રાજકોટનાં કોઠારીયા રોડ નજીક રહેતાં શખ્સે પોતાના જ સગાને લોકડાઉન પહેલા મકાન માટે હાથ ઉછીની રકમ આપી હોઇ તે કટકે કટકે પાછી આવી હોઇ તેના કારણે ચાલતાં મનદુઃખ અને પોલીસ ફરિયાદનો ખાર રાખી ગતરાતે આતંક મચાવ્યો હતો. જેમાં નંબર પ્લેટ વગરની સ્કોર્પિયો ગાડીમાં આવી લક્ષ્મીનગર મેઇન રોડ અને આનંદ બંગલા ચોકમાં ઇંડાની 4 લારીઓને કારની ઠોકરે ચડાવી હતી. તેમજ જેની સાથે પૈસાની લેતીદેતીનું મનદુઃખ હતું એ યુવાનને મારી નાખવાની ધમકી આપી હતી. હાલ ભોગ બનનારે ફરિયાદ નોંધાવતા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.
આ મામલે ઈંડાની લારી ચલાવતા 38 વર્ષીય બોદુભાઈ ઠાસરિયાએ કોઠારીયા રોડ નજીકમાં રહેતાં ઇમરાન અબુભાઇ મીનીવાડીયા સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમને જણાવ્યું હતું કે, રાતે બારેક વાગ્યે મારો 17 વર્ષીય દિકરો અલ્ફાઝ ઇંડાની લારીએ હતો. ત્યારે ઇમરાન તેની નંબર વગરની સ્કોર્પિયો ગાડી લઇને આવ્યો હતો અને અમારી રેકડી ઉલાળીને ફેંકી દઇ નુકસાન કર્યુ હતું. આ પછી થોડીવાર પછી મારા પત્નિ રશીદાનો ફોન આવ્યો હતો કે આનંદ બંગલા ચોકમાં આપણા ભાણેજ ઇમરાન યુનુસભાઇ મોદી અને ઇરફાન મોદીની કિસ્મત એગની લારીએ ઇમરાન મીનીવાડીયા માથાકુટ કરે છે તમે જલ્દી આવો. આથી હું આનંદ બંગલા ચોકમાં જતાં ત્યાં પણ મારા ભાણેજની બે ઇંડાની લારીઓ ઉંધી વળેલી જોવા મળી હતી.
ભાણેજે કહ્યું કે ઇમરાન સ્કોર્પિયો લઇને આવ્યો હતો. અને ગાળો દઇ બાદમાં બંને રેકડીઓને બે ત્રણવાર ઠોકર મારી નુકસાન કરી ‘તને હું જીવતો નહિ રહેવા દઉ’ તેવી ધમકી આપી જતો રહ્યો છે. ત્યારબાદ મારા મોટા ભાઇ નુરમામદ ઓસમાણભાઇ ઠાસરીયા આવ્યા હતાં અને તેણે પણ કહ્યું હતું કે ઇમરાન તેની ઇંડાની લારીને પણ ઠોકરે લઇ નુકસાન કરી ભાગી ગયો છે. લોકડાઉન વખતે ઇમરાન પાસેથી લીધેલા રૂપિયા કટકે-કટકે આપ્યા હોય તેનો ખાર રાખી અગાઉ ઇમરાને ઝઘડો કર્યો હતો. જેને લઈ અમે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ કરી હતી. આ બાબતનો ખાર રાખી ઇમરાને સ્કોર્પિયો વડે મારી, મારા ભાઇની અને બે ભાણેજની એમ ચાર ઇંડાની લારીઓને ઠોકરે ચડાવી નુકસાન કરી ભાણેજને મારી નાંખવાની ધમકી આપી હતી. હાલ માલવીયાનગર પોલીસે ગુનો દાખલ કરી આ અંગે વધુ તપાસ શરૂ કરી છે.