News Updates
AHMEDABAD

ગુજરાતમાં ક્યાંક મેઘમહેર તો ક્યાંક કહેર!:છેલ્લા 24 કલાકમાં રાજ્યના 224 તાલુકામાં સાર્વત્રિક વરસાદ; જૂનાગઢમાં 10.5 ઇંચ વરસાદથી ઘરોમાં પાણી ઘૂસ્યાં; ડેમોમાં નવા નીરની નોંધપાત્ર આવક

Spread the love

ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મોન્સૂન ટ્રફ અને સર્ક્યુલર સિસ્ટમ એમ બે-બે સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતભરમાં મેઘમહેર જોવા મળી રહી છે. ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈ માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. આજે મેઘરાજા ગુજરાતને ધમરોળી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 224 તાલુકામાં 1થી 11 ઈંચ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સૌથી વધુ જૂનાગઢમાં 10.5 ઈંચ વરસાદ નોંધાયો છે. તો તાપી જિલ્લામાં 9.4 ઈંચ વરસાદથી રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી હતી. વરસાદને કારણે ક્યાંક મેઘ મહેર તો ક્યાંક કહેર જેવી સ્થિતી જોવા મળી રહી છે. ભારે વરસાદને કારણે રાજકોટ જિલ્લામાં 5 ગામનો સંપર્ક તૂટ્યો હતો. વરસાદને કારણે રાજ્યના મોટા ભાગના ડેમોની સપાટીમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.

ડેમોમાં નવા નીરની નોંધપાત્ર આવક
રાજકોટ શહેર અને જિલ્લાના તમામ ગામોમાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટ શહેરમાં 2 ઇંચ સહિત જિલ્લામાં સાર્વત્રિક 1થી 6 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ જામકંડોરણા તાલુકામાં 6 ઇંચ વરસાદ અને સૌથી ઓછો લોધિકા તાલુકામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. આ વરસાદને લઈ જિલ્લાના તમામ ડેમોમાં નવા નીરની નોંધપાત્ર આવક થઈ છે. જેમાં ઉપલેટનો વેણુ-2 અને ધોરાજી તાલુકાના ભુખી પાસેનો ભાદર-2 ડેમ 80%, જ્યારે ઉપલેટાનો મોજ ડેમ 70% ભરાયો છે. સાથે જ ભાદર-2 ડેમના 6 દરવાજા 5 ફુટે ખોલી 38674 કયુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેના પગલે નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

ભાદર-2 ડેમના 6 દરવાજા 5 ફુટે ખોલાયા
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભુખી પાસેનો ભાદર-2 સિંચાઈ યોજના નંબર-149 ભાદર-2 ડેમ ભારે વરસાદને કારણે તેની પૂર્ણ સપાટીએ ભરાઈ ગયો છે અને ભયજનક સપાટીએ ઓવરરફલો થઈ રહ્યો છે. આથી ડેમના 6 દરવાજા વારે 07:45 વાગ્યે પાંચ ફૂટે ખોલવામાં આવ્યા છે, તથા 38674 કયુસેક પાણી છોડવામાં આવ્યુ છે. આથી, ડેમના હેઠવાસમાં આવતા ધોરાજી તાલુકાના ભોળા, ભોળગામડા, છાડવા વદર અને સુપેડી, ઉપલેટા તાલુકાના ડુમિયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ઈસરા, કુંઢેચ, ભીમોરા, ગાધા, ગધેડ, હાડફોડી, લાઠ, મેલી મજેઠી, નીલાખા, તલગણા ગામોના લોકોએ નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર નહિ કરવા તેમજ સાવચેત રહેવા રાજકોટ ફ્લડ સેલની યાદીમાં જણાવ્યું છે.

સુરવો ડેમ 100% ભરાતા હેઠવાસનાં ગામોના લોકોને સાવચેત કરાયા
રાજકોટ ફોકલ ઓફિસર અને અધિક્ષક ઇજનેર, સિંચાઈ વર્તુળ, ફ્લડ સેલ તરફથી જણાવાયા મુજબ, જેતપુર તાલુકાના ચારણ સમઢીયાળા ગામ પાસે આવેલ સિંચાઈ યોજના નંબર-169 સુરવો ડેમ તેની નિર્ધારિત સપાટીએ 100 ટકા ભરાઈ ગયો છે. ડેમમાંથી હાલ 355 કયુસેકના પ્રવાહનુ પાણી છોડવામાં આવ્યું છે. તથા ત્રણ દરવાજા બે ફૂટ ખોલાયા છે. આથી આ ડેમની હેઠવાસમાં આવેલા જેતપુર તાલુકાના થાણાગાલોળ, ખીરસરા, ખજુરી ગુંદાળા, ચારણીયા અને ચારણ સમઢીયાળા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે.

વેણુ-2 ડેમ 80% ભરાતા હેઠવાસના ગામોને એલર્ટ
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગધેથડ ગામનો સિંચાઈ યોજના નંબર 153 વેણુ-2 ડેમ ભારે વરસાદને કારણે 80% ભરાઈ ગયો છે. ડેમમાં હાલ 16,666 કયુસેક પ્રવાહની આવક ચાલુ છે. ડેમની કુલ સપાટી 55 મી. તથા હાલની સપાટી 53.21 છે, પાણીની આવક વધતા ગમે ત્યારે ડેમના દરવાજા ખોલવામાં આવે તેવી શક્યતા છે. આથી, ડેમના હેઠવાસમાં આવતા ઉપલેટા તાલુકાના ગધેથડ, વરજાંગજાળીયા, મેખાટીંબી, નાગવદર અને નિલાખા ગામોના લોકોએ નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર નહીં કરવા તેમજ સાવચેત રહેવા રાજકોટ ફ્લડ સેલની યાદીમાં જણાવ્યું છે.

મોજ ડેમ 70 ટકા ભરાયો
રાજકોટ ફોકલ ઓફિસર અને અધિક્ષક ઇજનેર, સિંચાઈ વર્તુળ, ફ્લડ સેલ તરફથી જણાવાયા મુજબ, ઉપલેટા તાલુકાના મોજીરા ગામ પાસે આવેલ સિંચાઈ યોજના નંબર-152 મોજ ડેમ તેની નિર્ધારિત સપાટીએ 70 ટકા ભરાઈ ગયો છે. ડેમમાં હાલ 21,045 કયુસેકના પ્રવાહની આવક છે. ડેમની કુલ ઊંચાઈ 72.54 મીટર છે, જ્યારે ભરાયેલી ઉંચાઈ 71.08 મીટર છે. આથી ડેમની હેઠવાસમાં આવેલા ઉપલેટા તાલુકાના મોજીલા, ગઢાવા, કેરાળા, ખાખી જાળિયા, સેવંત્રા, ઉપલેટા અને વાડલા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે.

રાજકોટ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલો વરસાદ

  • જામકંડોરણા તાલુકામાં 6 ઇંચ વરસાદ
  • રાજકોટ શહેરમાં 2 ઇંચ વરસાદ
  • પડધરી તાલુકામાં 3 ઇંચ વરસાદ
  • લોધિકા તાલુકામાં 1 ઇંચ વરસાદ
  • જસદણ તાલુકામાં 2.5 ઇંચ
  • કોટડાસાંગાણી તાલુકામાં 1.25 ઇંચ
  • ગોંડલ તાલુકામાં સવા 2 ઇંચ વરસાદ
  • ઉપલેટામાં 5 ઇંચ વરસાદ
  • ધોરાજીમાં 5.5 ઇંચ વરસાદ
  • જેતપુરમાં 5.26 ઇંચ વરસાદ નોંધાયો

Spread the love

Related posts

ટામેટાં ખાવા જેવાં થયાં ત્યાં દાળે દગો કર્યો:15 દિવસમાં તુવેર, અડદ, ચણાની દાળના ભાવ લાલચોળ, ગૃહિણીએ કહ્યું- સરકારે ભાવ ઘટાડવા ગંભીર બની વિચારવું જોઇએ

Team News Updates

લોરેન્સ બિશ્નોઈની અમદાવાદ કોર્ટમાં અરજી:મને ‘ગેંગસ્ટર’ કે ‘આતંકવાદી’ સંબોધવામાં ન આવે, મારી સામે ગુનો પુરવાર થયો નથી; સરકારી વકીલે જવાબ આપવા સમય માગ્યો

Team News Updates

અમદાવાદમાં વધુ 3 મિલકતની હરાજી:ઓઢવ રિંગ રોડ પર હોટલ તક્ષશિલા હાઉસની 3 મિલકતનો 62.31 લાખનો ટેક્સ બાકી, AMC હવે જાહેર હરાજી કરશે, અપસેટ પ્રાઈઝ કુલ રૂ. 34.50 કરોડ

Team News Updates