વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના નવ વર્ષ પૂર્ણ થતા એક મહિના સુધી વિશેષ જનસંપર્ક અભિયાન ચાલી રહ્યુ છે જેમાં સાંસદસભ્યો, ધારાસભ્યો તેમજ ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અગ્રણીઓ દ્વારા મોદી સરકારની નવ વર્ષની સિદ્ધિઓની માહિતી ઘર-ઘર સુધી પહોંચાડવામાં આવી રહી છે. તે અંતર્ગત ગુરુવારે સાંજે રાજકોટમાં પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં નાના મૌવા સર્કલ ખાતે જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં સભામાં સી.આર.પાટીલે કોંગ્રેસને આડે હાથ લઇ આકરા પ્રહારો કરી આવતી લોકસભાની ચૂંટણી માટે ‘અબ કી બાર મોદી સરકાર’ અને ‘અબ કી બાર 400 પાર’નું સૂત્ર કાર્યકર્તાઓને આપ્યું હતું.
એપ્રિલ-2024માં રામ મંદિર ખુલશે, ટિકિટ બુક કરવી લેજો
પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે સંબોધન કરતા કોંગ્રેસને આડે હાથ લઇ મોદી સરકારે કરેલા 9 વર્ષના કામોનો હિસાબ આપ્યો હતો. આદરણીય પાટીલ સાહેબે જણાવ્યું હતું કે, કોંગ્રેસની સરકારે ક્યારેય લોકોને હિસાબ આપ્યો નથી કારણ કે, તેના તમામ કામ કાળા જ હતા. આજે અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે 9 વર્ષમાં કરેલા કામનો હિસાબ દેવા આવ્યા છીએ. મેનીફેસ્ટો તૈયાર કરતા હતા ત્યારે પહેલું વાક્ય રામ મંદિરનું નિર્માણ કરીશું તે લખતા હતા અને આજે જે નિર્ણય કર્યો તે પૂર્ણ કર્યો. કોંગ્રેસના મિત્રો મજાકમાં કહેતા કે, રામ મંદિર ક્યારે બનાવશો પણ આજે હું કોંગ્રેસના મિત્રોને કહેવા માગું છું કે, એપ્રિલ 2024માં મંદિર ખુલ્લું મુકવામાં આવશે તમે પણ ટીકીટ બુક કરવી લેજો.
2024માં 26 સીટો સાથે જંગી લીડ મેળવવાનો સંકલ્પ
તેમને વધુમાં જણાવ્યું હતું કે, 70 વર્ષમાં કોંગ્રેસની સરકારે ટોયલેટની સુવિધા પણ ન આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટોયલેટ માટે અભિયાન ઉઠાવ્યું અને ઝુંબેશન રૂપે ઘરે-ઘરે ટોઇલેટની સુવિધા આપી છે. બહેનોને ફૂંક મારી ચૂલ્લા પર રાંધવુ પડતું હતું પણ આજે મોદી સરકારે 9.6 કરોડ લોકોને ગેસનો બાટલો આપવામાં આવ્યો છે. 70 વર્ષમાં કોંગ્રેસે 74 એરપોર્ટ બનાવ્યા હતા. જો કે, મોદી સરકારે 9 વર્ષમાં અદ્યતન એરપોર્ટ બનાવ્યા, જેમાં રાજકોટનો પણ સમાવેશ કરી ઈન્ટરનેશનલ એરપોર્ટ આપવામાં આવ્યું છે. મેડિકલ ક્ષેત્રે સારી સુવિધા મળે તે માટે એઇમ્સ હોસ્પિટલ પણ રાજકોટને આપવામાં આવી છે. પહેલા ટ્રેનમાં ડબ્બા ખખડધજ હતા, પંખાઓ કાસ્કાની મદદથી ફેરવવા પડતા હતા ત્યારે આજે નરેન્દ્ર મોદીએ વંદે ભારત ટ્રેન શરૂ કરી અને હજુ 500 ટ્રેન શરૂ થવાની છે. મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા તેનો ઘણો ફાયદો ગુજરાતને પણ થયો છે માટે આ વખતે 2024 માં 26 સીટો તો જીતીશું પરંતુ તેની સાથે સાથે 5 લાખની જંગી લીડ મેળવીશું તેવો સંકલ્પ કરીશું.
નેતાઓએ પ્રાસંગિક ઉદબોધન કર્યું
આ સાથે રાજકોટમાં પાટીલ સાહેબે લોકોને એક સૂત્ર આપી ‘અબ કી બાર મોદી સરકાર’ અને ‘અબ કી બાર 400 પાર’ના સૂત્રના નારા લગાવી કાર્યકર્તાઓમાં એક નવો ઉમંગ ઉત્સાહ અને જુસ્સો વધાર્યો હતો. જનસભામાં ઉપસ્થિત કાર્યકર્તાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે 9 વર્ષ દરમિયાન કરેલા કામો વિશે માહિતી આપી નેતાઓએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. કાર્યક્રમમાં કેબિનેટમંત્રી ભાનુબેન બાબરીયા, કુંવરજીભાઈ બાવળીયા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ હાજરી આપી હતી. આ દરેક નેતાઓએ કાર્યકર્તાઓને અત્યારથી લોકસભાની ચૂંટણી માટે કામે લાગી જવા તેમજ મોદી સરકારે કરેલા કામો અંગે લોકોને માહિતગાર કરવા કહ્યું હતું.