બિપરજોય વાવાઝોડા પહેલાં લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી દરમિયાન ઘરમાં જ રહી ગયેલાં 102 વર્ષનાં વૃદ્ઘા અને તેના 65 વર્ષીય પુત્રને પોલીસ દ્વારા રેસ્ક્યુ કરી માનવતા મહેકાવી છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજથી આગામી ત્રણ દિવસ સુધી બિપરજોય વાવાઝોડાની અસર રહેવાની છે. આ વાવોઝોડુંની ગતિ ખૂબ જ વધારે હોવાથી દરિયાકાંઠાના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે. જેમાં કંડલા પોર્ટની નજીકનાં ગામડાઓમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે લોકોને અપીલ કરવામાં આવી હતી. જેથી મોટાભાગના લોકો શાળાઓ અને આશ્રયસ્થાનોમાં પહોંચી ગયા હતા.
પોલીસે એક-એક ઘર અને ઝૂંપડા તપાસ્યાં
વાવાઝોડાથી નુકસાન થઇ શકે તેવા વિસ્તારો અને ગામોમાંથી લોકોનું સ્થળાંતર થઇ ગયું હતું. હજુ પણ કોઇ રહી ગયું નથીને તેવી તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હતી. પોલીસ એક એક ઘર અને ઝૂંપડાની તપાસ કરી રહી હતી તે દરમિયાન આજે કંડલાના સરવા કેમ્પમાં એક ઝૂંપડામાં એક વૃદ્ઘા અને યુવક નજરે પડ્યાં હતાં.

અમારે સ્થળાંતર નથી કરવું
કંડલા મરીન પોલીસ સ્ટેશનના ASI રણધીરસિંહ ઝાલાએ જણાવ્યું કે, વૃદ્ઘા નજરે પડતાં અમારી ટીમ ઝૂંપડા ગઇ હતી. જ્યાં આ વૃદ્ઘાનું નામ પૂછતાં તેઓનું તારાબેન આમદભાઇ બાપડા હોવાનું કહ્યું હતું. તેમજ તેમની સાથે તેમનો પુત્ર અનવર આમદભાઇ બાપડા પણ સાથે હતો. આ બંને ત્યાંથી સ્થળાંતર કરવા માંગતા ન હોવાથી તેઓ ઝૂંપડામાં જ બેસી રહ્યાં હતાં. જેથી પોલીસની ટીમે તેઓને વાવાઝોડાની ગંભીરતા વિશે સમજાવ્યું હતું તેમજ આશ્રય સ્થળે તેમને રહેવા, જમવાની બધી જ સગવાડ આપવામાં આવશે તેમ કહ્યું હતું. જેથી બંને માતા-પુત્ર સ્થળાંતર કરવા માટે તૈયાર થઇ ગયાં હતાં.
માતાની ઉંમર 102 વર્ષ, પુત્ર પણ 65 વર્ષનો
પોલીસ દ્વારા જ્યારે તારાબેનની ઉંમર પૂછવામાં આવી તો જાણવા મળ્યું હતું કે તારાબેને 102 વર્ષનાં છે અને તેઓ જાતે ચાલીને બહાર નીકળવામાં પણ અસમર્થ છે. જેથી પોલીસે ખુરશીમાં બેસાડી ખુરશીમાં તેમને ઊંચકી પોલીસની જીપમાં બેસાડવામાં આવ્યાં હતાં. તો આ સતાયુ વૃદ્ઘાનો પુત્ર અનવર બાપડા પણ 65 વર્ષનો છે. આમ 65 વર્ષીય વૃદ્ઘ અને તેનાં 102 વર્ષનાં માતાનું પોલીસ દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યું હતું. બંનેને આશ્રયસ્થાનમાં લઇ જવામાં આવ્યાં છે અને ત્યાં તેમના રહેવા અને જમવાની વ્યવસ્થા કરાઇ છે.

કંડલા પોર્ટ પર 10 નંબરનું સિગ્નલ
‘બિપરજોય’ ચક્રવાત જેમ જેમ કચ્છ અને સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે તેમ તેની અસર વર્તાવા માંડી છે. દરમિયાન કંડલા પોર્ટ પર 10 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે, જેનો સીધો અર્થ અતિ ગંભીર સ્થિતિ તેવો છે.
ટ્રકોના ખડકલા થવા લાગ્યા
વાવાઝોડાની સ્થિતિને લઇને દીનદયાળ પોર્ટની કામગીરી બંધ થતાં હજારો ટ્રકનાં પૈડાં થંભી ગયાં છે. જેથી કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામમાં મોટી સંખ્યામાં ટ્રક્સ પાર્ક થયેલી જોવા મળી રહી છે.
કચ્છની તમામ પેસેન્જર ટ્રેન 15મી સુધી રદ
કચ્છ આવતી અને અહીંથી જતી તમામ પેસેન્જર ટ્રેનો 15 જૂન સુધી રદ કરી દેવામાં આવી છે. જે પ્રવાસીઓ આ અંગે રિફંડ માંગશે તેઓને ફુલ રિફંડ પરત કરી દેવામાં આવશે.
3 હજાર લોકોનું સ્થળાંતર
વાવાઝોડાની સ્થિતિને ધ્યાનમાં રાખતા તંત્ર દ્વારા 3 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. વિવિધ સમાજસેવી સંસ્થાઓ દ્વારા આ લોકોને જમવાની સુવિધાઓ આપવામાં આવી રહી છે. કંડલા પોર્ટ પર કામ કરતા કર્મચારીઓને પણ સુરક્ષિત સ્થળે લઇ જવામાં આવ્યા છે.