અંકલેશ્વર GIDCમાં આવેલી નિરંજન લેબોરેટરીમાં આચનક જ ભયાનક આગ ફાટી નીકળતાં દોડધામ મચી ગઈ છે. આગની જાણ અંકલેશ્વરના ફાયર ફાયટરોને કરાતા તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવી આગ ઉપર કાબૂ મેળવવાની કવાયત હાથ ધરી છે. આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. લેબોરેટરીમાં આગ લાગતાની જ સાથે અંદર રહેલા કામદારોમાં અફરાતફરી સર્જાઈ હતી.
5થી વધુ ફાયર ફાયટરો ઘટનાસ્થળ પર
અંકલેશ્વર GIDCમાં અનેક આગ લાગવાના બનાવો બનતા રહે છે. ત્યારે આજે સવારે વધુ એક આગ લાગવાનો બનાવ બન્યો છે. અંકલેશ્વર GIDCમાં આવેલી નિરંજન લેબોરેટરીમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી. જેના કારણે કંપનીના કામદારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે, આગના ધુમાડા દૂર દૂર સુધી નજરે પડતા હતા. આગની જાણ અંકલેશ્વર ફાયર વિભાગના 5થી વધુ ફાયર ફાઈટર વિભાગને કરવામાં આવતા તેઓ લાશ્કરો સાથે સ્થળ ઉપર દોડી આવી આગ ઉપર કાબૂ મેળવવાની કવાયત હાથ ધરી હતી. આગની જાણ થતાં જ ફેક્ટરી અધિકારી સહિતના સંબંધિત અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. જોકે આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી.
DPMCના ફાયર ફાઈટરોએ આગને કાબૂમાં લીધી
અંકલેશ્વર GIDCમાં નિરંજન લેબોરેટરી કરીને એક યુનિટ આવેલું છે. કેમિકલ ડિસ્ટિલેશનનું યુનિટ છે. તેમાં અચાનક જ આગ લાગી. જેથી ઘટના સ્થળે અમે આવી ગયા હતા. તરત જ DPMCના ફાયર ફાઈટરો આવી ગયેલાં હતાં અને અત્યારે હાલ આગ સંપૂર્ણ કાબૂમાં છે. કોઈ પણ વર્કરને નાની-મોટી ઈજાઓ થઈ નથી. આગ લાગવાનું કારણ પ્રાથમિક દૃષ્ટિએ જોતાં બાજુમાં એક ખુલ્લો પ્લોટ છે, ત્યાં માણસો રહેતા હોય અને રસોઈ બનાવતા હોય તેવું કોઈ કારણ અત્યારે અમારા ધ્યાનમાં આવ્યું છે. ફેક્ટરીની અંદર ફાયર માટે કોઈ ઈલેક્ટ્રિક એક્સિડન્ટ હોય તેવું કંઈ હાલ જણાતું નથી. આગ હાલ જ DPMCના ફાયર ફાઈટરોએ કંટ્રોલમાં કરી લીધી છે.