News Updates
NATIONAL

સંવેદનશીલ કામગીરી શાંતિ’પૂર્ણ’:દાહોદમાં પરોઢિયે વિવાદિત નગીના મસ્જીદનું દબાણ દૂર કરાયા બાદ અન્ય 7 ધાર્મિક સ્થળો પર બુલડોઝર ફેરવાયું, નિર્વિઘ્ને કામગીરી પૂર્ણ થતા હાશકારો

Spread the love

દાહોદ શહેરમાં પરોઢિયે નગીના મસ્જીદનું દબાણ હટાવી દેવામાં આવ્યુ હતુ. ત્યારબાદ વધુ સાત જેટલા ધાર્મિક દબાણો કલાકોમાં જ દુર કરી દેવાતાં શહેરીજનોમાં સન્નાટો છવાઇ ગયો છે. અતિસંવેદનશીલ ગણાતા વિષયમાં શાંતિપૂર્ણ રીતે કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે

બીજી તરફ શહેરમાં ધાર્મિક દબાણોની ચર્ચા ઘણાં વખતથી ચાલતી હતી. તેમાં પણ નગીના મસ્જીદનો વિવાદ કેટલાક દિવસોથી વકર્યો હતો જોકે, તંત્ર દ્વારા આ મસ્જીદને પરોઢિયે 4-15 કલાકે તોડી પાડવામાં આવી હતી. પશુ-પક્ષી પણ ફરખતા ન હતા તેવા સમયે પણ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મસ્જીદનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઇન્દૌર હાઈવે પર દરગાહનું દબાણ દૂર કરાયું હતું. જે બાદ છાબ તળાવ કિનારે આવેલા ચાર જેટલા મંદિર અને અન્ય બે દરગાહના દબાણ પણ નિર્વિઘ્ને દૂર કરવામાં આવ્યાં હતા. અન્ય કેટલાક પાકા દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરવાની હતી, પરંતુ દસ્તાવેજ રજૂ કરતા તેમાં મુદત આપવામાં આવી હોવાનું જાણવા મળ્યુ છે.

પોલીસ સતર્ક બની, ગુપ્ત બેઠકો પર નિગરાની
ધાર્મિક દબાણો દુર કર્યા બાદ સ્વાભાવિક રીતે જ વિસ્તારની સંવેદનશીલતા વધી જાય છે ત્યારે પોલીસ પણ સતર્ક થઇ હોવાનું જાણવા મળ્યુ છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત તો ગોઠવી જ દેવાયો છે તેમજ પોલીસ વિભાગ આંતરિક માહિતી મેળવવાના કામે પણ લાગી ગઇ છે.

આ અંગે ઉચ્ચ પોલીસ અધીકારીએ જણાવ્યું કે, શહેરના કોઇ પણ વિસ્તારમાં કરાતી મિટીંગ કે વિના હેતુની ચર્ચા કે સોશ્યલ મિડીયામાં વિવાદિત પોસ્ટ મુકનારા પર પણ પોલીસ ચાંપતી નજર રાખી રહી છે. તેમજ પોલીસની પ્રાથમિક્તા હાલ માત્રને માત્ર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાની છે.

આ અંગે દાહોદના મામલતદાર મનોજ મિશ્રાએ જણાવ્યું હતું કે, આજે વહેલી સવારે દાહોદ નગરપાલિકા વિસ્તારમાં ધાર્મિક દબાણો હટવવાની મુહિમ ચલાવવામાં આવી હતી. જેમાં બસ સ્ટેશન રોડ પર મસ્જીદ, તળાવ તરફ બે દરગાહ, ઈન્દૌર રોડ પર એક દરગાહ અને તળાવના કિનારે 4 મંદિર આ ધાર્મિક દબાણો હતા તેને દૂર કરવામાં આવ્યાં છે, હાલમાં પણ દબાણ હટાવવાની પ્રક્રિયા ચાલું છે.

મસ્જીદના ટ્રસ્ટીઓ મુજબ માત્ર 6 ફુટ દબાણ હતું
દાહોદના ભગિની સમાજની સામે વળાંકમાં જ નગીના મસ્જીદ આવેલી હતી. આ મસ્જીદની લાઇનમાં તેમજ આસપાસના તમામ દબાણો આ પહેલાં જ તોડી પાડવામાં આવ્યાં હતા. બીજી તરફ આ મસ્જીદ મામલે મસ્જીદના ટ્રસ્ટીઓ અને તંત્ર વચ્ચે દાવા પ્રતિદાવા ઠોકવામાં આવતા હતા. તંત્રનું કહેવું હતું કે, આખી મસ્જીદ દબાણમાં છે, જ્યારે ટ્રસ્ટીઓનુ કહેવું હતું કે, મસ્જીદમાં માત્ર 6 ફુટ જેટલું જ દબાણ છે. ત્યારે તંત્ર દ્વારા ટ્રસ્ટીઓને જરુરી દસ્તાવેજી પુરાવા રજૂ કરવા કહેવામાં આવ્યું હતું અને એક જાણકારી મુજબ શુક્રવાર સાંજ સુધીનો સમય આપવામાં આવ્યો હતો.


સમાજના યુવાનોએ પહેલાં જ મસ્જીદનો 6 ફુટનો ભાગ દૂર કર્યો હતો
બીજી તરફ મસ્જીદના ટ્રસ્ટીઓ અને સમાજના યુવાનોએ જાતે જ મસ્જીદનો તે 6 ફુટનો ભાગ આ પહેલાં જ તોડી પાડ્યો હતો. તે દિવસે પણ ઉત્તેજના વ્યાપી ગઇ હતી, કારણ કે સમાજના લોકોએ સરકારી મશીનરીનો ઉપયોગ કરવાની ના પાડી દીધી હતી. બીજી તરફ સમાજના યુવાનોએ જાતે જ મસ્જીદનો ભાગ તોડવાનું શરુ કર્યુ હતું. તેનાાથી પણ પરિણામ ન મળતા છેવટે સ્વખર્ચે જેસીબી મંગાવ્યાં હતા અને તે બે જેસીબી વડે જ 6 ફુટ જેટલો હિસ્સો તોડી પાડવામાં આવ્યો હતો.

શુક્રવારે આખો દિવસ તંત્ર દ્વારા કોઇ ચહલ પહલ દેખાઇ ન હતી. શુક્રવાર હોવાથી માત્ર સામાન્ય પોલીસ બંદોબસ્ત જ ગોઠવવામાં આવ્યો હતો. જો કે, રાત બાદ સૌથી પહેલા પોલીસ વિભાગમાં સળવળાટ જોવા મળતાં કઇંક બનવાનું છે તેવી સભાવનાઓ દેખાવા લાગી હતી પરંતુ પોલીસ વિભાગે ખુબ જ ચોકસાઇ પૂર્વક કામગીરી શરુ કરી હતી.
એએસપીના નેતૃત્વમાં જ સમગ્ર માસ્ટર પ્લાન ઘડાયો
સમગ્ર દબાણ હટાવ કામગીરીમાં અગ્રેસર રહેનારા એએસપી જગદીશ બાંગરવાના નેતૃત્વમાં જ સમગ્ર માસ્ટર પ્લાન ઘડાયો હતો. સૌ પ્રથમ તો મસ્જીદ તરફ આવતા તમામ રસ્તાઓ પર બેરીકેટ લગાવી બંધ કરી દેવાયા હતા અને રાત્રે 2-30 વાગ્યાથી જ પોલીસની ફોજ એકત્ર થઇ ગઇ હતી. તબક્કાવાર પોલીસના તમામ સરકારી વાહનોની કતાર ખડકી દેવામાં આવી હતી અને ખૂણે ખૂણે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. વાહન તેમજ પાણીનો મારો કરવાની પણ જરુરી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવ્યો હતો. સમગ્ર તૈયારી થયા પછી પોલીસ મસ્જીદ આગળ પહોંચી હતી. ઉપરાંત મામલતદાર, પાલિકા તેમજ સીટીસર્વેનો સ્ટાફ પણ આવી પહોંચ્યો હતો.

મહિલાઓએ મસ્જીદને બચાવવા આખી રાત ત્યાં જ બેઠી રહી
એકાએક જ એએસપીએ સુચના આપી કે, મહિલા પોલીસ પણ તૈનાત કરો ત્યારે ઘણાંને આશ્ચર્ય થયુ હશે કે આટલી રાત્રે કોણ મહિલાઓ આવી શકે છે. ત્યારે થોડી વારમાં જ મહિલા ફોર્સ પણ આવી પહોંચી હતી અને તેની સાથે જ એક બસની વ્યવસ્થા પણ કરી દેવાઇ હતી. મહિલા પોલીસ ફોર્સ મસ્જીદ પર પહોંચી હતી અને ત્યાં જોવા મળ્યુ કે, 30 થી વધુ મહિલાઓ મસ્જીદમાં જ બેઠી હતી. આ મહિલાઓએ મસ્જીદને બચાવવા માટે આખી રાત મસ્જીદમાં જ વીતાવી હતી. આ તમામ મહિલાઓને બહાર કાઢવામાં આવી હતી અને કોઇ પણ પ્રકારના ઘર્ષણ વિના તેમને કાયદાકીય સમજ આપવામાં આવી હતી. છેવટે મહિલાઓને ગળે વાત ઉતરતાં તેઓ પોલીસ વાહનમાં બેસીને રવાના થઇ ગયા હતા. આ વખતે સુરક્ષાના કારણોસર કોઇ અત્યંત ગોપનીયતા રાખવામાં આવી હતી.
સવારના 3-45 વાગ્યાના અરસામાં પ્રાંત અધિકારીની અચાનક એન્ટ્રી
દાહોદના મહિલા પ્રાંત અધિકારી એન.બી.રાજપૂત કે જેઓ આજકાલ લેડી સિઁઘમના નામથી દાહોદમાં પ્રખ્યાત થયા છે તેઓએ સવારના 3-45 વાગ્યે એન્ટ્રી કરી હતી. એએસપી પહેલેથી જ હાજર હતા ત્યારે પાલિકાના ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલા પણ આવી પહોંચ્યા હતા. આ ત્રિપુટી વચ્ચે સામાન્ય ગુપ્તેગુ થઇ હતી કારણ કે આખો પ્લાન પહેલે થી જ તૈયાર હતો. જેથી કરીને પોલીસ બંદોબસ્તનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. જો કે, સવારનો સમય હોવાથી અને રસ્તો બંધ હોવાથી સામાન્ય દિવસો માફક કોઇ ટોળા એકઠા થયા ન હતાં.

સુચના મળતા મિનિટોમાં દબાણ દૂર કરાયું
બસ થોડી જ વારમાં બે હિટાચી મશીન આવી પહોંચ્યા હતા અને સૂચના મળતા જ મસ્જીદનું દબાણ હટાવવાની કામગીરી શરુ કરવામાં આવી હતી. ધીમે ધીમે મસ્જીદનુ દબાણ ક્રમશઃ અને આયોજન બદ્ધરીતે દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આશરે 45 થી 50 મિનીટમાં દબાણ દૂર કરી નાખવામાં આવ્યું હતું. તેની સાથે કાટમાળ હટાવવાની કામગીરી પણ શરુ કરી દેવાઇ હતી.


પાકા વાણિજ્યિક, રહેણાંકના દબાણો દુર કરી દેવામાં આવ્યાં છે
દાહોદ શહેરમાં છેલ્લા કેટલાયે દિવસોથી સ્માર્ટ સીટી અંતર્ગત સ્માર્ટ રોડ બનાવવાને પગલે મુખ્ય રસ્તાઓ પહોળા કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં દેસાઇવાડ, ગોધરારોડ, ગોદી રોડ તેમજ પડાવ, પાલિકા ચોક, માણેક ચોકથી માંડીને સ્ટેશન રોડ પરના ઢગલાબંધ પાકા દબાણો દુર કરી દેવામાં આવ્યાં છે. તેમાંય પાલિકા ચોક, માણેક ચોક અને સ્ટેશન રોડ ઉપર તો મહત્તમ દુકાનો જ તોડી પાડવામાં આવતા ઘણાં પરિવારો માટે ધંધા રોજગારીનો પ્રશ્ન હાલ ઉભો થયો છે. મંડાવ રોડ, ગોવિંદ નગર રળિયાતી વિસ્તારમાં પણ સ્થાયી અને અસ્થાયી દબાણો દૂર કરવામાં આવ્યાં છે. જેમાં ઓટલા, ઝુકાટ તોડી પાડવામાં આવ્યાં છે. દરજી સોસાયટી અને એમજી રોડ પર લોકોએ સ્વૈચ્છાએ પોતાના દબાણો દૂર કરી દીધા છે.


Spread the love

Related posts

વિજ્ઞાનનો ચમત્કાર, એક જ ગર્ભમાંથી બે સગી બહેનો બનશે માતા, જાણો કેવી રીતે થયો આ ચમત્કાર

Team News Updates

હિમાચલ-ઉત્તરાખંડ સહિત 5 રાજ્યોમાં ભારે વરસાદ:72 કલાકમાં 76નાં મોત, દિલ્હીમાં પૂરનું જોખમ; નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને રાહત શિબિરોમાં મોકલવામાં આવ્યા

Team News Updates

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર કેમિકલના ટેન્કરમાં આગ:4નાં મોત, કેટલાક વાહનો પણ આગની ઝપેટમાં આવી ગયા; ભડભડ સળગતું ટેન્કર બળીને ખાખ

Team News Updates