લોર્ડ્સ ટેસ્ટમાં સ્ટીવ સ્મિથે દમદાર બેટિંગ કરતાં શાનદાર સદી ફટકારી હતી. આ સદી સાથે જ તેણે તેના જ દેશના મહાન કપ્તાનના રેકોર્ડની પણ બરાબરી કરી હતી.
ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલ એશિઝ સીરિઝની બીજી ટેસ્ટના બીજા દિવસે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથે વધુ એક રેકોર્ડ પોતાને નામ કર્યો હતો. લોર્ડસ ટેસ્ટમાં સ્ટીવ સ્મિથે તેની ટેસ્ટ કારકિર્દીની 32 મી સદી ફટકારી હતી અને સ્ટીવ વોના રેકોર્ડની બરાબરી કરી હતી.
લોર્ડસ ટેસ્ટમાં કર્યો કમાલ
આ પહેલા લોર્ડસ ટેસ્ટના પ્રથમ દિવસે સ્ટીવ સ્મિથે ટેસ્ટ ક્રિકેટમાં નવ હજાર રન પૂર્ણ કર્યા હતા અને તે સૌથી ઝડપી આ સિદ્ધિ મેળવનાર ખેલાડી બન્યો હતો. સ્મિથે 99 મી ટેસ્ટની 174મી ઇનિંગમાં આ કમાલ કરી હતી. હવે બીજા દિવસે સ્મિથે સદી ફટકારી ટેસ્ટમાં વધુ એક કીર્તિમાન હાંસલ કર્યો હતો. આ ટેસ્ટમાં સ્મિથ 110 રન બનાવી આઉટ થયો હતો.
સ્ટીવ વોના રેકોર્ડની બરાબરી કરી
સ્ટીવ સ્મિથે ટેસ્ટ કારકિર્દીની 32 મી સદી ફટકારી ઓસ્ટ્રેલિયાના મહાન કપ્તાન સ્ટીવ વોના રેકોર્ડની બરાબરી કરી હતી. સાથે જ તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર બીજો ઓસ્ટ્રેલિયન ખેલાડી પણ બની ગયો છે. ટેસ્ટમાં સૌથી વધુ સદી ફટકારનાર ઓસ્ટ્રેલિયન ખેલાડી રિકી પોન્ટિંગ છે. પોન્ટિંગે ટેસ્ટમાં કુલ 41 સદી ફટકારી છે.
એશિઝમાં 12મી સદી
સ્મિથ સ્મિથ એશિઝમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે હવે બીજા ક્રમે પહોંચી ગયો છે. સ્મિથે જેક હોબ્સની 12 સદીના રેકોર્ડની બરાબરી કરી છે. એશિઝમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ મહાન બેટ્સમેન ડોન બ્રેડમેનના નામે છે. બ્રેડમેને એશિઝમાં કુલ 19 સદી ફટકારી છે.
ટેસ્ટમાં સૌથી વધુ સેન્ચુરી
ટેસ્ટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ ક્રિકેટના ભગવાન અને મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના નામે છે. સચિને ટેસ્ટમાં કુલ 51 સદી ફટકારી છે. 45 ટેસ્ટ સદી સાથે જેક કાલિસ બીજા અને 41 સદી સાથે રિકી પોન્ટિંગ આ મામલે ત્રીજા ક્રમે છે. 32 ટેસ્ટ સદી સાથે સ્ટીવ સ્મિથ હવે આ લિસ્ટમાં 11માં કર્મે પહોંચી ગયો છે.