે પ્રેરણા સમાન બનું તે માટે હું રમું છું.
હું વર્લ્ડકપમાં રમવા તૈયાર છુંઃ પાવની દયાલ
વર્લ્ડકપમાં રમવા જઈ રહેલી કિક બોક્સિંગની ખેલાડી પાવની દયાલે જણાવ્યું હતું કે, મેં 8 વર્ષ પહેલાં કિક બોક્સિંગની પ્રેક્ટિસ શરૂ કરી હતી. મારી આ બીજી ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપ છે. આ પહેલાં હું ઓપન ઇન્ટરનેશનલ રમી હતી. વર્લ્ડકપમાં રમવા માટે હું તૈયાર છું અને સારું પરફોર્મન્સ કરીને મેડલ લાવીશ. ઇન્ટરનેશનલ રમવા માટે ડેડિકેશન અને ફોક્સ હોવું ખૂબ જરૂરી છે.
દેશને ગૌરવ અપાવવાનો સંપૂર્ણ પ્રયાસ કરીશઃ ઇશિતા
વર્લ્ડકપમાં રમવા જઈ રહેલી કિક બોક્સિંગની ખેલાડી ઇશિતા ગાંધીએ જણાવ્યું હતું કે, આજે સ્પોર્ટ્સમાં જે રીતે તક મળી રહી છે. જેના કારણે ગર્લ્સ દરેક સ્પોર્ટસમાં આગળ વધી રહી છે. હું ખૂબ જ ખુશ છું કે, મને ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરવાની તક મળી છે. હું વર્લ્ડકપમાં સારું પરફોર્મન્સ કરીને દેશને ગૌરવ અપાવવાનો સંપૂર્ણ પ્રયાસ કરીશ. હું ગોલ્ડ મેડલ મેળવવાનો પ્રયાસ કરીશ અને મારું બેસ્ટ આપીશ. મેં 2021માં નેશનલ ચેમ્પિયનશિપમાં ગુજરાતને રિપ્રેઝન્ટ કર્યું હતું અને સિલ્વર મેડલ મળ્યો હતો.
એશિયન ચેમ્પિયનશિપમાં મેં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતોઃ આકાશ
વર્લ્ડકપમાં રમવા જઈ રહેલા કિક બોક્સિંગની ખેલાડી આકાશ ચવાણે જણાવ્યું હતું કે, વર્લ્ડકપમાં રમવા માટે મારા સિલેક્શનથી હું ખૂબ ખુશ છું અને હું વર્લ્ડકપ રમવા માટે ઉત્સાહિત છું. મેં ખૂબ જ તૈયારી કરી છે. અગાઉ એશિયન ચેમ્પિયનશિપ બેંગકોક ખાતે મેં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. હું વર્લ્ડકપમાં પણ દેશ માટે મેડલ લાવવા માગું છું.