ચેક રિપબ્લિકના ઈ-સ્પોર્ટ્સ ગેમર કારેલ આઈઝેનબ્રેનરે આત્મહત્યા કરી લીધી છે. તે 19 વર્ષનો હતો. ઈન્ટરનેટ યુઝર્સ તેને ‘ટ્વિસ્ટન’ તરીકે ઓળખે છે, તે ઈ-સ્પોર્ટ્સ ટીમ વાઈટાલિટી માટે રમતો હતો. વાઈટાલિટીએ પોતાની એક સોશિયલ પોસ્ટમાં કારેલની આત્મહત્યા વિશે માહિતી આપી હતી.
કારેલે તેની છેલ્લી ટ્વીટમાં ‘ગુડ નાઈટ’ લખ્યું હતું. આ પોસ્ટને 5.5 મિલિયનથી વધુ વખત જોવામાં આવી છે.
ટીમના સહાયક કોચ હેરી મેફામે પણ ટ્વીટ કર્યું
જ્યારે તેની ટીમના સહાયક કોચ હેરી મેફામ (ગોરિલા)એ ટ્વિટ કર્યું, ‘હું આજે સવારે એક નજીકના મિત્રના સમાચારથી દુખી થયો છું, જે મારો ભાઈ હતો, તેણે પોતાનો જીવ લીધો. હું અત્યારે જે ઉદાસી કે ખાલીપણું અનુભવી રહ્યો છું તેનું વર્ણન શબ્દો નથી કરી શકતા. હું તેને પ્રેમ કરતો હતો અને હંમેશા કરીશ.’
વાઇટાલિટી સાથે કરાર કર્યો હતો
કારેલે તેની ઈ-સ્પોર્ટ્સ કારકિર્દીની શરૂઆત 2020 માં ચેક ટીમ ‘કિંગ્સ ઓફ સોસ્નોવકા’ સાથે કરી હતી. તેણે 2022માં ફ્રેન્ચ ઈ-સ્પોર્ટ્સ સંસ્થા ‘ટીમ વિટાલિટી’ સાથે કરાર કર્યો હતો. ત્યારથી તે ટીમ વાઇટાલિટી સાથે હતો.
ફેબ્રુઆરીની શરૂઆતમાં, કારેલે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ખુલાસો કર્યો હતો કે તે ડિપ્રેશનથી પીડિત છે, અને તેણે તાજેતરમાં માનસિક સ્વાસ્થ્ય હોસ્પિટલમાં સમય વિતાવ્યો હતો. કારેલે પોસ્ટ કર્યું હતું કે, ‘મેં પોતાને નુકસાન પહોંચાડ્યું હતું અને થોડા દિવસો માટે હતાશ હતો, મારા પિતાએ મને બચાવ્યો હતો.’