News Updates
NATIONAL

ભગવાનના રથોની ટ્રાયલ:72 વર્ષ બાદ નવા રથમાં ભગવાન નગરચર્યાએ નીકળશે, હવે સાંકડી ગલીમાંથી પણ નાથનો રથ નીકળી શકશે

Spread the love

ભગવાન જગન્નાથની 146ની રથયાત્રા આગામી 20 જૂનના રોજ યોજાવાની છે. 72 વર્ષ બાદ નવા રથમાં બેસીને ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળવાના છે. આજે ભગવાનની જગન્નાથના નંદીઘોષ રથની ટ્રાયલ લેવામાં આવી હતી. ખાસ કરીને રથયાત્રા જ્યારે માણેકચોકમાં ચાંલ્લાની ઓળ ખાતે સાંકડી ગલીઓમાંથી પસાર થાય છે ત્યારે તકલીફ પડે છે. નવા રથમાં પણ માણેકચોકમાં આવી કોઈ તકલીફ ન પડે એ માટે ટ્રાયલ કરવામાં આવી હતી. આજે રથ જ્યાં રાખવામાં આવ્યા છે ત્યાં જ એવી સાંકડી જગ્યા છે, જેથી ત્યાંથી પસાર થઈ શકે કે કેમ એની આજે ટ્રાયલ કરવામાં આવી હતી. આજે ટ્રાયલ દરમિયાન રથને જ્યારે ફુલ ટર્ન મારવાનો હોય ત્યારે હજી એમાં થોડી તકલીફ જેવું બની શકે છે, જેથી એમાં સુધારા કરવામાં આવી શકે છે.

રથયાત્રાની સુરક્ષાને મળ્યું ટેક્નોલોજીનું કવચ

રથમાં કોઈપણ પ્રકારે ફેરફાર નહીં
ભગવાન જગન્નાથના 72 વર્ષ બાદ નવા રથ બનાવવામાં આવ્યા છે. રથમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. આજે ભગવાન જગન્નાથના રથની ટ્રાયલ કરવામાં આવી હતી. રથને આગળ, પાછળ અને સાઈડમાંથી વાળીને રથની ટ્રાયલ કરવામાં આવી હતી. હાલમાં રથમા ટ્રાયલ દરમિયાન કોઈ તકલીફ જણાઈ નથી, પરંતુ હજી પણ આમાં ચેક કરવામાં આવશે અને જો કોઈપણ સુધારાવધારા કરવાની જરૂરિયાત રહેશે તો એ કરવામાં આવશે. આગામી દિવસોમાં સુભદ્રાજી અને બલભદ્રજીના રથની પણ ટ્રાયલ કરવામાં આવશે.

નવા રથને જગન્નાથપુરીના રથ જેવા દેખાડવાનો પ્રયાસ
જમાલપુર જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે આજે ભગવાન જગન્નાથના રથની ખલાસીઓએ ટ્રાયલ કરી હતી. રથ જ્યારે માણેકચોકના ચાંલ્લાની ઓળમાંથી નીકળે છે ત્યારે સાંકડી જગ્યા હોય છે ત્યારે તકલીફ પડતી હોય છે. રથ વાળવામાં જે તકલીફ પડે છે એ આ નવા રથમાં તકલીફ ન પડે એનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ વખતે નવા રથ જગન્નાથપુરીના રથ જેવા જ લાગે એવો પ્રયાસ કરવામાં આવ્યો છે. રથના કલરની ખાસ વિશેષતા છે, કારણ કે જગન્નાથપુરીમાં જે રથના કલરો છે એવા જ કલરોના રથ આ વખતે કરવામાં આવ્યા છે.

રથનો આગળનો ભાગ થોડો મોટો
તેમણે વધુમાં જણાવ્યું હતું કે રથનો આગળનો ભાગ થોડો મોટો કરવામાં આવ્યો છે, કારણ કે ત્યારે મુખ્યમંત્રીને થોડા નીચે નમવું પડતું હતું. હવે ભવિષ્યમાં આવી તકલીફ ન પડે અને લોકો દૂરથી ભગવાનનાં સ્પષ્ટ દર્શન કરી શકે એના માટે ફ્રન્ટ ભાગને થોડો વ્યવસ્થિત કરવામાં આવ્યો છે. રથમાં જે કાર્ડની જગ્યા છે એ પણ યોગ્ય રીતે કરવામાં આવી છે, જેનાથી રથ પર બેસતા લોકોને કોઈ તકલીફ ન પડે.

4 જૂને જળયાત્રામાં 108 કળશ જળ ભરી લવાશે
ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલાં આગામી 4 જૂના રોજ જળયાત્રા યોજાવાની છે. એ જળયાત્રા જગન્નાથ મંદિરથી શોભાયાત્રા રૂપે સાબરમતીના સોમનાથના ભૂદરના આરે ગંગાપૂજન માટે જશે. 108 કળશમાં જળ ભરીને લાવવામાં આવશે અને ભગવાનનો અભિષેક કરવામાં આવશે. જળયાત્રાના મુખ્ય અતિથિ તરીકે અમદાવાદના શિવાનંદ આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતી મહારાજ રહેશે.

જળયાત્રાના આમંત્રણ આપી દેવાયાં
જળયાત્રાના મુખ્ય યજમાન તરીકે કનીજ ગામના ગાલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સન્ની પ્રોડક્શનના સન્ની અશ્વિન દેસાઈ અને સધી માતા પરિવાર છે. જળયાત્રામાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ સહિત શહેરના તમામ ધારાસભ્યો અને ભાજપના શેર સંગઠનના નેતાઓ હાજર રહેશે. તમામને જળયાત્રામાં હાજર રહેવા માટે આમંત્રણ આજથી આપી દેવામાં આવ્યાં છે.

રથયાત્રાની તૈયારીઓ અખાત્રીજથી શરૂ થશે
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા 20 જૂનના રોજ ઊજવવાની છે. રથયાત્રાની તૈયારીઓ અખાત્રીજથી શરૂ કરાશે. હવે રથના કલરની કામગીરી શરૂ થઈ છે. હજી રથની નાની-મોટી કામગીરી કરવામાં આવી રહી છે. રથને પૈડાં લગાવવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. 4 જૂનના રોજ ભગવાન જગન્નાથની જળયાત્રાની પહેલાં આ રથની તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. નવા રથ હોવાને કારણે રથની ટ્રાયલ પણ આ વર્ષે લેવામાં આવશે. એને કારણે રથયાત્રાના દિવસે કોઇપણ પ્રકારની તકલીફ ઊભી થાય નહીં.

1950 બાદ 72 વર્ષે નવા રથ બનાવાયા
વર્ષોથી ભગવાન જગન્નાથના રથનું સમારકામ કરનાર અને રથ ખેંચનાર મહેન્દ્ર ખલાસે વર્ષ 1950માં નવા રથ બનાવવામાં આવ્યા હતા. 72 વર્ષ બાદ આ વર્ષે 73મા વર્ષે નવા રથમાં ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી બિરાજમાન થઈને નગરચર્યાએ નીકળવાનાં છે. આ વર્ષે નવા રથ બનાવવાના હોવાથી દિવાળી બાદ લાકડાં આવવાનું અને નાનું-મોટું કામ શરૂ થઈ ગયું હતું. આ રથ બનાવવામાં ત્રણ મહિના જેટલો સમય લાગ્યો છે.

એક મહિનામાં સંપૂર્ણ રથ તૈયાર થઈ જશે
ચાલુ વર્ષે નવા રથમાં ભગવાન બિરાજમાન થઈ નીકળશે. ગયા વર્ષે નવા રથ બનાવવાની વાત થઈ હતી અને આ રથનું નિર્માણકાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આ વર્ષે રથ બનીને તૈયાર થઈ ગયા છે. નવા રથની ડિઝાઇનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જૂના રથ પ્રમાણે નવા રથ બનાવવામાં આવ્યા છે. જો રથની વિશેષતાની વાત કરવામાં આવે તો આ રથ જે જૂના રથ બનાવવામાં આવેલા છે એ જ ડિઝાઇન, એ જ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈના માપ મુજબ જ બનાવવામાં આવ્યા છે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. આગામી એક મહિનામાં આ રથનાં પૈડાં લાગીને સંપૂર્ણપણે રથ બનીને તૈયાર થઈ જશે. રથ સંપૂર્ણપણે તૈયાર થઈ ગયા બાદ એક વખત રથ નવા હોવાથી એની ટ્રાયલ કરવામાં આવશે. મંદિર પરિસરમાં અથવા તો જ્યાં રથ મૂકવામાં આવ્યા છે ત્યાં રથની ટ્રાયલ કરવામાં આવશે.

ત્રણેય રથ વિવિધ થીમ પર બનાવાયા
ભગવાનના રથ બનાવવા માટે 400 ઘનફૂટ જેટલા સાગનું, જ્યારે 150 ઘનફૂટ સીસમનું લાકડું ઉપયોગમાં લેવાયું છે, જેમાં 400 ઘનફૂટ લાકડાંનો ઉપયોગ રથ બનાવવા, જ્યારે 150 ઘનફૂટ સીસમનાં લાકડાંનો ઉપયોગ રથનાં પૈડાં બનાવવા માટે થાય છે. સીસમનું લાકડું સખત, ટકાઉ હોય છે. એ સડા અને કીટાણું રોકીને ઘણું વધુ ટકાઉ બને છે, માટે એનો ઉપયોગ પૈડાં બનાવવા માટે કરવામાં આવ્યો છે. અમદાવાદના સુથાર દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. દરરોજ 10 કલાક કારીગરો કામ કરતા હતા. પ્રથમ રથની ડિઝાઇન દેવી-દેવતાઓની મૂર્તિઓ અને સુદર્શન ચક્રની થીમ પર બની છે. બીજો રથ શુભદ્રાજીના લાલ,અને પીળા રંગ સાથે નવ દુર્ગાની થીમ પર બનાવાયો છે. ત્રીજો બલભદ્રજીના રથને ચાર અશ્વની થીમ પર બનાવાયો છે.

1878માં 2 જુલાઈથી રથયાત્રા યોજાય છે
2 જુલાઈ 1878ના રોજ સૌપ્રથમ અમદાવાદમાં રથયાત્રા નીકળી હતી. મહંત નરસિંહદાસજી મહારાજે અમદાવાદમાં રથયાત્રા શરૂ કરાવી હતી. આમ, વર્ષો બાદ આજે પણ ભવ્ય રીતે રથયાત્રા નીકળે છે અને ભગવાન સ્વયં નગરચર્યાએ નીકળી નગરજનોને દર્શન આપે છે અને છેલ્લાં 145 વર્ષથી વર્તમાન સમયમાં રથ છે એના દ્વારા જ રથ યાત્રા નીકળતી હતી, પણ હવે નવા રથમાં નગરચર્યાએ નીકળશે.


Spread the love

Related posts

સોનિયા ગાંધી હવે રાજ્યસભામાં જશે:રાજસ્થાનથી ઉમેદવારી નોંધાવી, ભાજપે ઓડિશાથી રેલમંત્રી અશ્વિની વૈષ્ણવને ઉતાર્યા

Team News Updates

પર્સનલ ડેટા અસુરક્ષિત:દેશમાં દર મિનિટે 16 એકાઉન્ટ હેક થાય છે

Team News Updates

કલમ 370 હટાવવી યોગ્ય છે કે અયોગ્ય, આજે ચુકાદાની શક્યતા:સુપ્રીમ કોર્ટમાં 16 દિવસ સુધી સુનાવણી ચાલી, 5 સપ્ટેમ્બરે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો

Team News Updates