ચીને બ્રિટિશ-મલેશિયન કોમેડિયન નિગેલ એનજીનું સોશિયલ મીડિયા એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધું છે, જે ‘અંકલ રોજર’ તરીકે જાણીતા છે. તેણે હાલમાં જ એક શો દરમિયાન શી જિનપિંગની સરકારની મજાક ઉડાવી હતી. આ પછી સરકારે કહ્યું- નિગેલ એનજીએ કાયદાનું ઉલ્લંઘન કર્યું છે, તેથી તેના બિલિબિલી અને વીબો એકાઉન્ટ્સ બ્લોક કરી દેવામાં આવ્યા છે.
એક કોમેડી શો દરમિયાન ‘અંકલ રોજર’એ દર્શકોમાં એક વ્યક્તિને પૂછ્યું કે તે ક્યાંના રહેવાસી છે. જવાબમાં, વ્યક્તિએ કહ્યું – ચીનનું ગુઆંગઝો. પછી ‘અંકલ રોજર’એ મોઢું ચઢાવીને કહ્યું- ચીન સારો દેશ છે. હવે તો કહેવું પડશે ને?અહીં થતી આપણી વાતચીત પણ રેકોર્ડ થઈ રહી છે. કારણ કે આ વ્યક્તિ પાસે હુવાવેનો ફોન છે. આ પછી ‘અંકલ રોજર’ એ વ્યક્તિના ખિસ્સામાં રાખેલા ફોન પર હાથ મૂક્યો અને કહ્યું- પ્રેસિડેન્ટ શી અમર રહે.
‘અંકલ રોજર’ આટલે જ ન અટક્યા, તેણે તાઈવાનના લોકો તરફ જોયું અને કહ્યું – આ બિલકુલ દેશ જ નથી…. ચાલો આશા રાખીએ કે તે જલદી જ તેમની માતૃભૂમિ (ચીન) સાથે જોડાઈ જશે. આ દરમિયાન દર્શકો હસતા જોવા મળ્યા હતા. ખરેખરમાં ચીન હંમેશાં તાઈવાનને પોતાનો હિસ્સો કહે છે અને તેના પર કબજો કરવા માંગે છે.
હવે સમજો અંકલ રોજરની Huawei વિશેની મજાક…
અંકલ રોજરે કહ્યું – વ્યક્તિ પાસે હુવાવેનો ફોન છે… અમારી વાતચીત રેકોર્ડ કરવામાં આવી રહી છે. ખરેખરમાં, ચીનની આર્મી પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ના પૂર્વ એન્જિનિયર રેનની કંપની હુવાવે પર અમેરિકન કંપની Cisco Systemsની ટેક્નોલોજી ચોરી કરવાનો આરોપ છે.
જ્યારે, કેનેડા, બ્રાઝિલ, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જેવા ઘણા દેશોએ હુવાવે વિરુદ્ધ તપાસ હાથ ધરી હતી. બ્રિટને સ્પષ્ટપણે કહ્યું છે કે હુવાવે તેના નેટવર્કનો ઉપયોગ ચીની સેના માટે જાસૂસી માટે કરે છે. ભારતે પણ આ કંપનીને એન્ટ્રી આપી નથી. અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડે પણ Huawei પર પ્રતિબંધ મૂક્યો છે.
ચીનમાં સેનાનું અપમાન કરવા બદલ મહિલાની ધરપકડ
4 દિવસ પહેલા ચીનમાં સેનાનું અપમાન કરવા બદલ એક મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. શી નામની મહિલા પર આરોપ હતો કે તેણે ચીનના સૈન્ય પર કરવામાં આવેલી મજાક બાબતે કોમેડિયનને સમર્થન આપ્યું હતું . ખરેખરમાં, એક કોમેડી શો દરમિયાન પ્રખ્યાત ચીની કોમેડિયન હાઓશીએ બે કૂતરાઓના વર્તનની તુલના શી જિનપિંગના લશ્કરી સ્લોગન સાથે કરી હતી. આ મજાકને લઈને કોમેડિયનને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. તેના પર મહિલાએ કહ્યું હતું કે કોમેડિયનને નોકરીમાંથી કાઢી મૂકયો તે ખોટું છે.
કોમેડી ફર્મ પર 15 કરોડનો દંડ
કોમેડી શો દરમિયાન Xiaomiએ કહ્યું હતું- હું ખિસકોલીની પાછળ દોડતા બે કૂતરાઓને જોઈ રહ્યો હતો. ત્યારે જ મને પીપલ્સ લિબરેશન આર્મીનું સૂત્ર યાદ આવ્યું, જેમાં તેઓ કહે છે- ‘સારી રીતે લડો, યુદ્ધ જીતો’.
ચીનના સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવેલા ઓડિયોમાં સાંભળવા મળે છે કે ત્યાં હાજર દર્શકો આ જોક પર હસી પડ્યા છે, જ્યારે એક વ્યક્તિએ તેના પર પોતાનો વાંધો નોંધાવ્યો છે. આ પછી કંપની પર 15 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ખરેખરમાં વર્ષ 2021માં ચીનની સરકારે સેનાના અપમાનને ગેરકાયદેસર જાહેર કર્યું હતું.