વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી મુદ્દે વર્ષ 2016થી ગુજરાત હાઇકોર્ટમાં અરવિંદ કેજરીવાલ સામે ગુજરાત યુનિવર્સિટીનો કેસ ચાલતો હતો. ગુજરાત હાઇકોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીના મુદ્દાના આ કેસ પર 31 માર્ચ 2023એ ચુકાદો આપતા પૂર્ણ વિરામ લાગી ગયું હતું અને ફરિયાદીને ડિગ્રી ન બતાવવા જણાવ્યું હતું. તેમજ અરવિંદ કેજરીવાલને 25 હજારનો દંડ કર્યો હતો. જો કે, આજે અરવિંદ કેજરીવાલે એડવોકેટ ઓમ કોટવાલ મારફતે ગુજરાત હાઇકોર્ટમાં આ ચુકાદા પર રિવ્યૂ પિટિશન દાખલ કરી છે. આ અંગે 30 જૂને સુનાવણી હાથ ધરવામાં આવશે.
રિવ્યૂ પિટિશનમાં શું રજૂઆત કરાઇ
રિવ્યૂ પિટિશનમાં હુકમમાં હાઈકોર્ટે કરેલા અવલોકનો ક્ષતિપૂર્ણ હોવાની રજુઆત સાથે તેમાં રિવ્યૂની જરૂરિયાત હોવાની અરજીમાં રજૂઆત કરાઈ છે. આ હુકમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટ પર ઓનલાઈન ઉપલબ્ધ છે તેવી માહિતી છે. જે ખરેખરમાં ઓનલાઈન ઉપલબ્ધ નથી. આથી હુકમમાં કરેલ આ બાબત ક્ષતિપૂર્ણ છે.
ક્ષતિપૂર્ણ અવલોકનો સુધારવાની જરૂર
કેજરીવાલના વીકલ ઓમ કોટવાલે જણાવ્યું હતું કે, આજે હાઇકોર્ટમાં રિવ્યૂ પિટિશન દાખલ કરવામાં આવી છે. આ રિવ્યૂ પિટિશન જે છે તે 31 માર્ચ 2023ના રોજનો ગુજરાત યુનિવર્સિટીની ફેવરમાં ઓર્ડર હતો તેના વિરૂદ્ધમાં આ રિવ્યૂ પિટિશન કરવામાં આવી છે. અમારે એવું કહેવાનું થાય છે કે, એ ઓર્ડરમાં અમુક અવલોકન લીધા છે તે ખોટી રીતે લીધેલા છે. આ અવલોકન ક્ષતિપૂર્ણ છે જે સુધારવાની જરૂર છે.
પક્ષકારોને નોટિસ ઈશ્યુ કરી કોર્ટે કેસને દાખલ કર્યો
આજે હાઈકોર્ટમાં બીરેન વૈષ્ણવની કોર્ટમાં કેસ મેન્શન થયો હતો. હાઈકોર્ટે ગુજરાત યુનિવર્સિટી અને ચીફ ઇન્ફોર્મેશન કમિશનર સહિતના પક્ષકારોને નોટિસ ઈશ્યુ કરી કોર્ટે કેસને દાખલ કર્યો છે. આ કેસની વધુ સુનાવણી 30 જૂનના રોજ હાથ ધરાશે.
ગુજરાત યુનિવસિર્ટીએ મેટ્રો કોર્ટમાં માનહાનિનો કેસ કર્યો
AAPના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને રાજ્યસભા સાંસદ સંજય સિંહને ગુજરાત યુનિવસિર્ટીએ મેટ્રો કોર્ટમાં માનહાનિનો કેસ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી માગતાં યુનિવર્સિટીની બદનક્ષી થતાં આ કેસ કરવામાં આવ્યો છે. કેસની ટ્રાયલના દિવસે કેજરીવાલ વતી તેમના વકીલો રહેશે હાજર રહ્યા હતા.
AAPના બે મોટા નેતાએ ડિગ્રી મુદ્દે પ્રેસ કરી હતી
ગુજરાત હાઈકોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડીગ્રીના મુદ્દાના કેસ પર 31 માર્ચે ચુકાદો આપતાં પૂર્ણવિરામ મૂક્યું હતું અને ફરિયાદીને ડીગ્રી ન બતાવવા જણાવ્યું હતું. ત્યારબાદ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે 1 એપ્રિલના રોજ પ્રેસ-કોન્ફરન્સ કરીને વડાપ્રધાનની ડિગ્રી પર અયોગ્ય શબ્દો ઉચ્ચાર્યા હતા. એ બાબત ટ્વિટર હેન્ડલ પર પણ મૂકવામાં આવી હતી. બીજા દિવસે 2 એપ્રિલના રોજ સંજય સિંહે પણ વડાપ્રધાનની ડિગ્રીને લઈને પ્રેસ કરી હતી તેમજ ટ્વિટર હેન્ડલ પર વિગતો મૂકી હતી. આ પ્રેસ અને ટ્વીટમાં ગુજરાત યુનિવર્સિટીનો પણ ઉલ્લેખ કરાયો છે.
કુલસચિવે બદનક્ષીની ફરિયાદ કરી
યુનિવર્સિટી વતી કુલ સચિવ ડો. પીયૂષ પટેલે મેટ્રો કોર્ટમાં ઇન્ડિયન પીનલ કોડ 500 અંતર્ગત બદનક્ષીની ફરિયાદ નોંધાવી હતી. બે દિવસ પહેલા એના પર અમદાવાદ મેટ્રો કોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણીમાં અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહે કોર્ટમાં હાજર રહેવાનું હતું, પરંતુ તેઓ ઉપસ્થિત રહ્યા નહોતા, તેમના વકીલ ઋષિકેશ કુમારે કોર્ટમાં રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કેસની ટ્રાયલ દરમિયાન જરૂર ન હોય ત્યાં સુધી તેમના અસીલને ઉપસ્થિતિમાંથી રાહત આપવામાં આવે, કારણ કે તેઓ એક રાજ્યના મુખ્યમંત્રી છે અને વ્યસ્ત રહે છે. આ ઉપરાંત કેજરીવાલના વકીલે સમગ્ર કેસના દસ્તાવેજો પણ ફરિયાદી પાસેથી મેળવવા માગ કરી હતી.