અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં દરિયા કિનારે લાખો માછલીઓ મૃત હાલતમાં મળી આવી છે. મામલો ક્વિન્ટાના બીચનો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર તાપમાન વધવાને કારણે આ માછલીઓ પાણીમાં ગૂંગળામણને કારણે મૃત્યુ પામી હતી. ટેક્સાસમાં વન્યજીવ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર ગરમ પાણીમાં ઓક્સિજનની કમી છે.
જેના કારણે માછલીઓને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને તેઓ મરી જાય છે. આ પ્રક્રિયાને કારણે જે માછલીઓ મૃત્યુ પામે છે તેમાંની મોટાભાગની માછલીઓ મેનહેડન પ્રજાતિની છે.
ઉનાળામાં માછલીઓ આ રીતે મરી જાય તે સામાન્ય બાબત છે
ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર, ઉનાળામાં આ માછલીઓનું મૃત્યુ થવું સામાન્ય બાબત છે. દરિયામાં ઊંડા પાણી કરતાં કિનારાની નજીકનું પાણી વધુ ઝડપથી ગરમ થાય છે. ઘણી વખત માછલીઓ કિનારા પાસેના પાણીમાં ફસાઈ જાય છે અને પાછી ફરી શકતી નથી.
માછલીઓ મરતા પહેલા, તેઓ પાણીની ઉપર આવીને ઓક્સિજન લેવાનો પ્રયાસ કરે છે, જ્યારે કેટલીક ઠંડી માટે તળેટીમાં જાય છે. શુક્રવારથી ટેક્સાસમાં દરિયાકાંઠે મૃત માછલીઓ આવવાનું ચાલુ છે. જોકે, પ્રશાસને કહ્યું છે કે તેઓ તેમને હટાવીને બીચની સફાઈ કરી રહ્યા છે.