મિડિએશન સેન્ટર, લાઈબ્રેરી, સ્ટેમ્પ વેન્ડર, પોસ્ટ ઓફિસ, એટીએમ, કેન્ટીન સહિત દિવ્યાંગ પક્ષકારો માટે પણ હશે ખાસ સુવિધાઓ
ગીર સોમનાથ જિલ્લામાં કાયદાકિય શાસન વધુ મજબૂત બને તેમજ નવનિર્માણ સંકુલ ન્યાયની દિવાદાંડી સમાન બની રહે તેવા શુભહેતુસર વેરાવળ ખાતે બાયપાસ પર રૂ.૫૫ કરોડના ખર્ચે તૈયાર થનાર અત્યાધુનિક નવી જિલ્લા કોર્ટ બિલ્ડીંગનું ખાતમુહૂર્ત ગુજરાત હાઈકોર્ટ મુખ્ય કાર્યકારી ન્યાયાધીશ એ.જે.દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું.ગુજરાત હાઈકોર્ટ મુખ્ય કાર્યકારી ન્યાયાધીશ એ.જે.દેસાઈ ઉપરાંત ગુજ.હાઈકોર્ટ ન્યાયાધીશ તેમજ એડમિનિસ્ટ્રેટિવ જજ ગીર સોમનાથ ડી.એમ.દેસાઈ, ગુજ.હાઈકોર્ટ ન્યાયાધીશ નિર્જર.એમ.દેસાઈ, જે.સી.દોશીના વરદ્હસ્તે શાસ્ત્રોક્તવિધિ અનુસાર ભૂમિપૂજન તેમજ તક્તિ અનાવરણ કરવામાં આવ્યું હતું. આ તકે સ્વાગત પ્રવચન જિલ્લા ન્યાયાધિશ પી.જી.ગોકાણીએ કર્યુ હતું જ્યારે આભારવિધિ બાર એસો.પ્રમુખ એસ.એન. સવાણીએ કરી હતી.
ગુજરાત સરકાર દ્વારા હકારાત્મક પ્રતિસાદ સાથે જિલ્લાના પક્ષકારોને ઝડપી ન્યાય મળી શકે તેમજ માળખાકિય સુવિધામાં અત્યાધુનિક સગવડોનો ઉમેરો થાય તેવા લક્ષ્ય સાથે ૨૨૯૦૦ ચો.મી પરિસરમાં નિર્માણાધિન સંકુલમાં ૧૮ કોર્ટ સહિત ૧૫થી વધુ જજ ચેમ્બર, ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત ત્રણ માળમાં ૭૦થી વધુ રૂમમાં મિડિએશન સેન્ટર, લાઈબ્રેરી, સ્ટેમ્પ વેન્ડર, પોસ્ટ ઓફિસ, એટીએમ, કેન્ટીન, વીડિયો કોન્ફરન્સિંગ ફેસિલિટી, રજીસ્ટ્રાર રૂમ, કોમ્પ્યુટર રૂમ, રેકોર્ડ રૂમ સહિત દિવ્યાંગ પક્ષકારો માટે પણ ખાસ સુવિધાઓ નિર્માણ પામશે. આ તકે જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયા, જિલ્લા પોલિસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, કાર્યપાલક ઈજનેર સુનિલભાઈ મકવાણા, પ્રાંત અધિકારી કે.વી.બાટી, મુખ્ય સરકારી વકિલ શ્રી કેતનસિંહ વાળા સહિત વેરાવળ બાર એસોસિએશનના સભ્યો, બાર કાઉન્સિલના સભ્યો ઉપરાંત ન્યાય કાર્યવાહી સાથે સંકળાયેલા તમામ લોકોની બહોળી ઉપસ્થિતી રહી હતી.
અહેવાલ : પરાગ સંગતાણી (ગીર-સોમનાથ)